શનિવારથી રણજી ટ્રોફી સેમિમાં મુંબઈ-તામિલનાડુની ટક્કર, શ્રેયસ પર સૌની નજર
મુંબઈ: સૌથી વધુ 41 વખત રણજી ટ્રોફીનું ટાઇટલ જીતી ચૂકેલા મુંબઈ અને તામિલનાડુ વચ્ચે શનિવારે પાંચ દિવસીય રણજી ટ્રોફી સેમિ ફાઇનલ (સવારે 9.30 વાગ્યાથી) શરૂ થશે. એ સાથે, નાગપુરમાં બીજો સેમિ ફાઇનલ મુકાબલો વિદર્ભ અને મધ્ય પ્રદેશ વચ્ચે શરૂ થશે.
ડોમેસ્ટિક ક્રિકેટ રમવાનું ટાળીને વિવાદ વહોરી લેનાર મિડલ ઑર્ડરના બૅટર શ્રેયસ ઐયરે છેવટે રણજી ટ્રોફીમાં રમવાનો નિર્ણય લઈને સૌને પોતાની તરફ આકર્ષિત કર્યા છે.
બીસીસીઆઇએ સેન્ટ્રલ કૉન્ટ્રૅક્ટમાંથી હકાલપટ્ટી કરવાનો ડોઝ આપ્યો એને પગલે હવે કેટલાક ખેલાડીઓ ડોમેસ્ટિક ક્રિકેટ તરફ વળશે અને શ્રેયસથી એની શરૂઆત થઈ છે એમ કહી શકાય.
મુંબઈ અને તામિલનાડુ, બન્ને ટીમ આ સીઝનમાં બહુ સારા ફૉર્મમાં છે એટલે તેમની વચ્ચે આ મુકાબલો બરાબરીનો થઈ શકે.
રણજી ટ્રોફીની ટીમ છેલ્લે 2016-’17માં સેમિ ફાઇનલમાં પહોંચી હતી. મુંબઈએ એ સેમિમાં પૃથ્વી શોના બીજા દાવના 120 રનની મદદથી 251 રનનો ટાર્ગેટ આસાનીથી મેળવી લીધો હતો. ત્યારે તામિલનાડુના બાબા ઇન્દ્રજિતના બીજા દાવના 138 રન ઝાંખા પડી ગયા હતા. જોકે આ વખતે ઇન્દ્રજિત બહુ સારા ફૉર્મમાં છે એટલે તે મુંબઈને ભારે પડી શકે. ઇન્દ્રજિતે છેલ્લી ચાર ઇનિંગ્સમાં 98, 48, 187 અને 80 રન બનાવ્યા છે.
પીટીઆઇના અહેવાલ મુજબ મુંબઈના કૅપ્ટન અજિંક્ય રહાણેએ પત્રકારોને કહ્યું હતું કે ‘મુંબઈની ટીમમાં શ્રેયસના કમબૅકથી અમે બધા ખૂબ રોમાંચિત છીએ.’