નેશનલ

Happy Birthday: નવ વાર સીએમ બનેલા Nitish Kumarને પહેલી વાર સીએમ કોણે બનાવ્યા?

દેશમાં બીજે ક્યાંય ઉથલપાથલ થાય કે ન થાય બિહારના રાજકારણમાં ગમે ત્યારે પાસા પલટી શકે અને તેના કેન્દ્રમાં હોય JDUના સ્થાપક અને બિહારના CM Nitish Kumar. આજે નીતીશ કુમારનો 73મો જન્મદિવસ છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી PM Modi સહિતના મહાનુભાવો તેમના પર અભિનંદન વરસાવી રહ્યા છે. સરકાર ગમે તે હોય અને ગઠબંધન ગમે તે પક્ષ સાથે થાય, મુખ્ય પ્રધાન પદ પર નીતીશ કુમારના હાથમાં જ રહે છે. તાજેતરમાં તેમણે ફરી લાલુ પ્રસાદ યાદવની RJDમાંથી છેડો ફાડી ભાજપનો હાથ પકડી એનડીએ સરકાર બનાવી છે અને તેઓ નવમી વાર મુખ્ય પ્રધાન બન્યા છે.

નીતીશ કુમારનો જન્મ 1 માર્ચ, 1951ના રોજ પટના જિલ્લાના બખ્તિયારપુરમાં થયો હતો. તેમની પાસે એન્જિનિયરિંગની ડિગ્રી છે અને રાજકારણમાં આવતા પહેલા તેમણે બિહાર રાજ્ય વીજળી બોર્ડમાં કામ કર્યું હતું. નીતીશ કુમારે જયપ્રકાશ નારાયણના જાહેર પ્રચારમાં પણ ભાગ લીધો હતો.

બિહારમાં સૌથી વધુ સમય સુધી મુખ્ય પ્રધાન રહેવાનો રેકોર્ડ નીતીશ કુમારના નામે છે. જીતનરામ માંઝીના કાર્યકાળને બાદ કરીએ તો નીતીશ લગભગ 23 વર્ષથી બિહારના સીએમ છે. નીતીશ કુમાર વર્ષ 2000માં પ્રથમ વખત મુખ્ય પ્રધાન બન્યા હતા. પરંતુ તેમની સરકાર માત્ર સાત દિવસ જ ચાલી શકી. વર્ષ 1998માં જ્યારે નીતીશ અને શરદ યાદવ એકસાથે આવ્યા ત્યારે JDU પાર્ટીની રચના કરવામાં આવી હતી.

હવે વાત કરીએ એ બે નેતાની જેમણે નીતીશને પહેલીવાર મુખ્ય પ્રધાનની ખુરશી સુધી પહોંચાડ્યા આ બે નાત એટલે ભાજપના લાલકૃષ્ણ અડવાણી Lalkrishna Adwani અને અરૂણ જેટલી Arun Jetley. અટલ બિહારી વાજપેયી સરકારમાં નીતીશ કુમાર પહેલીવાર કેન્દ્રીય કેબિનેટમાં આવ્યા હતા. બિહારમાં લાલુ યાદવને હટાવવા માટે ભાજપ-જેડીયુ ગઠબંધનની પરસ્પર સહમતિ બાદ નીતીશ કુમારનો ચહેરો આગળ મૂકવામાં આવ્યો હતો. જોકે આ સરળ ન હતું. નીતીશ કુમારને સ્પર્ધા આપે તેવા ભાજપ અને જેડીયુના ઘણા નેતાઓ હતા. પરંતુ અડવાણી અને જેટલીએ મહત્વની ભૂમિકા ભજવીને નીતીશનો ચહેરો આગળ ધપાવ્યો અને આ રીતે નીતિશ પહેલીવાર બિહારના સીએમ બન્યા હતા.


જોકે આટલીવાર સીએમ બન્યા હોવા છતાં પીએમ બનવાની તેમની ખેવના હજુ અધૂરી જ છે. એનડીએ સાથે હાથ મિલાવતા પહેલા નીતીશ ઈન્ડિયા ગઠબંધનનો ભાગ હતા અને એક મજબૂત નેતા તરીકે ઊભરી આવે તેમ હતા. આ સાથે તેમને પીએમપદના દાવેદાર પણ માનવામાં આવતા હતા. જોકે કૉંગ્રેસ, આપ અને ટીએમસીના રહેવાથી પોતાને પીએમપદ નહીં મળે અને બિહારનું સીએમપદ પણ તેજસ્વી યાદલ લેવાની પેરવીમાં હોવાના કારણોસર તેમણે પોતાનું સીએમપદ સુરક્ષિત રાખવાનું ઉચિત માની ભાજપનો હાથ પકડ્યો હોવાનું માનવામાં આવે છે. જોકે તેમના આ નિર્ણયથી રાષ્ટ્રીય સ્તરના રાજકારણમાં તેમની ભૂમિકા ખૂબ જ મર્યાદિત થઈ જશે તેમ માનવામાં આવે છે.
નીતીશ કુમારને તેમના જન્મદિવસની શુભકામના

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button