Indian Econoay માટે આવ્યા ખુશખબર, આર્થિક વૃદ્ધિદરના આવ્યા દમદાર આંકડા
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ચાલુ નાણાકીય વર્ષના ડિસેમ્બર ત્રિમાસિકગાળાના જીડીપી (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ)ના આંકડા રજૂ કર્યા હતા, જેમાં ભારતીય અર્થવ્યવસ્થા માટે સારો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે.
કેન્દ્ર સરકારે ત્રીજા ત્રિમાસિકગાળામાં દેશનો આર્થિક વૃદ્ધિદર 8.4 ટકા રહ્યો છે. આર્થિક વૃદ્ધિદરના આંકડા સરકારે વ્યક્ત કરેલા અંદાજ કરતા વધુ સારા છે. દેશના મેન્યુફેકચરિંગ કામગીરી અને સરકારી ખર્ચમાં જોવા મળેલા સુધારાને કારણે જીડીપીની રફતાર વધી છે, જેમાં ગત ત્રિમાસિકગાળાના જીડીપી રેટ 7.6 ટકા હતો.
દુનિયાના સૌથી ઝડપથી વિકાસ કરી રહેલા ભારતીય અર્થવ્યવસ્થા બની છે, જ્યારે તેની પ્રશંસા વર્લ્ડબેંકથી લઈને આઈએમએફે કરી છે. હવે ત્રીજા ત્રિમાસિકગાળાના શાનદાર આંકડા મળ્યા છે. ડિસેમ્બરના ત્રિમાસિકગાળાના ભારતના જીડીપીના આંકડામાં સકારાત્મક વલણ જોવા મળ્યું છે. દરવર્ષે 8.4 ટકા રહ્યો છે, જે 2022ના બીજા ત્રિમાસિકગાળા પછી સૌથી વધુ મજબૂત દર છે, જેનું અનુમાન 6.6 ટકાથી વધુ સારું રહ્યું છે.
2023-24 માટે દેશનો વિકાસદર 7.6 ટકા દરે વિકસવાનું અનુમાન જાહેર કરવામાં આવ્યું છે, જે અગાઉ જાન્યુઆરી 2024માં જારી કરવામાં આવેલા આંકડા જીડીપી ગ્રોથ રેટ 7.3 ટકાનું અનુમાન વ્યક્ત કર્યું હતું.
નાણાકીય વર્ષ 2023-24ના ત્રીજા ત્રિમાસિકગાળા માટે એસબીઆઈના આર્થિક સંશોધન વિભાગે પણ જીડીપી ગ્રોથનો અંદાજ આપતા જીડીપી ગ્રોથનો દર 6.8 ટકા રહેવાની અપેક્ષા વ્યક્ત કરી હતી. આ ઉપરાંત, આરબીઆઈએ નાણાકીય વર્ષ 2024ના ત્રીજા ત્રિમાસિકગાળામાં જીડીપી ગ્રોથ સાત ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો.