ધુળેમાં હનુમાનજીના મંદિર પર વીજળી પડી, મંદિરને થયું નુકસાન પણ મૂર્તિને…
ધુળેઃ મહારાષ્ટ્રના ધુળે જિલ્લાના શિરપૂરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. અહીંના ભોયટી ગામમાં આવેલા હનુમાનજીના મંદિર પર વીજળી પડી હતી અને એને કારણે મંદિરનો કેટલોક હિસ્સો નષ્ટ થયો હતો. પરંતુ આ બધા વચ્ચે આશ્ચર્ય પમાડે એવી ઘટના એ છે મંદિરમાં રહેલી બજરંગબલિની પ્રતિમાને એક પણ ઘસરકો થયો નથી.
મળી રહેલી માહિતી પ્રમાણે ઘટના ગુરૂવાર સવારની હતી અને ગામવાસીઓએ આ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે સાંજે પાંચ વાગ્યાની આસપાસ જોરદાર ધડાકા સાથે મંદિર પર કંઈક પડ્યું. જોયું તો ખબર પડી કે મંદિર પર વીજળી પડી છે. જ્યારે લોકો ત્યાં પહોંચ્યા ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે મંદિરનો કેટલોક હિસ્સો નષ્ટ પામ્યો છે અને લોકોને એવું લાગ્યું હતું કે મંદિરમાં રહેલી મૂર્તિને પણ નુકસાન થયું હશે. પણ જ્યારે નજીક જઈને જોયું મૂર્તિ જેમની તેમ હતી તેને એક પણ ઘસરકો નહોતો પડ્યો.
ગ્રામીણોના જણાવ્યા અનુસાર અચાનક જોરદાર ધડાકો થયો હતો અને એમને એવું લાગ્યું હતું કે જાણે બોમ્બ વિસ્ફોટ થયો હોય. કોઈને કંઈ જ સમજાઈ નહોતું રહ્યું કે શું થયું અને આ બધા વચ્ચે લોકોએ જોયું તો દેખાયું કે મંદિરનો કેટલોક હિસ્સો તૂટી ગયો હતો. મંદિરનો કાટમાળ આસપાસમાં ફેલાઈ ગયો છે અને તેને હટાવવાનું કામ ચાલી રહ્યું છે.
ગામવાસીઓ માટે આ ઘટના કોઈ ચમત્કારથી ઓછી નથી હોતી અને તેમનું એવું કહેવું છે કે આ હનુમાનજીની શક્તિ જ હતી કે તેમની મૂર્તિને વીજળી સ્પર્શી પણ નહીં શકી. વીજળી પડવાને કારણે ભલે મંદિરની નુકસાન થયું છે, પણ એનું ફરી નિર્માણ કરવામાં આવશે.