મેટિની

અનન્યાનું સપનું સાકાર

ચંકી પાંડેની સુપુત્રી ફિલ્મના સેટ પર દિગ્દર્શકની ડાહીડમરી દીકરી બની રહી પોતાના પર્ફોર્મન્સનું સતત મૂલ્યાંકન કરતી રહે છે જેનો લાભ તેને મળી રહ્યો છે

કવર સ્ટોરી -હેમા શાસ્ત્રી

ચંકી પાંડે અદભુત અભિનેતા નહોતો, પણ સાવ નાખી દેવા જેવોય નહોતો. ૧૯૮૭માં ‘આગ હી આગ’ ફિલ્મથી શરૂ થયેલી એની કારકિર્દી ક્યારે આગમાં લપેટાઈ ભસ્મ થઈ ગઈ ખબર જ ન પડી. અનિલ કપૂર સાથેની ‘તેજાબ’ (૧૯૮૮)માં ચંકીએ કરેલા બબનના કિરદારની પ્રશંસા થઈ, પણ એનું રૂપાંતર મજબૂત રોલમાં થયું નહીં. ત્યારબાદ ‘આંખેં’, ‘વિશ્ર્વાત્મા’ અને ‘લૂટેરે’ જેવી એક આંગળીના વેઢે ગણી શકાય એવી ફિલ્મોમાં એના પરફોર્મન્સની ચર્ચા થઈ. બસ. અચાનક ગાડી પાટા પરથી ખડી પડી અને વાત એ હદે વણસી ગઈ કે ચંકીએ બાંગલાદેશી ફિલ્મોનું શરણું લેવું પડ્યું. પાડોશી દેશમાં દામ ને નામ કમાઈ લેવામાં સફળતા મેળવ્યા પછી અભિનેતા હવે છૂટાછવાયા રોલ કરે છે. જોકે, ચંકીની દીકરી અનન્યા પાંડે અભિનય યાત્રામાં પિતા કરતા લાંબી મજલ મારશે એવા એંધાણ મળી રહ્યા છે. ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી ફરહાન અખ્તર – ઝોયા અખ્તર નિર્મિત ‘ખો ગયે હમ કહાં’માં સિદ્ધાંત ચતુર્વેદી સાથે અનન્યાની એક્ટિંગની પણ પ્રશંસા થઈ અને હવે તેણે એક એવી ફિલ્મ સાઈન કરી છે જે એની કારકિર્દીમાં ટર્નિંગ પોઇન્ટ સાબિત થઈ શકે છે. ‘ઉડાન’ (૨૦૧૦) ફિલ્મ અને ટીવી સિરીઝ ‘સેક્રેડ ગેમ્સ’ના મેકર તરીકે નામના મેળવનારા વિક્રમાદિત્ય મોટવાનીએ તેમની આગામી સાયબર થ્રિલર ‘કંટ્રોલ’ ઓફર કરતા સૌપ્રથમ તો તેણે ચૂંટી ખણીને ખાતરી કરી લીધી કે પોતે સપનું તો નથી જોઈ રહી ને. જે ફિલ્મમેકરના કામ માટે આદર હોય અને એની સાથે કામ કરવાનું ખ્વાબ જોયું હોય એ સાકાર થાય ત્યારે કેવી લાગણી થાય એનું વર્ણન કરવા શબ્દો ઓછા પડે. મોટવાની સાથે ફિલ્મ કરવાની તક મળી એનો રાજીપો વ્યક્ત કરી અનન્યાએ જે વાત કરી એમાં એક મુદ્દાથી સતત સારું, વધુ સારું કામ કરવાની એની કોશિશ વ્યક્ત થાય છે. ૨૦૧૯માં ‘સ્ટુડન્ટ ઓફ ધ યર ૨’ ફિલ્મથી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પદાર્પણ કરનારી અનન્યા દરેક શોટ આપ્યા પછી ડિરેક્ટરને વારંવાર ‘મેં શોટ બરાબર આપ્યો ને’ કે પછી ‘મારી એક્ટિંગથી તમે ખુશ છો ને’ જેવા સવાલ પૂછી પ્રમાણપત્ર મેળવવાના પ્રયત્નો કરતી હોય છે. પોતાના પરફોર્મન્સમાં પૂરતી શ્રદ્ધા ન હોવાથી કે પછી પોતાનું કામ અણીશુદ્ધ રહે એની તકેદારી જેવી પરિસ્થિતિને કારણે જ આવું વર્તન જોવા મળતું હોય છે. મોટવાની સાથે કામ કરવા મળ્યું એનો આનંદ અનન્યા સાથે એની મમ્મી ભાવના પાંડેને પણ છે, કારણ કે ‘ઉડાન’ શ્રીમતી પાંડેની પ્રિય ફિલ્મોની યાદીમાં ઉપરના ક્રમે બિરાજે છે.

