દીકરીએ ભોગવ્યું અંધશ્રદ્ધાનું પરિણામ, 2 વર્ષ સુધી બનતી રહી દુષ્કર્મનો ભોગ
છત્તીસગઢના બિલાસપુરમાં એક 25 વર્ષીય યુવતી સાથે દુષ્કર્મની ઘટના બની છે. પીડિતાનો આરોપ છે કે એક તાંત્રિકે તેની મોટી બહેનના ઇલાજને બહાને તેના પર વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. અને પીડિતાને ધમકી આપી હતી કે જો તેણે તેના પરિવારજનોને વાત કરી તો તે બ્લેક મેજીકથી તેના પરિવારજનોની હત્યા કરી નાખશે. આ ડરને કારણે પીડિતા 2 વર્ષ સુધી દુષ્કર્મનો ભોગ બનતી રહી.
આ ઘટના બિલાસપુરથી 40 કિમી દૂર આવેલા સીપત ગામની છે. વર્ષ 2021માં એક દિકરીની તબિયત ખરાબ થતા પરિવારના લોકોએ ઘરની આસપાસમાં જ રહેતા એક તાંત્રિકને વિધિ માટે બોલાવ્યો હતો. તેના ઇલાજ દરમિયાન તાંત્રિકે તેની વિધિઓથી પરિવારના લોકોને ભોળવ્યા હતા અને પોતાના વિશ્વાસમાં લઇ તેમની પાસેથી રૂપિયા પણ પડાવ્યા. પીડિતાની મોટી બહેનની સારવાર દરમિયાન તેણે પીડિતા પર દાનત બગાડી હતી અને તેને ધાકધમકી આપી ડર બતાવી તેનું શોષણ કરતો રહ્યો.
તાંત્રિકની હેરાનગતિથી કંટાળીને એક દિવસ પીડિતાએ તેના પરિવારના સભ્યોને ઘટનાની જાણ કરી દીધી હતી જે પછી પરિવારે તેનો સાથ આપતા તાંત્રિક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી લઇ તપાસ હાથ ધરી છે તેમજ પીડિતાનું કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે.