મથુરા શાહી ઇદગાહ કેસઃ 13 માર્ચે સુનાવણી
અલાહાબાદઃ અલાહાબાદ હાઇ કોર્ટ મથુરામાં શાહી મસ્જિદને હટાવવાની માગણી કરતી અરજીઓની આગામી સુનાવણી 13 માર્ચના રોજ કરશે. આ અરજીઓમાં દાવો કરવામાં આવ્યો છે કે શાહી ઇદગાહ મસ્જિદનું નિર્માણ કટરા કેશવ દેવ મંદિરની 13.37 એકર જમીન પર કરવામાં આવ્યું છે. આ સિવિલ કેસની જાળવણીને લઇને મુસ્લિમ પક્ષે અલાહાબાદ હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીઓ પર દલીલ રજૂ કરી હતી.
હાઇ કોર્ટમાં મુસ્લિમ પક્ષે કહ્યું કે વાદી હિંદુ પક્ષ જમીનના માલિકી હક્કની માંગ કરી રહી છે, જે શ્રી કૃષ્ણ જન્મસ્થાન સેવા સંઘ અને શાહી મસ્જિદ ઈદગાહના સંચાલન વચ્ચે 1968માં થયેલા કરારનો વિષય હતો. વક્ફ બોર્ડના એડવોકેટ તસ્લીમા અઝીઝ અહમદીએ જણાવ્યું હતું કે વિવાદિત જમીનના વિભાજન પછી બંને પક્ષોને એકબીજાના વિસ્તારથી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું હતું. આ દાવા પૂજા સ્થળો અધિનિયમ અને મર્યાદા અધિનિયમ દ્વારા પ્રતિબંધ છે.
મુસ્લિમ પક્ષે દલીલ કરી હતી કે કેસમાં સ્વીકાર કરવામાં આવ્યું છે કે 1669-70માં નિર્માણ બાદ વિવાદીત સંપત્તિ પર શાહી ઇદગાહનું અસ્તિત્વ હતું. મુસ્લિમ પક્ષે અરજીનો વિરોધ કરતા જણાવ્યું હતું કે અગર એમ માની પણ લેવામાં આવે કે મસ્જિદનું નિર્માણ 1969માં થયેલી સમજૂતિ પછઈ કરવામાં આવ્યું છે તો પણ આ કેસ દાખલ થઇ શકે નહીં કારણ કે એમ કરવું લિમિટેશન એક્ટ દ્વારા પ્રતિબંધિત હશે. એમાં 50 વર્ષથી વધુનો વિલંબ થયો છે.
નોંધનીય છે કે ગયા વર્ષે મે મહિનામાં હાઈકોર્ટે શ્રી કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ મસ્જિદ વિવાદ સાથે જોડાયેલા તમામ 15 મામલાઓ મથુરા કોર્ટમાંથી સુનાવણી માટે લઈ લીધા હતા.