બાંગ્લાદેશના ઢાકામાં આગનું તાંડવ, રેસ્ટોરન્ટમાં આગ લાગવાથી 44 લોકોના મોત…
ઢાકાઃ બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ગુરુવારે (29 ફેબ્રુઆરી) રાત્રે એક મોટી દુર્ઘટના બની હતી. અહીં બેઈલી રોડ પર આવેલી સાત માળની ઇમારતમાં આગ લાગી હતી. આ બિલ્ડિંગમાં ઘણી રેસ્ટોરન્ટ આવેલી છે. આગમાં 44 લોકોના મોત થયા હતા. જ્યારે 22 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ફાયર બ્રિગેડની 13 ગાડીઓને આગ ઓલવવામાં અઢી કલાક જેટલો સમય લાગ્યો હતો.
મળતી માહિતી મુજબ ગ્રીન કોઝી કોટેજ નામની આ ઈમારતમાં પ્રથમ માળે આવેલી કાચીભાઈ રેસ્ટોરન્ટમાં રાત્રે 9.45 કલાકે આગ લાગી હતી. સામાન્ય રીતે આ સમયે રેસ્ટોરન્ટ્સમાં ઘણા લોકો હોય છે. આગ ઝડપથી ગ્રાહકો જ્યાં જમતા હતા ત્યાં સુધી ફેલાઈ ગઈ હતી.
આગની માહિતી મળતા જ અગ્નિશમન દળે આવીને બચાવ કામગીરી શરૂ કરી હતી. રેસ્ટોરન્ટના રસોડામાં રહેલા ગેસ સિલિન્ડરોને કારણે આગ ઝડપથી પ્રસરી હતી. દાદરમાં ગાઢ ધુમાડાને કારણે લોકો તાત્કાલિક બિલ્ડિંગમાંથી બહાર નીકળી શકતા ન હતા, જેના કારણે પરિસ્થિતિ ગંભીર બની ગઈ હતી. ઈમારતમાંથી 75 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા, જેમાંથી 42 બેભાન હતા. તમામને ઢાકા મેડિકલ કોલેજ અને શેખ હસીના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બર્ન એન્ડ પ્લાસ્ટિક સર્જરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં 44 લોકોના મોત થયા હતા.
આગની માહિતી મળતા જ આરોગ્ય પ્રધાન સામંત લાલ સેન, ઢાકાના વિધાનસભ્ય એએફએમ બહાઉદ્દીન નસીમ અને વરિષ્ઠ કાયદા અમલીકરણ અધિકારીઓ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા સ્થળ પર પહોંચ્યા હતા. સવારે 2 વાગ્યે મીડિયાને સંબોધતા સેને ઢાકા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં 33 અને શેખ હસીના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બર્ન એન્ડ પ્લાસ્ટિક સર્જરી વોર્ડમાં વધુ 10 મૃત્યુ થયા હોવાની જાણ કરી હતી. પોલીસ અધિકારીએ પાછળથી સેન્ટ્રલ પોલીસ હોસ્પિટલમાં વધુ એક મૃત્યુની પુષ્ટિ કરી હતી. આમ મૃત્યુની કુલ સંખ્યા 44 પર પહોંચી હતી.