Hum Saath Saath Hai: 185 જણનો પરિવાર, રોજ બને છે આટલી ગૂણી શાક અને રોટલી…
હેડિંગ વાંચીને જ તમે વિચારમાં પડી ગયા ને કે ભાઈ આ તો કઈ રીતે શક્ય છે અને એ પણ આજના જમાનામાં… એક તરફ જ્યાં લોકો ન્યુક્લિયર ફેમિલીને વધુ પસંદ કરી રહ્યા છે ત્યાં એક સાથે પરિવારના 100-200 જણ સાથે મળીને સંપીને રહે અને એક જ રસોડે જમે એ વાત માનવામાં તો ના આવે પણ હકીકત છે અને આજે અમે તમને અહીં આ અનોખા પરિવારને મળાવવા જઈ રહ્યા છીએ…
જો તમે વિચારી રહ્યા હોવ કે અમે અહીં ભારતના મિઝોરમમાં રહેતાં 199 સભ્યવાળા પરિવારની વાત કરી રહ્યા છીએ તો ના ભાઈસાબ… અહીં વાત થઈ રહી છે રાજસ્થાનના અજમેરમાં રહેતાં એક પરિવાર વિશે જ્યાં 185 જણ એક સાથે હળી-મળીને સંપીને સાથે રહે છે.
અજમેરના રામસર ગામમાં રહે છે આ અનોખો પરિવાર જ્યાં છ પેઢીના લોકો એક સાથે રહે છે. પરિવારના સૌથી વડીલ સદસ્ય બિરદીચંદના પિતાએ તેમને પરિવારને જોડીને રાખવાની શિખામણ આપી હતી અને પિતાની આ વાતને અનુસરીને તેમણે આ આખા પરિવારને એક તાંતણે બાંધીને રાખ્યો છે. બાકીના પરિવારની જેમ જ આ પરિવારમાં પણ સમસ્યાઓ આવે છે પણ બધા સાથે મળીને એનો ઉકેલ લાવે છે. આવકના સાધનો વિશે વાત કરીએ તો આ પરિવાર પાસે પાંચ સો વીઘા જમીન છે અને એના પર ખેતી કરીને પરિવારના સભ્યો ખેતી અને અનાજ ઉગાડે છે.
આટલો મોટો પરિવાર હોય તો રસોડું પણ તો કેટલું મોટું હશે ને? એના વિશે વાત કરીએ તો પરિવારની મહિલાઓ સવારથી જ રસોઈના કામમાં લાગી જાય છે. સવારે ચાર વાગ્યાથી ઘરનો ચૂલો ચાલું થઈ જાય છે અને 13 ચૂલા પર આખા પરિવારનું ભોજન બનાવવામાં આવે છે. દરરોજનું ચાલીસ કિલો શાક, પચાસ કિલો લોટ બાંધવામાં આવે છે. પરિવારની વાર્ષિક આવકની વાત કરીએ તો તે 2 કરોડ રૂપિયા છે અને તેમના ઘરની બહાર 80 બાઈક ઊભી છે પરિવારના જ સભ્યોની છે… છેં ને એકદમ રાજશ્રી પ્રોડક્શન સ્ટાઈલ હમ સાથ સાથ હૈ ફેમિલી?