ઇન્ટરનેશનલ

પાકિસ્તાનના નવા પ્રમુખ 9 માર્ચે ચૂંટાશે: ઝરદારી રેસમાં સૌથી આગળ

ઈસ્લામાબાદ: પાકિસ્તાનના નવા રાષ્ટ્ર પ્રમુખની ચૂંટણી નવમી માર્ચે થશે એવી જાહેરાત ચૂંટણી પંચ દ્વારા શુક્રવારે કરવામાં આવી હતી. આ પદે અગિયાર વર્ષ બાદ ફરી એક વખત ભૂતપૂર્વ પ્રમુખ આસિફ અલી ઝરદારી ચૂંટાઈ આવે એવી શક્યતા જણાઈ રહી છે.

નવા રાષ્ટ્ર પ્રમુખ અત્યારના પ્રમુખ ડો. આરિફ અલવીના સ્થાને આવશે, જેમની પાંચ વર્ષની મુદત ગયા વર્ષે પૂરી થઈ ગઈ છે. જોકે, નવી ઈલેક્ટોરલ કોલેજ (મતદાર-મંડળ) સ્થાપિત થયું ન હોવાથી તેઓ પદ પર ચાલુ રહ્યા હતા.

આઠમી ફેબ્રુઆરીએ સામાન્ય ચૂંટણી પહેલાં નેશનલ એસેમ્બલી અને પ્રોવિન્શિયલ એસેમ્બલીને વિખેરી નાખવામાં આવી હોવાથી અલવીના અનુગામીની ચૂંટણી થઈ શકી નહોતી.

ફેડરલ પાર્લિયામેન્ટ અને પ્રોવિન્શિયલ એસેમ્બલીના સભ્યો દેશના રાષ્ટ્ર પ્રમુખની ચૂંટણીનું મતદાર-મંડળ બનાવે છે.
ઈલેક્શન કમિશન ઓફ પાકિસ્તાન (ઈસીપી)એ રાષ્ટ્ર પ્રમુખની ચૂંટણીનું જાહેરનામું બહાર પાડ્યું હતું.

રાષ્ટ્ર પ્રમુખની ચૂંટણી માટેના ઉમેદવારી પત્રકો બીજી માર્ચે બપોરે 12.00 વાગ્યા સુધી નોંધાવી શકાશે અને ચોથી માર્ચે ઉમેદવારીપત્રકોની છાનની કરવામાં આવશે. બીજા દિવસે ઉમેદવારી પાછી ખેંચી શકાશે. છઠ્ઠી માર્ચે માન્ય ઉમેદવારો જાહેર કરવામાં આવશે અને તે જ દિવસે અલવી નિવૃત થશે.

નવમી માર્ચે 10.00 વાગ્યાથી 4.00 વાગ્યા સુધી મતદાન કરવામાં આઆવશે.

ઝરદારી પાકિસ્તાન પિપલ્સ પાર્ટી (પીપીપી) અને ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફના નેતૃત્વ હેઠળની પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન)ના સંયુક્ત ઉમેદવાર છે અને વિજયી થવાની શક્યતા છે. વિપક્ષી પાર્ટીએ હજી સુધી પોતાનો ઉમેદવાર જાહેર કર્યો નથી. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button