‘ઑલ ધ બેસ્ટ’: આજથી દસમા ધોરણની પરીક્ષા
પહેલી વાર ટ્રાન્સજેન્ડર વિદ્યાર્થીઓ પણ આપશે પરીક્ષા
મુંબઈ: આજથી (શુક્રવાર) મહારાષ્ટ્રમાં દસમા ધોરણની બોર્ડ પરીક્ષા શરૂ થશે. બોર્ડની પરીક્ષાને લઈને પ્રશાસન દ્વારા દરેક તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. આ પરીક્ષાને લઈને શિક્ષણ મંડળ દ્વારા એક મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. આ બોર્ડ પરીક્ષામાં લગભગ ૧૬,૦૯,૪૪૫ જેટલા
વિદ્યાર્થી પરીક્ષા આપશે, જેમાં ૫૬ ટ્રાન્સજેન્ડર (તૃતીય પંથી) વિદ્યાર્થીનો સમાવેશ થાય છે.
શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪માં પેહલી વખત જ ૫૬ ટ્રાન્સજેન્ડર વિદ્યાર્થી દસમા ધોરણની પરીક્ષા આપશે. આ પરીક્ષા દરમિયાન કોઈ પણ નકલ કરે નહીં તેના માટે રાજ્યભરના પરીક્ષા કેન્દ્રો પર ૨૭૧ ફ્લાઇંગ સ્કવોડ પણ તહેનાત કરી છે. પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ થાય નહીં તેના માટે બોર્ડ દ્વારા વધુ કડક હાથે કામ કરવામાં આવશે. આ પરીક્ષા માટે પ્રશાસન દ્વારા ૬,૦૮૬ પરીક્ષા કેન્દ્ર તૈયાર રાખ્યા છે.
પહેલી માર્ચથી ૨૬ માર્ચ સુધી ચાલનારી આ પરીક્ષામાં ગેરરીતિને રોકવા માટે ફ્લાઇંગ સ્કવોડની નિમણૂક કરી છે. આ દરમિયાન દરેક વિદ્યાર્થીઓને અડધો કલાક પહેલા એક્ઝામ સેન્ટર પર પહોંચવાનો આદેશ આપવામાં આવ્યો છે.
આ વર્ષે એસએસસી બોર્ડ પરીક્ષાના પેપર બે સત્રમાં લેવામાં આવવાના છે. સવારે ૧૧ વાગ્યાથી બપોરે ત્રણ વાગ્યા સુધી પરીક્ષાનો સમય રહેશે જેમાં વિદ્યાર્થીઓને પેપર લખવા માટે વધુની ૧૦ મિનિટ પણ આપવાની જાહેરાત પ્રશાસન દ્વારા કરવામાં આવી છે. આ સાથે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને પરીક્ષાને લઈને કોઈ પણ અફવા પર વિશ્ર્વાસ નહીં કરે એનું પણ ધ્યાન રાખવાની અપીલ કરી છે.