મુંબઈમાં ઉનાળાની ગરમી, પારો ૩૭.૨
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈગરાએ ગુરુવારે ઉનાળાની આકરી ગરમીનો અનુભવ કર્યો હતો. ગુરુવાર આ વર્ષનો સૌથી ગરમ દિવસોમાનો એક રહ્યો હતો. સાંતાક્રુઝમાં દિવસમાં મહત્તમ તાપમાન ૩૭.૨ ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતા પાંચ ડિગ્રી વધારે હતું.
ગુરુવારના સાંતાક્રુઝમાં નોંધાયેલું મહત્તમ ૩૭.૨ ડિગ્રી તાપમાન આ વર્ષનું બીજું સૌથી વધુ તાપમાન નોંધાયું હતું. હજી એક દિવસ પહેલા ૩૪.૮ ડિગ્રીથી પણ વધુ તાપમાન નોંધાયું હતું. તો સૌથી વધુ તાપમાન ૨૬ ફેબ્રુઆરીના ૩૭.૫ ડિગ્રી નોંધાયું હતું.
આ દરમિયાન કોલાબામાં ગુરુવારે ૩૫.૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જે સામાન્ય કરતા ચાર ડિગ્રી વઘુ હતું. ગુરુવારે શહેરમાં રાતનું તાપમાન પણ સામાન્ય કરતા વધુ હતું. કોલાબા અને સાંતાક્રુઝમાં લઘુતમ તાપમાન અનુક્રમે ૨૩.૫ ડિગ્રી અને ૨૩.૪ ડિગ્રી નોંધાયું હતું.
દેશમાં ૩૬૫માંથી ૩૧૮ દિવસ હવામાન પ્રતિકૂળ રહ્યું
હવામાન ઝડપથી બદલાવ થઇ રહ્યો હોઇ છેલ્લાં થોડાં વર્ષ દરમિયાન એકદમ જ ફેરફાર જોવા મળી રહ્યો છે. ૨૦૨૩માં ભારતમાં ૩૬૫ દિવસમાંથી ૩૧૮ દિવસનું વાતાવરણ પ્રતિકૂળ રહ્યું હતું. અતિવૃષ્ટિ, પૂર, વાદળો વગેરેનો આખા દેશને મોટો ફટકો પડ્યો હતો. સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયર્નમેન્ટના સ્ટેટ ઓફ એન્વાયર્નમેન્ટ ૨૦૨૪નો અહેવાલ બુધવારે જાહેર થયો હતો. હિમાચલ પ્રદેશમાં આ ઘટનાની સંખ્યા વધુ હતી. ૩૬૫ દિવસમાંથી ઓછામાં ઓછો ૧૪૯ દિવસ રાજ્યમાં પ્રતિકૂળ હવામાનની ઘટનાની નોંધ થઇ હતી. ગત વર્ષે ૨૦૮ દિવસ અતિવૃષ્ટિ, પૂર અને ભૂસ્ખલન જેવી ગંભીર ઘટનાઓ ઘટી હતી. ૨૦૨ દિવસ વીજળીના કડાકા સાથે વાદળોનો ઓછાયો રહ્યો હતો. નવ દિવસ વાદળ ફાટવાની ઘટના બની હતી. ૪૯ દિવસ તાપમાનનો પારો ઊંચો જોવા મળ્યો હતો અને ૨૯ દિવસ ઠંડીની લહેર જોવા મળી હતી. સતત ૧૨૩ દિવસ એટલે કે જૂનથી સપ્ટેમ્બર સમય દરમિયાન ભારતમાં મોટા ભાગની જગ્યાએ અત્યંત પ્રતિકૂલ હવામાન અનુભવાયું હતું, એવું પણ અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.