દક્ષિણ ગુજરાતમાં માવઠું વરસ્યું: ભરૂચ, ડાંગમાં કમોસમી વરસાદ
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં માવઠાની આગાહી વચ્ચે ભરૂચ અને ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ભરૂચ જિલ્લાના દહેજ, વાગરા તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો હતો. વરસાદી છાંટા શરૂ થતાં ખેડૂતોમાં ચિંતા વ્યાપી હતી. જેમાં ઉનાળું પાકને નુકસાન થવાની ભીતિ સેવાઇ હતી. દરમિાયન ડાંગના પૂર્વપટ્ટી વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ કમૌસમી વરસાદ વરસ્યો હતો. માર્ચ મહિનાની શરૂઆત જ કમોસમી વરસાદથી થતા જગતના તાતની ચિંતા વધી ગઇ છે. ભરૂચ અને ડાંગ ઉપરાંત વલસાડમાં પણ હળવો વરસાદ વરસ્યો હતો. ભરૂચ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેમાં વાગરા તાલુકામાં વીજળીના ચમકારા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે દેશના મોટાભાગના રાજ્યમાં વાતાવરણમાં પલટો આવશે. જેની અસર ગુજરાત પર પણ છે. રાજ્યમાં અનેક વિસ્તારોમાં બે દિવસ માવઠું થવાની આગાહી કરવામાં આવી છે. તો બીજી બાજુ માર્ચ મહિનામાં માવઠા બાદ ઠંડીના રાઉન્ડની પણ આગાહી હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી છે. દરમિયાન ડાંગના પૂર્વપટ્ટી વિસ્તારોમાં ગુરુવારે બપોરે અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ કમૌસમી વરસાદ વરસ્યો હતો. આંબાવાડી ધરાવતા ખેડૂતોને આમ્ર મંજરી ખરી પડવા સાથે ઘઉં, ડુંગળી અને શાકભાજીને વ્યાપક નુકસાન થવાની દહેશત ઊભી થઈ છે. જ્યારે સાંજે ડાંગના અંતરિયાળ વિસ્તાર ભદરપાડા ગામે વાવાઝોડા સાથે કમૌસમી વરસાદમાં ગુરુકુળ આશ્રમનો શેડને નુક્સાન થયું હતું. ડાંગ જિલ્લાના પૂર્વપટ્ટીના ધવલીદોડ, સુબીર, ચીંચલી, ગારખડી વિસ્તારમાં એકાએક વાતાવરણમાં પલટો આવતા આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાઈ જવા પામ્યા હતા. ત્યારબાદ જોરદાર માવઠું તૂટી પડતા સર્વત્ર પાણી પાણી થઈ જવા પામ્યું હતું. ડાંગ જિલ્લાના પૂર્વપટ્ટીના છુટાછવાયા વિસ્તારોમાં થયેલા કમૌસમી વરસાદને પગલે આંબાની મંજરી ખરી પડવા સાથે ખેતરમાં ઘઉં, ડુંગળી, સહિત
શાકભાજીને નુકસાન થવાની દહેશત ઊભી થઈ હતી. જોકે ડાંગ જિલ્લાના વઘઈ, આહવા, સાપુતારા સહીત વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છતાં વરસાદે નહીં પડતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.