જલતે હૈં જિસકે લિએ, તેરી આંખોં કે દીયે,ઢૂંઢ લાયા હૂં વો હી, ગીત મૈં તેરે લિએ…
એસ ડી બર્મન – તલત મેહમૂદનું ગીત શોધવું એ ઘાસની ગંજીમાંથી સોય શોધવા જેવું અઘરું કામ છે, પણ એ સોય હાથ લાગ્યા પછી એના ચળકાટ સામે સોનુ પણ સહેજ ઝાંખું લાગે
હેન્રી શાસ્ત્રી
તલત મેહમૂદએ ગાયકીના દબદબાભર્યા દોરમાં અનેક સંગીતકારોની સ્વર રચનાઓમાં ગીતો ગાયા છે. ગાયક – સંગીતકારના દોરને આજે આગળ વધારતા પહેલા એક એવા ગીતની વાત કરીએ જે ગાયકની ઈમેજથી વિપરીત હોવા છતાં યાદગાર બન્યું છે. ૬૫ વર્ષ પહેલાનું આ ગીત આજે પણ સાંભળશો તો જલસા પડી જશે, એની સાથે ગણગણ્યા વિના નહીં રહેવાય. તલત મેહમૂદ એટલે ગંભીર ગાયકી અને ગીતકાર પ્રદીપજી એટલે દેશભક્તિ – રાષ્ટ્રભક્તિના ગીત એવી સર્વસામાન્ય માન્યતા છે. જોકે, હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અનેક કલાકારોએ ઈમેજથી સાવ વિપરીત એવું સુંદર યોગદાન આપી સિને રસિકોને ચોંકાવી દીધા હોય એવા અનેક ઉદાહરણ છે. ફિલ્મ ‘સ્કૂલ માસ્ટર’ (૧૯૫૯)નું તલત – લતાનું યુગલ ગીત ગાયક અને ગીતકાર વિશેની પ્રચલિત માન્યતાનો ભૂકો બોલાવી દે છે. કવિ અને ગીતકાર શ્રી પ્રદીપજી લિખિત ઓછા જાણીતા સંગીતકાર વસંત દેસાઈએ સ્વરબધ્ધ કરેલું ’ઓ દિલદાર બોલો એક બાર, ક્યા મેરા પ્યાર પસંદ હૈ તુમ્હે, ઓ ગોરી સુકુમાર હમારી સરકાર, બડા તેરા પ્યાર પસંદ હૈ હમેં’ એટલું રમતિયાળ છે કે સાથે ગાવાનું મન થઈ જ જાય. તલતજી આ મૂડમાં પણ જબરા ખીલ્યા છે. આ મીઠડું મોહબ્બતનું ગીત પાછું હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની કોઈ રોમેન્ટિક જોડી પર નહીં, બલકે મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અલાયદા અભિનેતા રાજા ગોસાવી અને મુખ્યત્વે સાઉથની ફિલ્મોની અભિનેત્રી સરોજા દેવી પર ફિલ્માવાયું છે.
સંગીતકાર સજજાદ હુસેન
સજજાદ હુસેન તેમના વિશિષ્ટ સ્વરાંકનની સાથે સાથે તુમાખીભર્યા સ્વભાવ માટે પણ જાણીતા હતા. ‘લતાજી ઠીક સે ગાઈએ, યે નૌશાદ મિયાં કા ગાના નહીં હૈ’ એવું કહી દેનારા સજજાદ હુસેને તલત મેહમૂદને ‘ગલત મેહમૂદ’ની ઉપમા આપી હતી. જોકે, તલત સાબની કારકિર્દીના ટોપ ટેનમાં વટથી બિરાજી શકે એવું એક ગીત સજ્જાદ સાબની જ દેન છે. દિલીપ કુમાર સાથે મધુબાલાની બીજી (પહેલી ‘તરાના’ – ૧૯૫૧) જ ફિલ્મ ‘સંગદિલ’ (૧૯૫૨)નું ‘યે હવા યે રાત યે ચાંદની, તેરી એક અદા પે નિસાર હૈ’ (ગીતકાર રાજેન્દ્ર કૃષ્ણ) સાંભળશો તો તમારી પ્રેમિકા નજર સામે ઊભી હોવાનું ચોક્કસ મેહસૂસ કરશો. આ જ ફિલ્મનું લતાદીદી સાથેનું યુગલ ગીત ’દિલ મેં સમા ગયે સજન, ફૂલ ખીલે ચમન ચમન, પ્યાર ભી મુસ્કુરા દિયા’ આજે વિસરાઈ ગયું છે, પણ તલતજીનું એક મધુર ગીત છે એ નક્કી. ૧૧ વર્ષ પછી સજજાદ હુસેને ‘રૂસ્તમ સોહરાબ’ (૧૯૬૩)માં તલત સાબ પાસે ‘માઝન્દરાન માઝન્દરાન’ ગીત ગવરાવ્યું જેની ધૂન વિશિષ્ટ છે અને ગાયકની શૈલીનું છે, પણ થયું એવું કે ફિલ્મના બેમિસાલ ગીત ‘ફિર તુમ્હારી યાદ આઈ અય સનમ અય સનમ’ને મળેલી અફાટ લોકપ્રિયતાના મોજામાં તલતજીનું સોલો સોંગ તણાઈ ગયું.
