આપણું ગુજરાત

Junagadhની એક સ્કૂલમાં બાળકને બોલ બોલ કરતા બાળકને પ્રિન્સિપાલે આપી આવી સજા

જૂનાગઢઃ બહુ બોલકા બાળકોને ઘણીવાર ઘરના લોકો અથવા શિક્ષકો કહેતા હોય છે કે લાવ મોઢું બંધ કરી દઉં કે મોઢા પર ટેપ લગાવી દઉં, પરંતુ જૂનાગઢની એક સ્કૂલમાં પ્રિન્સિપાલે ખરેખર આમ કરી નાખ્યું હોવાની ઘટના બહાર આવી છે.
જૂનાગઢ શહેરની એક સ્કૂલમાં વિદ્યાર્થીને મોઢે સેલોટેપ ચોંટાડીને બે કલાક સુધી સજા આપવામાં આવી હતી. જેને લઈને વાલીઓમાં રોષ ફાટી નીકળ્યો છે. શહેરના કડિયાવાડ વિસ્તારમાં આવેલી પ્રાઈવેટ પ્રાઇમરી સ્કૂલમાં પ્રિન્સિપાલ દ્વારા વિદ્યાર્થીને મોઢે સેલોટેપ બાંધી અને બે કલાકની સજા આપી હતી.

ધોરણ બેમાં અભ્યાસ કરતા સાહિલ નામનો વિદ્યાર્થી ક્લાસમાં ખૂબ જ વાતો કરતો હતો. તેની ફરિયાદ અવારનવાર પ્રિન્સિપાલ સુધી પહોંચતી હતી અને ગત શનિવારના રોજ સાહિલના ક્લાસ ટીચર દ્વારા ફરીથી ક્લાસમાં પોતાના મિત્ર સાથે વાતો કરતો હોવાની ફરિયાદ પ્રિન્સિપાલ સુધી પહોંચી હતી અને પ્રિન્સિપાલે તેને રિસેસમાં નાસ્તો કર્યા બાદ મોઢે સેલોટેપ બાંધી દીધી હતી.

આ અંગે શાળાના પ્રિન્સિપાલ દ્વારા સ્વીકારવામાં આવ્યુ હતુ કે બીજા ધોરણમાં અભ્યાસ કરતા સાહિલના મોઢે સેલોટેપ મારવામાં આવી હતી. તેથી કરીને મોઢા ઉપર સેલોટેપ મારીને ન બોલવાથી કેટલી મુશ્કેલી સર્જાય છે તે બાળકને સમજાવવા આમ કર્યું હોવાનું પ્રિન્સિપાલે કહ્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે બાળકને મારવાની કે બીજી કોઈ સજા અમે કરતા નથી, તે માટે આવી સજા કરી હતી. જોકે વાલીઓએ નારાજગી જતાવી હતી અને સ્કૂલ સામે કડક પગલાં લેવાની માગણી કરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button