Paper Leak મામલે પ્રિયંકા ગાંધીએ ઉત્તર પ્રદેશ સરકારની કરી નાખી ટીકા
નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશમાં પેપર લીકની વધુ એક ઘટનાને ટાંકીને શુક્રવારે આરોપ લગાવ્યો હતો કે ભારતીય જનતા પાર્ટી પરીક્ષા માફિયા અને સરકારમાં બેસેલા ભ્રષ્ટાચારીઓને બચાવવા માટે કરોડો યુવાનોના શિક્ષણનો પાયો ખોખલો કરી રહી છે, એમ કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ જણાવ્યું હતું.
ઉત્તર પ્રદેશ બોર્ડના ધોરણ 12ના ગણિત અને બાયલોજીના પ્રશ્નપત્ર પરીક્ષા પહેલા જ વોટ્સએપ પર કથિત રીતે શેર કર્યાની ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. પ્રિયંકા ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર પોસ્ટ કર્યું હતું કે “ફરી એક વાર પેપર લીક થયું! આખરે શા માટે? ભાજપના શાસનમાં નોકરીની પરીક્ષાઓથી લઈને બોર્ડની પરીક્ષાઓ સુધી લગભગ દરેક પેપર લીક થઈ રહ્યા છે.
બોર્ડની પરીક્ષાઓ એ બાળકો માટે પ્રથમ પડકાર છે જેનો સામનો કરીને તેઓ ભવિષ્યનું નિર્માણ કરવાનું શીખે છે. જો અહી જ આટલો મોટો વિશ્વાસઘાત થાય છે, તો તેઓ આગળ શું કરશે?
તેમણે આક્ષેપ કર્યો હતો કે પરીક્ષા માફિયાઓ અને સરકારમાં બેઠેલા ભ્રષ્ટ લોકોને બચાવવા માટે ભાજપ કરોડો બાળકો અને યુવાનોના પાયાને ખોખલા કરી રહ્યો છે. પ્રિયંકા ગાંધીએ સવાલ કર્યો હતો કે શું ભાજપ નથી ઈચ્છતી કે રાજ્યના બાળકો સારું શિક્ષણ મેળવીને તેમનું ભવિષ્ય સુધારે?