સંગીતકાર એસ.ડી. બર્મન
સચિન દેવ બર્મને પુરુષ અવાજમાં સ્વરબદ્ધ કરેલા ગીતોમાંથી તલત મેહમૂદનું ગીત ગોતવું એટલે ઘાસની ગંજીમાંથી સોય શોધવા જેવું ભગીરથ કામ છે. જોકે, એ સોય મળ્યા પછી સોનું પણ સહેજ ઝાંખું પડે એવો એનો ચળકાટ આંખોને આંજી દે છે. હિન્દી ફિલ્મોના એવા કેટલાક ગીત છે જે ગઈ કાલે અફાટ લોકપ્રિય હતા, આજે પણ સાંભળવા ખૂબ ખૂબ ગમે છે અને આવતી કાલે પણ વિસરાશે નહીં અને એ યાદીમાં બિમલ રોયની ’સુજાતા’નું તલત સાબના અવાજમાં સ્વરબદ્ધ થયેલું ‘જલતે હૈં જિસકે લિએ તેરી આંખોં કે દીયે, ઢૂંઢ લાયા હૂં વોહી ગીત મૈં તેરે લિએ’ (ગીતકાર મજરુહ સુલતાનપુરી) ઠાઠથી બિરાજમાન છે. આ ગીત પાછળની કથા ગીત જેટલી જ રસપ્રદ છે. બર્મનદા ગીતના ભાવ અનુસાર ગાયકની પસંદગી કરતા. ‘સુજાતા’ના ‘જલતે હૈં જિસકે લિએ’ની સિચ્યુએશન જાણ્યા પછી તેમને ગીત એવા અવાજમાં રજૂ કરવું હતું જેમાં સ્નેહ તો ભારોભાર છલકાતો હોય, સાથે સાથે મીઠું દર્દ પણ મેહસૂસ થાય. તેમણે સૌ પ્રથમ મોહમ્મદ રફીનો સંપર્ક કર્યો અને ગીત ફિલ્મમાં રજૂ થાય છે એ મુજબ ફોન પર જ સંભળાવવા કહ્યું. રફીસાબે રજૂ કર્યું પણ બર્મનદા રાજી ન થયા. ત્યારબાદ મન્ના ડે પાસે પણ એ જ રીતે ફોન પર ગવડાવ્યું, પણ જે જોઈતું હતું એ નહોતું મળી રહ્યું. ત્યારે એ સમયના એમના સહાયક સંગીતકાર જયદેવજીએ તલત મેહમૂદને ટ્રાય કરવાની ભલામણ કરી. ફોન પર તલતજીના સ્વરમાં ગીત સાંભળ્યા પછી બર્મનદાએ આ ગીત તો તલત મેહમૂદ જ ગાશે એમ જણાવી દીધું. જોકે, રિહર્સલમાં સંગીતકારે ગાયક પાસે આકરી મહેનત કરાવી પણ એનું પરિણામ અદભુત આવ્યું એ હકીકત છે. ગીત ફરી એક વાર ધ્યાનથી સાંભળજો. સુનિલ દત્તની નૂતન માટેની ઝંખના ગીતને વીંટળાયેલી નજરે તો પડશે જ, પણ સાથે સાથે પ્રેમ હોવા છતાં પ્રેમીને નહીં પામી શકવાની દુન્યવી મર્યાદાની છૂપી વેદના પણ મેહસૂસ થશે. પ્રેમનો પમરાટ અને વિરહની વેદનાનું યુગ્મ બર્મનદાની સ્વરરચના અને તલત મેહમૂદની ગાયકીનો વિલક્ષણ કરિશ્મા છે. રફી સાબ અને મન્ના ડે વ્યાખ્યાતીત ગાયકો છે, પણ આ ગીતને તલતજીએ જે ન્યાય આપ્યો છે એ બંને ગાયકો ન આપી શક્યા હોત એ તો સ્વીકારવું જ રહ્યું.
