બોલો, પીએમ મોદીના કાર્યક્રમ માટેના મંડપનો ખર્ચ રૂ. 13 કરોડ
ટેન્ડર બહાર પડ્યા વગર જ કોન્ટ્રેક્ટ આપી દેવાયા
યવતમાળ: લોકસભાની ચૂંટણીમાં પ્રચાર માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મહારાષ્ટ્રના યવતમાળ જિલ્લામાં એક જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે મોદીની આ સભા માટે બાંધવામાં આવેલા મંડપનો ખર્ચ અને લોકોને ઘટનાસ્થળે લાવવા પાછળના ખર્ચનો મુદ્દો હવે ચર્ચાનો વિષય બન્યો છે.
એક અહેવાલ મુજબ વડા પ્રધાનના આ કાર્યક્રમ માટે મંડપ તૈયાર કરવા માટે રૂ. 13 કરોડનો ખર્ચ થયો હોવાની વાત સામે આવી છે, આ કામને માત્ર આઠ દિવસની અંદર કરવાનું હતું જેથી વગર કોઈ ટેન્ડર પ્રક્રિયાએ કામનો કોન્ટ્રેક્ટ આપવામાં આવ્યો હતો.
યવતમાળમાં બુધવારે ગ્રામીણ વિકાસ વિભાગ હેઠળ મહિલા બચત ગટનો મેળાવડો આયોજિત કરવામાં આવ્યો હતો. આ મેળાવડામાં ભીડ જમાવવા માટે જિલ્લાના દરેક ગામમાંથી મહિલાઓને અહીં લાવવામાં આવી હતી. મોદીના આ કાર્યક્રમ માટે યવતમાળ શહેરના ડોરલી વિસ્તારમાં 29 એકરની જમીન પર મંડપ બાંધવામાં આવ્યો હતો.
આ મંડપના બાંધકામ માટે 12 કરોડ 73 લાખ 33 હજાર અને 500 રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. સાર્વજનિક બાંધકામ વિભાગ દ્વારા ત્રણ જુદા જુદા કોન્ટ્રેક્ટરને આ મંડપ બાંધવાનું કામ સોંપવામાં આવ્યું હતું. આ દરેક બાંધકામને રાજ્યના ગામ વિકાસ પ્રધાન ગિરીશ મહાજનની દેખરખ હેઠળ કરવામાં આવ્યું હોવાની માહિતી સૂત્રોએ આપી હતી.