એલર્ટઃ મુંબઈના તાપમાનમાં સરેરાશ ચારથી પાંચ ડિગ્રીનો વધારો
મુંબઈ: છેલ્લા એક અઠવાડિયાથી મુંબઈના હવામાનમાં થોડા પ્રમાણમાં ઠંડક રહી હતી, પણ હવે શહેરના તાપમાનમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. ગઈકાલથી મુંબઈ સહિત પરાના વિસ્તારમાં તાપમાનનો પારો જોરદાર ઉચકાયો છે. ગઈકાલે સરેરાશ મુંબઈનું તાપમાન 35થી 37 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. મુંબઈના સરેરાશ તાપમાનમાં ચાર ડિગ્રીનો વધારો થયો છે તેમ જ આગામી 24 કલાકમાં મુંબઈના તાપમાનમાં વધારો થવાની શક્યતા ભારતીય હવામાન વિભાગ (IMD)એ વ્યક્ત કરી હતી.
મુંબઈમાં છેલ્લા બે દિવસથી મહત્તમ તાપમાન 35 ડિગ્રી જેટલું નોંધાતા ગરમી જણાઈ રહી છે. ગઈકાલે કોલાબા ખાતે તાપમાન 35.2 ડિગ્રી, સાંતાક્રુઝ ખાતે 39.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ બંને તાપમાન સરેરાશ કરતાં 4.2 અને 4.8 ડિગ્રીથી વધુ નોંધાયું હતું.
અધિકારીએ કહ્યું હતું કે મુંબઈના હવામાનમાં 70થી 80 ટકા ભેજનું પ્રમાણ નોંધાયું હતું, જેથી કેટલાક શહેરના વિસ્તારોમાં વાદળાને લીધે વરસાદ પણ પડી શકે છે. IMD વિભાગની માહિતી મુજબ આજે મુંબઈમાં મોટા ભાગે સ્વસ્છ આકાશ સાથે પરાના વિસ્તારમાં ક્યાંક વાદળછાયું વાતાવરણ રહ્યું હતું.
આ સાથે મહત્તમ તાપમાન 37 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 24 ડિગ્રી રહેશે. મુંબઈમાં આગામી 48 કલાક સુધી વાદળછાયા વાતાવરણને કારણે તાપમાન 33થી 34 ડિગ્રીની આસપાસ રહી શકે છે, એમ હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું.
મુંબઈના તાપમાનમાં અચાનકથી વધારો થતાં મુંબઈગરાઓને પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે વધુ પાણી પીવાની સાથે ભર તડકામાં બહાર ન જવાની અને તડકાથી બચવાની પણ સલાહ ડૉક્ટરોએ આપી છે.