CSMT-Parel વચ્ચે નવી રેલવે લાઈનનું નિર્માણ: જમીન હસ્તગત પ્રક્રિયાના શ્રીગણેશ
મુંબઈ: મધ્ય રેલવેમાં કુર્લા – છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) વચ્ચે બે નવી રેલવે લાઈન નાખવાના 1337 કરોડ રૂપિયાના પ્રોજેક્ટના એક ભાગ પરેલ – સીએસએમટી કોરિડોરમાં રેલવે લાઈન માટે જમીન હસ્તગત કરવાની પ્રક્રિયાનો પ્રારંભ થઈ ગયો છે.
પરાની લોકલ ટ્રેનો અને લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનોને અલગ લાઈન પર દોડાવવા માટે બે નવી રેલવે લાઈનના બાંધકામ માટે મસ્જિદ રેલવે સ્ટેશન નજીક 1263 ચોરસ મીટર જમીન રાજ્ય સરકાર હસ્તગત કરવા ધારે છે, તેનાથી આગામી દિવસોમાં નવી લાઈનને કારણે ટ્રેનની ફ્રિકવન્સી કદાચ સુધરી શકે છે.
‘રાઈટ ફેર કમ્પેન્સેશન એન્ડ ટ્રાન્સપરન્સી ઈન લેન્ડ એક્વિઝિશન રિહેબિલિટેશન એન્ડ રિસેટલમેન્ટ એક્ટ, 2013’ હેઠળ ગુરુવારે એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં કુર્લા સેક્શનમાં 1263 ચોરસ મીટર જમીનની જરૂરિયાત વિશે વિગતે જાણકારી આપવામાં આવી હતી. પાંચમી અને છઠ્ઠી રેલવે લાઈન માટે ચાર અલગ અલગ જમીનના પટ્ટાની જરૂરિયાત છે.
મધ્ય રેલવેના અધિકારીઓએ જણાવ્યા અનુસાર સીએસએમટી અને ભાયખલા વિસ્તાર માટે જે જમીનની જરૂરિયાત છે એ જમીન મસ્જિદ સ્ટેશનની નજીક છે અને એની માપણી અને અન્ય કામની શરૂઆત થઈ ગઈ છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.