ધર્મા પ્રોડક્શન બેનર હેઠળ દમદાર શરૂઆત કર્યા પછી અનન્યાની બીજી ફિલ્મ ‘પતિ પત્ની ઔર વો’ને બોક્સ ઓફિસ પર આવકાર મળ્યો અને અનન્યા પ્રત્યે વધુ ફિલ્મમેકરોનું ધ્યાન દોરાયું. જોકે, દુર્ભાગ્યે ૨૦૨૦માં કોવિડ – ૧૯ની મહામારીને કારણે તેની ફિલ્મ ‘ખાલીપીલી’ (૨૦૨૦) તેમજ ૨૦૨૨માં પણ ‘ગેહરાઇયાં’ ઓટીટી પર રિલીઝ થઈ. આ બંને ફિલ્મમાં
તેના પરફોર્મન્સની પ્રશંસા થઈ, પણ બોક્સ ઓફિસ હિટ તેના નામ સામે જમા ન થઈ. વિજય દેવરકોન્ડા સાથે બહુ ગાજેલી હિન્દી – તેલુગુમાં તૈયાર થયેલી ‘લાઈગર’ સુપરફ્લોપ
થવાથી અનન્યા બહુ નિરાશ થઈ કારણ કે આ ફિલ્મની સફળતા બીજા અનેક દરવાજા ઉઘાડી શકે એમ હતી. સદનસીબે ગયું વર્ષ (૨૦૨૩) પાંડે પુત્રી માટે સારું રહ્યું. એકતા કપૂર નિર્મિત ‘ડ્રિમ ગર્લ ૨’ ફિલ્મ બોક્સ ઓફિસ પર તગડો વકરો કરવામાં સફળ રહી અને ‘ખો ગએ હમ કહાં’ને પણ સારો આવકાર મળ્યો. અચ્છી અભિનેત્રી બનવાની દિશામાં અનન્યાએ મક્કમ પગલાં ભરી લીધા છે એવું ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણકારોનું માનવું છે.

અનન્યા પાંડે કોઈ ને કોઈ કારણસર મીડિયામાં ચમકતી રહે છે. ફેશન શો, બ્રાન્ડ પ્રમોશન ઉપરાંત બોયફ્રેન્ડ આદિત્ય રોય કપૂર સાથેની તેની તસવીરો સોશિયલ મીડિયામાં ખાસ્સી વાયરલ થઈ હતી અને ગોસિપ શોખીનોને મોકળું મેદાન મળ્યું હતું. કરણ જોહરના શોમાં અનન્યાએ રિલેશનશિપનો એકરાર પણ કર્યો હતો. કરણે તેને આડકતરી રીતે પૂછ્યું કે ‘આર યુ ગુમરાહ ઈન લવ?’ ગુમરાહ આદિત્યની ફિલ્મ છે. અનન્યાએ એ જ સ્ટાઈલમાં જવાબ આપ્યો કે ‘આશિકી ઐસે હી હોતી હૈ’ આદિત્યનો સિતારો ‘આશિકી ૨’ની સફળતાથી ચમકી ગયો હતો.

ચોરી કરવી છે…
દિલ ચોરવું એ ગુનો નથી ગણાતો અને કોઈનો લુક ચોરી લેવો એ પણ ક્રાઈમ નથી. અનન્યા પાંડે ‘ચોરી’ કરવા ધારે છે અને એ પણ ‘ગેહરાઇયાં’ની સહ કલાકાર દીપિકા પાદુકોણને ત્યાં. આ વાત દીપિકા જાણે છે કે નહીં એ આપણે નથી જાણતા, પણ જાણશે તો ‘ચોરી’ કરવાની પરવાનગી આપશે એટલું નક્કી. એક હિરોઈનને બીજી હિરોઈન સાથે અણબનાવ જ હોય એ યુગ હવે લગભગ આથમી ગયો છે એમ કહી શકાય. આજકાલ એકબીજા માટે આદર – અહોભાવ વ્યક્ત વધુ થાય છે અને સાથે કામ કરવાની ઉત્સુકતા અને એકબીજા પાસેથી કશુંક શીખવાની વૃત્તિ વધુ જોવા મળે છે. તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં અનન્યાએ દીપિકા માટે પ્રશંસાના પુષ્પો વેર્યા હતા. પાંડે પુત્રીએ કહ્યું કે પોતે દીપિકાનું ફિગર અને એની ક્રોકરી ચોરી જવાનો ઈરાદો ધરાવે છે. અનન્યાએ થોડા સમય પહેલા પોતાના માટે અલાયદું ઘર ખરીદ્યું છે અને એની સજાવટ સાથે પ્લેટ્સ, બાઉલ, ચમચા વગેરે માટે તેને વળગણ થઈ ગયું છે. જ્યાં પણ સારી ક્રોકરી દેખાય, અનન્યા એના ફોટોગ્રાફ્સ લઈ સોશિયલ મીડિયા પર શેર કરે છે. વાત આટલેથી નથી અટકતી. દીપિકાના ઘરે પીરસવામાં આવતી સાઉથ ઇન્ડિયન વાનગીઓ પણ અભિનેત્રીને અત્યંત પ્રિય છે. એ બધી વાનગીઓ પણ પોતે નિયમિતપણે ચોરી જશે એવી જોક પણ તેણે કરી છે. આવો ચોર કોને વહાલો ન લાગે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button