Drugs: MP Sanjay Rautના આક્ષેપોનો શું જવાબ આપ્યો ગુજરાતના ગૃહરાજ્ય પ્રધાને
અમદાવાદઃ શિવસેના-યુબીટીના નેતા સંજય રાઉતે ગુજરાતમાં ડ્રગ્સ જપ્ત કરવાની તાજેતરની ઘટના પર ટીપ્પણી કરતા સવાલો ઊભા કર્યા હતા કે ભાજપ શાસિત રાજ્યમાં વિદેશથી મોટી માત્રામાં ડ્રગ્સ શા માટે આવે છે. જેના પર ગુજરાતના મંત્રી હર્ષ સંઘવીએ વળતો પ્રહાર કર્યો છે. સંઘવીએ કહ્યું કે ગુજરાત પોલીસે મહારાષ્ટ્રમાંથી ડ્રગ ડીલરોની પણ ધરપકડ કરી હતી અને તે સમયે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં સરકાર હતી.
27 ફેબ્રુઆરીના રોજ, નેવી અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ સંયુક્ત ઓપરેશનમાં ગુજરાતના દરિયાકાંઠે પાંચ ક્રૂ મેમ્બરો સાથેની એક બોટને અટકાવી હતી, જેમાંથી 3,300 કિલો માદક દ્રવ્યોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. તાજેતરના સમયમાં પકડાયેલ ડ્રગ્સનું આ સૌથી મોટું કન્સાઈનમેન્ટ છે. જપ્ત કરાયેલા ડ્રગ્સમાં 3,089 કિલો હાશિશ, 158 કિલો મેથામ્ફેટામાઇન અને 25 કિલો મોર્ફિનનો સમાવેશ થાય છે. સંજય રાઉતે ગુજરાત સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. સંજય રાઉતે કહ્યું હતું કે અફઘાનિસ્તાન જેવા દેશોમાંથી ડ્રગ્સ ગુજરાતમાં જ શા માટે આવે છે. તેમનો આક્ષેપ એવો હતો કે દેશમાં ડ્રગ્સનું હબ ગુજરાત બની ગયું છે કારણ કે ડ્રગ ડીલરોને ખબર છે કે ગુજરાતમાં તેનું સંચાલન કરવું સરળ છે.
સંજય રાઉત પર વળતો પ્રહાર કરતાં ગુજરાતના મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે રાજ્ય પોલીસે અગાઉ મહારાષ્ટ્રમાંથી પણ ઘણા ડ્રગ ડીલરોની ધરપકડ કરી હતી. તે સમયે કોંગ્રેસ અને ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં ગઠબંધનની સરકાર હતી. સંઘવીએ જણાવ્યું હતું કે ગુજરાત પોલીસ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ડ્રગ્સના પ્રવેશને રોકવામાં સફળ રહી છે. હર્ષ સંઘવીએ વધુમાં કહ્યું કે, હું રાઉતને જવાબ આપવા માંગતો નથી. ગુજરાત પોલીસ સક્ષમ છે અને યોગ્ય કામ કરી રહી છે.