મને મુસ્લિમ બનાવવામાં અનવરની મહત્ત્વની ભૂમિકાઃ યુસુફનો ચોંકાવનારો ખુલાસો
ઇસ્લામાબાદઃ મને મુસ્લિમ બનાવવામાં મહત્વની ભૂમિકા પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર સઇદ અનવરે નિભાવી હતી. મોહમ્મદ યુસુફ અગાઉ ખ્રિસ્તી હતો અને તેનું નામ યુસુફ યોહાના હતું, એમ મોહમ્મદ યુસુફે જણાવ્યું હતું.
તેણે માર્ચ 1998માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. માત્ર 6 વર્ષ બાદ એટલે કે 2004માં તેણે ઈસ્લામ કબૂલ કર્યો હતો અને તેણે પોતાનું નામ મોહમ્મદ યુસુફ રાખ્યું હતું.
49 વર્ષીય મોહમ્મદ યુસુફે નાદિર અલીની ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર સઈદ અનવરે મુસ્લિમ બનાવવામાં તેની ઘણી મદદ કરી હતી. અનવરે તેના કલમા શીખવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
યુસુફે કહ્યું કે ઈસ્લામ અપનાવ્યા બાદ તેણે આ વાત 3 વર્ષ સુધી બધાથી છૂપાવી હતી. તેણે તેના પરિવારને કે તેની પત્નીને પણ જણાવ્યું ન હતું. પાછળથી પિતા અને માતા ખૂબ ગુસ્સે થયા હતા. તેણે કહ્યું કે પત્નીએ પણ ઇસ્લામમાં તાલીમ લીધી અને પછી પોતાની મરજીથી ઇસ્લામ કબૂલ કર્યો હતો. યુસુફે જણાવ્યું કે તેમના પિતાએ તેમના મૃત્યુના 10 દિવસ પહેલા જ કલમા પઢ્યા હતા. ત્યાર પછી યુસુફ પહેલીવાર પોતાની હજ યાત્રા પર ગયો હતો.
યુસુફે કહ્યું હતું કે સૈયદ ભાઈએ મને કલમા પઢાવ્યા હતા. આ પછી તેઓ મને મૌલવી ફહીમ સાહેબને મળવા લઇ ગયા હતા. યુસુફે કહ્યું હતું કે 2004માં મુસ્લિમ બન્યા પછી પણ હું ખ્રિસ્તી રહ્યો હતો કારણ કે હું તેને જાહેર કરવા માંગતો ન હતો.
યુસુફે 1998માં જોહાનિસબર્ગમાં દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. યુસુફે 90 ટેસ્ટ રમી અને 52.29ની એવરેજથી 7530 રન કર્યા હતા. તેણે 288 વનડેમાં 41.71ની એવરેજથી 9720 રન કર્યા હતા.