નવી દિલ્હી: G20 સમિટ માટે નવી દિલ્હી પહોંચેલા બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનકે ખાલિસ્તાની કટ્ટરવાદ પર ટિપ્પણી કરતા કહ્યું હતું કે તેઓ કોઈપણ પ્રકારના કટ્ટરવાદને સ્વીકારતો નથી અને તેને જડમૂળથી ઉખેડી નાખવામાં આવશે. ખાલિસ્તાન મુદ્દે યુનાઇટેડ કિંગડમના વડા પ્રધાન ઋષિ સુનકે કહ્યું હતું કે કટ્ટરવાદ એ એક મહત્વનો મુદ્દો છે. અને યુકેમાં કોઈપણ પ્રકારનો કટ્ટરવાદ કે હિંસા ચલાવી લેવામાં આવશે નહિ. અને તેથી જ અમે ખાલિસ્તાની કટ્ટરવાદનો સામનો કરવા માટે ભારત સરકાર સાથે મળીને કામ કરીશું.
આ મુલાકાતમાં સુનકની સાથે તેની પત્ની અને ઈન્ફોસિસના કો-ફાઉન્ડર નારાયણ મૂર્તિની પુત્રી પણ ઉપસ્થિત હતા. સુનક શિખર સંમેલનનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય મંત્રણા કરવાના છે. મોદી-સુનક દ્વિપક્ષીય ચર્ચા દરમિયાન ભારત-યુકે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) મંત્રણાની પણ ચર્ચા થવાની શક્યતા છે. હાલમાં મંત્રણાના 12 રાઉન્ડ પૂર્ણ થયા છે, પરંતુ તેના નિષ્કર્ષ માટે કોઈ સમય મર્યાદા નક્કી કરવામાં આવી નથી.
વેપાર વાટાઘાટોના ભાગરૂપે ટૂંકા ગાળાના બિઝનેસ વિઝા અંગે પણ ચર્ચા કરવામાં આવશે. નોંધનીય છે કે પીએમ મોદી અને ઋષિ સુનકની છેલ્લી મુલાકાત મે મહિનામાં જાપાનના હિરોશિમામાં G7 સમિટ દરમિયાન થઈ હતી.
ઋષિ સુનકે કહ્યું હતું કે પીએમ મોદી અને હું સાથે મળીને પ્રગતિ કરી રહ્યા છીએ. આ ઉપરાંત સુનકે કહ્યું હતું કે, “વડા પ્રધાન મોદી અને હું સંમત છીએ અને કે આપણા દેશોમાં વેપાર અને વાણિજ્યની ઘણી મોટી સંભાવનાઓ છે અને અમે બંને તેના માટે પ્રતિબદ્ધ છીએ. અમે વેપાર કરાર કરવા માટે આતુર છીએ જે અમારા બંને દેશોને ફાયદો કરાવે, જે ભારતમાં અને અહીં સ્થાનિક સ્તરે વ્યવસાયો અને ગ્રાહકો માટે જબરદસ્ત તકો લાવી શકે છે.