સેન્સેક્સ ૧૨૪૫ પોઇન્ટની જોરદાર છલાંગ સાથે ૭૩,૫૭૪ની નવી ઐતિહાસિક ઊંચી સપાટીએ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વિશ્ર્વ બજારના સુધારા સાથે સ્થાનિક સ્તરે જીડીપીના જોરદાર ડેટાને કારણે સુધરેલા સેન્ટિમેન્ટ વચ્ચે સપ્તાહના અંતિમ સત્રમાં જોરદાર તેજી જોવા મળી છે. સેન્સેક્સ ૧૨૪૫ પોઇન્ટની જોરદાર છલાંગ સાથે ૭૩,૫૭૪ની ઐતિહાસિક ઊંચી સપાટીએ પહોંચ્યો છે, જ્યારે નિફ્ટી જણ ૨૨,૨૦૦ની રેઝિસ્ટન્સ સપાટી વટાવતો ૨૨,૩૨૫ની સપાટી વટાવી ગયો છે. સેન્સેક્સ સત્ર દરમિયાન ૧૩૧૮.૯૧ પોઇન્ટ અથવા તો ૧.૮૧ ટકાના ઉછાળા સાથે ૭૩,૮૧૯.૨૧ પોઇન્ટની નવી ઇન્ટ્રા-ડે વિક્રમી સપાટીને અથડાઇને અંતે ૧૨૪૫.૦૫ પોઇન્ટ અથવા તો ૧.૭૨ ટકાના ઉછાળા સાથે ૨૨,૩૩૮.૭૫ પોઇન્ટની નવી ઓલટાઇમ હાઇ સપાટીએ પહોચ્યો હતો, જ્યારે નિફ્ટી સત્ર દરમિયાન ૩૭૦.૫૦ પોઇન્ટ અથવા તો ૧.૬૮ ટકાના ઉછાળા સાથે ૨૨,૩૫૩.૩૦ પોઇન્ટની નવી ઇન્ટ્રા-ડે વિક્રમી સપાટીને અથડાઇને અંતે ૩૫૫.૯૫ પોઇન્ટ અથવા તો ૧.૬૨ ટકાના ઉછાળા સાથે ૨૨,૩૩૮.૭૫ પોઇન્ટની નવી ઓલટાઇમ હાઇ સપાટીએ પહોચ્યો હતો. ટાટા સ્ટીલ છ ટકાના ઉછાળા સાથે સેન્સેક્સનો ટોપ ગેઇનર બન્યો હતો, જ્યારે જેએસડબલ્યુ સ્ટીલમાં ચારેક ટકાનો ઉછાળો હતો. અન્ય ટોચના વધનારા શેરોમાં લાર્સન એન્ડ ટૂબ્રો, ટાઇટન, મારુતિ સુઝુકી, ઇન્ડસઇન્ડ બેન્ક, આઇસીઆઇસીઆઇ બેન્ક અને ટાટા મોટર્સનો સમાવેશ હતો. એચસીેલ ટેકનોલોજી, ઇન્ફોસિસ અને ટેક મહિન્દ્રા ટોપ લુઝર રહ્યાં હતાં.
કોર્પોરેટ હલચલમાં વિઝ્યુઅલ ઈફેક્ટ્સ, વીએફએક્સ સ્ટુડિયો, બેસિલિક ફ્લાય સ્ટુડિયો લિમિટેડે કંપનીના ચીફ ઓપરેટિંગ ઓફિસર અને ગ્લોબલ ઇવીપી તરીકે ઝમીર હુસૈનની નિમણૂકની જાહેરાત કરી છે. તેઓ વિઝ્યુઅલ ઇફેક્ટ્સ અને સર્જનાત્મક ઉદ્યોગોમાં બાવીસ વર્ષથી વધુના અનુભવ ધરાવે છે. કંપની યુકે અને કેનેડામાં હાજરી ધરાવે છે અને મૂવી, વેબસિરિઝ, ટીવી શો અને કમર્શિઅલ્સ માટે વીએફએક્સ સોલ્યુશન પૂરા પાડે છે.
ભારતની પ્રથમ અને અગ્રણી પ્રોફેશનલ ઈ-વેસ્ટ મેનેજમેન્ટ કંપની, ઇકો રિસાઇક્લિગં લિમિટેડ, વૈશ્ર્વિક સ્તરે ઈ-સ્ટીવર્ડ્સ અને આર-ટુ સર્ટિફાઈડ ઈ-સ્ક્રેપ અને આઇટી એસેટ ડિપોઝિશન સોલ્યુશન્સ પ્રોવાઇડર્સનું સૌથી મોટું નેટવર્ક ધરાવતી ટીઇઆરઆરએ (ટેર્રા)નું સભ્યપદ મેળવી લીધું છે. મુંબઈ નજીક વસઈમાં સ્થિત આરટુવીથ્રી પ્રમાણિત સુવિધા ધરાવતી ઇકોરિકોએ ટેર્રાના પ્રતિષ્ઠિત નેટવર્કમાં સ્થાન મેળવીને એક માઇલસ્ટોનની સ્થાપના કરી છે. બજારના નિષ્ણાતો અનુસાર જીડીપીના પ્રોત્સાહક ડેટાએ બજારના માનસને મજબૂત ટેકો આપ્યો છે. ભારતીય અર્થતંત્ર ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં ૮.૪ ટકા વૃદ્ધિ પામ્યું હતું, જે છ ક્વાર્ટરમાં સૌથી ઝડપી ગતિ હતી. આ ઉપરાંત મજબૂત મેન્યુફેક્ચરિંગ અને ક્ધસ્ટ્રક્શન એક્ટિવિટીને કારણે રોકાણકારોના વિશ્ર્વાસમાં વધારો થયો હતો, કારણ કે તેમાં અંદાજ કરતાં પણ વધુ સારા પરિણામ હતા, જેના ડેટા ગુરુવારે બજાર પછી જાહેર થયા છે. મજબૂત આર્થિક ડેટાને કારણે સુધરેલા સેન્ટિમેન્ટ વચ્ચે સપ્તાહના અંતિમ દિવસે શેરબજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો. સવારના સત્રમાં જ સેન્સેકસમાં ૧૦૦૦ પોઇન્ટ સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો અને નિફ્ટી ૨૨,૨૦૦ની નજીક પહોંચ્યો હતો. અપેક્ષા કરતાં વધુ ઝડપી સ્થાનિક આર્થિક વૃદ્ધિ અને અપેક્ષિત ધોરણના યુએસ ફુગાવાના ડેટાએ સેન્ટિમેન્ટને તેજીનો કરંટ આપ્યો હતો. એ તબક્કે બીએસઈ પર તમામ લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. ૩.૨૩ લાખ કરોડ વધીને રૂ. ૩૯૧.૧૮ લાખ કરોડ સુધી પહોંચી ગયું હતું, જે સત્રને અંતે માર્કેટ કેપ રૂ. ૩૯૨.૨૨ લાખ કરોડના સ્તરે પહોંચ્યુ હતું.આ સત્રમાં ફરી એક વખત નાના સ્મોલકેપ અને મિડકેપ શેરોમાં તેજી જોવા મળી હતી. નોંધવુ રહ્યું કે નિષ્ણાતો આ વર્ગના શેરના વેલ્યુએશન માટે અનેક વખત ચેતવણી આપી ચૂક્યા છે અને સેબીએ પણ તાજેતરમાં ફંડોને સ્મોલ કેપ સંદર્ભે ચેતવણી આપી છે. સેન્સેક્સમાં ટાટા સ્ટીલ ૬.૪૬ ટકા, જેએસડબલ્યૂ સ્ટીલ ૪.૪૬ ટકા, લાર્સન એન્ડ ટુબ્રો ૪.૩૯ ટકા, ટાઈટન કંપની ૩.૭૩ ટકા અને ઈન્ડસઈન્ડ બેન્ક ૩.૪૪ ટકા વધ્યા હતા, જ્યારે એચસીએલ ટેક્નોલોજીસ ૧.૩૬ ટકા, ઈન્ફોસિસ ૧.૧૯ ટકા, સન ફાર્માસ્યુટિકલ્સ ઈન્ડસ્ટ્રીઝ ૧.૧૧ ટકા અને ટેક મહિન્દ્રા ૦.૩૬ ટકા ઘટ્યા હતા. શુક્રવારના સત્રમાં બી ગ્રુપની ૧ કંપનીને ઉપલી સર્કીટ સહિત બધા ગ્રુપની કુલ ૧૯ કંપનીઓમાંથી ૧૩ કંપનીઓને ઉપલી અને ૬ કંપનીઓને નીચલી સર્કીટ લાગી હતી.