વેપાર

વૈશ્ર્વિક સોનું એક મહિનાની ટોચે, સ્થાનિકમાં ₹ ૫૭૫નો ઉછાળો

મુંબઈ: અમેરિકા ખાતે જાન્યુઆરી મહિનાના ફુગાવામાં ત્રણ વર્ષની સૌથી વધુ ધીમી ગતિએ વધારો થયાના અહેવાલે ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ પર એક તબક્કે સોનાના ભાવ વધીને ગત બીજી ફેબ્રુઆરી પછીની સૌથી ઊંચી ઔંસદીઠ ૨૦૫૦ ડૉલરની સપાટી સુધી પહોંચીને પાછા ફર્યા હતા. વધુમાં આજે લંડન ખાતે સોનાના ભાવમાં સુધારાતરફી વલણ જળવાઈ રહ્યું હોવાના પ્રોત્સાહક અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં પણ સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૭૨થી ૫૭૫નો ઉછાળો આવ્યો હતો, જ્યારે ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૫૮૬ની તેજી આવી હતી. આજે સ્થાનિકમાં .૯૯૯ ટચ ચાંદીમાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૫૮૬ની તેજી સાથે રૂ. ૬૯,૮૯૮ની સપાટીએ રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હતું. તેમ જ સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની લેવાલીને ટેકે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૭૨ વધીને રૂ. ૬૨,૫૬૪ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૭૫ વધીને રૂ. ૬૨,૮૧૬ના મથાળે રહ્યા હતા. અમેરિકા ખાતે ગત ડિસેમ્બર મહિનાના પર્સનલ ક્ધઝ્મ્પશન એક્સપેન્ડિચર ઈન્ડેક્સમાં ૨.૬ ટકાનો વધારો જોવા મળ્યા બાદ ગત જાન્યુઆરી મહિનામાં ફેબ્રુઆરી, ૨૦૨૧ પછીનો સૌથી ધીમો ૨.૪ ટકાનો વધારો થતાં ફેડરલ રિઝર્વ દ્વારા વર્ષ ૨૦૨૪ના અંત આસપાસ રેટ કટની શક્યતા પ્રબળ બનતાં ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ પર સોનાના ભાવ એક તબક્કે વધીને ગત બીજી ફેબ્રુઆરી પછીની સૌથી ઊંચી ઔંસદીઠ ૨૦૫૦ ડૉલરની સપાટી સુધી પહોંચ્યા બાદ પાછા ફર્યા હતા. વધુમાં આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૫ ટકા વધીને ઔંસદીઠ ૨૦૫૩.૫૦ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૪ ટકા વધીને ઔંસદીઠ ૨૦૬૨.૩૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ આજે ચાંદીના ભાવ પણ ગઈકાલના બંધ સામે ૦.૨ ટકા વધીને ઔંસદીઠ ૨૨.૭૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. એકંદરે અમેરિકામાં પર્સનલ ક્ધઝ્મ્પશન એક્સ્પેન્ડિચરમાં વર્ષાનુવર્ષ ધોરણે ઘટાડો નોંધાઈ રહ્યો હોવાથી સોનાના ટ્રેડરોમાં ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કપાતનો આશાવાદ પ્રબળ બન્યો હોવાનું સિટી ઈન્ડેક્સના વિશ્ર્લેષક મેટ્ટ સિમ્પસને જણાવ્યું હતું. અમેરિકી ફેડરલના અધિકારીઓ ફુગાવાની વધઘટ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. જોકે, નાણાં બજારનાં વર્તુળો વર્ષ ૨૦૨૪માં ફેડરલ રિઝર્વ ત્રણ વખત વ્યાજદરમાં ૨૫ બેસિસ પૉઈન્ટનો ઘટાડો કરે તેવી ધારણા મૂકી રહ્યા છે. અગાઉ ડિસેમ્બર મહિનામાં ફુગાવામાં વધારો થવાથી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વહેલાસર કપાતની શરૂઆત કરે તેવી શક્યતા ધૂંધળી બની હતી પરિણામે રોકાણકારોનું સોનામાં આકર્ષણ ઘટતાં ગત ફેબ્રુઆરી મહિનામાં સોનાના સૌથી મોટા એક્સ્ચેન્જ ટ્રેડેડ ફંડ એસપીડીઆર ગોલ્ડ ટ્રસ્ટના સોનાના હોલ્ડિંગમાં ૩.૩ ટકાનો અને અત્યાર સુધીમાં ૬.૪ ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button