સંગીતકાર નૌશાદ
નૌશાદ સાબ અને તલત મેહમૂદની જોડી જામી ન હોત તો જ નવાઈ લાગી હોત. કારણ એટલું જ કે બંને લખનઊના, બંનેના સાંસ્કૃતિક વાતાવરણ અને ઉછેરમાં સામ્ય તેમજ ઉર્દૂની સમજણ અને લગાવ પણ લગભગ સરખા. દિલીપ કુમાર પર પિક્ચરાઇઝ થયેલા ’અય દિલ મુજે ઐસી જગહ લે ચલ’ ગીતથી તલતજીનું નામ જાણીતું થયું અને નૌશાદ સાબના ‘બાબુલ’થી તલત મેહમૂદ વોઇસ ઓફ દિલીપ કુમાર બની જશે એવી માન્યતા બંધાઈ હતી. એ સમયે નૌશાદજી નંબર વન સંગીતકાર હતા અને દિલીપ કુમાર સંગીતકાર તરીકે તેમનો આગ્રહ રાખતા હતા. ‘બાબુલ’માં તલતજીના બે સોલો અને ત્રણ ડ્યુએટ હતા જેમાંથી ‘મિલતે હી આંખેં દિલ હુઆ દિવાના કિસી કા, અફસાના બન ગયા અફસાના કિસી કા’ યુગલગીતને (તલત – શમશાદ) અફાટ લોકપ્રિયતા મળી અને તલત મેહમૂદની કારકિર્દીને ચાર ચાંદ લાગી ગયા. જોકે, આશ્ર્ચર્યની વાત એ છે કે નૌશાદજીની તલત સાથેની આ પહેલી ફિલ્મ છેલ્લી ફિલ્મ સાબિત થઈ. ‘બાબુલ’ પછી બીજા જ વર્ષે દિલીપ કુમારની ‘દીદાર’ આવી પણ નૌશાદ સાહેબે એક પણ ગીત તલતજી પાસે ન ગવડાવ્યું. દિલીપ કુમારે આગ્રહ રાખ્યો હોવા છતાં. નૌશાદજીએ મોઢું ફેરવી લીધા વિશે ગાયકે ભૂતકાળમાં એવો ખુલાસો કર્યો હતો કે ગીતના રેકોર્ડિંગ પહેલા ધૂમ્રપાન કરવાની તેમની આદતથી સંગીતકાર નારાજ થયા હતા અને બીજું કારણ એ આપ્યું હતું કે તલતજીને એક્ટર – સિંગર બનવાના અરમાન જાગ્યા હોવાથી સંગીતકારોના લિસ્ટમાંથી ગાયક તલત મેહમૂદની બાદબાકી થઈ ગઈ. નૌશાદસાહેબે પછી રફીને વોઇસ ઓફ દિલીપ કુમાર બનાવી દીધા.
સંગીતકાર એ. આર. કુરેશી
વિશ્ર્વ સમસ્તમાં અદભુત તબલા વાદક તરીકે મશહૂર અલ્લારખાં સાબએ ચાલીસેક હિન્દી ફિલ્મમાં એ. આર. કુરેશીના નામથી સંગીતકાર તરીકે યોગદાન આપ્યું છે. ‘રતન’ અને ‘ચૌદહવી કા ચાંદ’ જેવી યાદગાર ફિલ્મો આપનારા એમ. સાદિકની ‘સબક’માં એ. આર. કુરેશીએ યાદગાર ગીત આપ્યા હતા, પણ એમાં તલતજીનું એક પણ ગીત નહોતું. જોકે, ૧૯૫૩માં આવેલી ‘બેવફા’માં અલ્લારખાં – તલત મેહમુદની જોડીએ ‘દિલ મતવાલા લાખ સંભાલા, ફિર ભી કિસી પર આ હી ગયા’ યાદગાર ગીત આપ્યું. આ ફિલ્મનું નિર્માણ અભિનેત્રી નરગીસે કર્યું હતું અને રાજ કપૂર – નરગિસ ફિલ્મના હીરો – હિરોઈન હતા. તલત પ્રેમીઓને આ ગીત આજે પણ સ્મરણમાં હશે.
સંગીતકાર ચિત્રગુપ્ત
‘ચલ ઉડ જા રે પંછી કે અબ યે દેસ હુઆ બેગાના’ અને ’લાગી છૂટે ના અબ તો સનમ’ જેવા અવિસ્મરણીય ગીતો આપનારા શ્રી ચિત્રગુપ્તે અનેક મધુર ગીત આપ્યા છે. જોકે, એમના સદાબહાર ગીતોમાં તલત મેહમૂદના ગીતનો સમાવેશ નથી. અલબત્ત ચંદ્રશેખર – કુમકુમના લીડ પેરના ’તેલ માલિશ બુટ પોલિશ’ (૧૯૬૧) ફિલ્મમાં આઠ ગાયકોએ મળીને ગાયેલા સાત ગીતમાંથી સૌથી લોકપ્રિય ગીત તલત સાબ અને લતાદીદીનું યુગલ ગીત છે. ’મેહલોં મેં રેહનેવાલી, દિલ હૈ ગરીબ કા, રખ દે ઈસે યા તોડ દે’ આજે પણ તલતપ્રેમીઓને યાદ હોવાની સંભાવના ભારોભાર છે. ફિલ્મમાં કુલ પાંચ યુગલ ગીત છે જેમાંથી માત્ર આ જ ગીત ભુલાયું નથી. એક રસપ્રદ વાત એ છે કે વર્ઝન સોંગના દોરમાં ચિત્રગુપ્તજીનું ‘ભાભી’નું ‘ચલ ઉડ જા રે પંછી’ તલત મેહમૂદના સ્વરમાં પેશ થયું હતું.
(અન્ય સંગીતકારો સાથેના અવિસ્મરણીય ગીતો ત્રીજા અને અંતિમ હપ્તામાં – ક્રમશ:)