ધરમશાલા: ક્યારેક એવું બને છે કે કોઈ મુખ્ય ખેલાડી ઈજામુક્તિ બાદ કે આરામ કર્યા પછી ટીમમાં પાછો આવે ત્યારે ટીમ મજબૂત થવાની સાથે સિલેક્ટરો અને ટીમ મૅનેજમેન્ટ માટે એક કોયડો બની જાય છે કે પંદર કે સત્તર ખેલાડીઓમાંથી કઈ બેસ્ટ ઇલેવન સિલેક્ટ કરવી?
ગુરુવાર, સાતમી માર્ચે ધરમશાલામાં શરૂ થનારી ઇંગ્લૅન્ડ સામેની પાંચમી અને છેલ્લી ટેસ્ટ વિશે પણ કંઈક આવું જ છે. જસપ્રીત બુમરાહ આરામ કર્યા બાદ પાછો આવ્યો છે. એ સાથે એવું મનાય છે કે બુમરાહના પુનરાગમનને કારણે કુલદીપ યાદવ અથવા આકાશ દીપ, બેમાંથી કોઈ એકને પડતો મૂકવો પડશે.
સ્પિનર કુલદીપનો આ સિરીઝમાં સારો પર્ફોર્મન્સ રહ્યો છે. તેને ત્રણ ટેસ્ટ રમવા મળી છે જેના છ દાવમાં તેણે આ મુજબનું પર્ફોર્મ કર્યું છે: 1/60, 3/71, 2/19, 2/77, 4/22 અને 0/22.
નવો પેસ બોલર આકાશ દીપ એક જ ટેસ્ટ રમ્યો છે. રાંચીની એ મૅચમાં તેણે 83 રનમાં ત્રણ વિકેટ લીધી હતી. બ્રિટિશ ટીમના પ્રથમ દાવમાં પહેલી ત્રણેય વિકેટ તેણે લીધી હતી. બીજા દાવમાં અશ્ર્વિનની પાંચ અને કુલદીપની ચાર વિકેટને કારણે ભારતે ઇંગ્લૅન્ડને ફક્ત 145 રનમાં આઉટ કરીને 192 રનનો લક્ષ્યાંક પાંચ વિકેટે મેળવી લીધો હતો.
રાંચીની ટેસ્ટમાં બુમરાહ ન હોવાથી આકાશ દીપને ડેબ્યૂ કરવા મળ્યું હતું. જોકે હવે કદાચ આકાશ દીપે બેન્ચ પર બેસવું પડશે.
આર. અશ્ર્વિન 99 ટેસ્ટ રમ્યો છે અને ધરમશાલાની મૅચ તેની 100મી ટેસ્ટ બનશે. તેણે 99 ટેસ્ટમાં 507 વિકેટ લીધી છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને