આપણું ગુજરાત

કચ્છના એ પાંચ બાળકો મુઝફ્ફરપુરથી સહીસલામત મળી આવતા પરિવારે લીધો રાહતનો શ્વાસ…

ભુજ: મુંદ્રા તાલુકાના નાના કપાયા ગામથી ગયા શનિવારે રહસ્યમયી સંજોગોમાં ગુમ થયેલાં પાંચ બાળક છેક બિહારથી સહી સલામત મળી આવતાં પરિવાર અને ગામવાસીઓએ રાહતનો શ્વાસ લીધો છે. મુંદરાની એક જ શાળામાં અભ્યાસ કરતા ઉત્તર પ્રદેશ-બિહારના શ્રમિક પરિવારના ૧૧થી ૧૪ વર્ષની વયના બાળકો જેમાં બે છોકરી અને ત્રણ છોકરાનો સમાવેશ થાય છે તેઓ ગયા શનિવારે સાંજે એકસાથે ગુમ થઈ જતાં આસપાસના વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો.

આ બાબતે માહિતી આપતા રેલવે એસ.પી. ડૉ. કુમાર આશિષે જણાવ્યું હતું કે મંગળવારે મુઝફ્ફરપુર રેલવે સ્ટેશન બહારના ટેક્સી સ્ટેન્ડ પાસે એક છોકરી બેસીને રડી રહી હતી. ટેક્સી ડ્રાઈવરોએ આ અંગે ગવર્નમેન્ટ રેલવે પોલીસ (જીઆરપી)ને જાણ કરતાં જવાનોએ આ બાળકીને શાંત પાડી પ્રાથમિક પૂછપરછ કરી હતી.

બાળકીએ પોલીસને જણાવ્યું હતું કે તેની સાથે અન્ય ચાર બાળકો હતાં અને એ બધા છપરાની ટ્રેનમાં બેસી ગયાં, પરંતુ તે તેનાથી વિખૂટી પડી ગઈ હતી. પોલીસે આ બાળકીની પ્રેમપૂર્વક પૂછપરછ કરી ત્યારે એવું જાણવા મળ્યું હતું કે આ બાળકો ઘરેથી માતા-પિતાને જાણ કર્યા વિના જ ફરવા નીકળી પડ્યા હતા. પોલીસે તેના વાલીનો નંબર મેળવી સંપર્ક કરતાં વધુ વિગતો મળી હતી.

ડૉ. કુમાર આશિષે વધુમાં જણાવ્યું હતું કે આ પાંચે બાળકો કહ્યા વગર કચ્છથી અહીં આવ્યાં છે એવી માહિતી મળતાં ગુજરાત પોલીસનો સંપર્ક કર્યો હતો. બાળકોએ પોલીસને જણાવ્યું હતું કે, તેમને દેશની રાજધાની દિલ્હી ફરવા જવું હતું. પરંતુ માતા-પિતાએ ના પાડતાં કોઈને જાણ કર્યા વગર શનિવારે સાંજે પાંચે બાળકો ઘરેથી થોડા પૈસા લઇ નીકળી ગયા હતા. કપાયાથી તેઓ ભુજ પહોંચ્યા હતા. જ્યાંથી ટ્રેનમાં બેસીને તેઓ ગાંધીધામ ગયા હતા. ગાંધીધામથી બસમાં બેસી તેઓ અમદાવાદ ગયાં હતાં. પાસે રહેલાં ખૂટી જતા એક બાળકે તેણે પોતાની સોનાની ચેઈન અમદવાદમાં ૩૭૦૦ રૂપિયામાં વેચી દીધી હતી. ચેઇન મેળવેલા રૂપિયા ખર્ચી તેઓ જયપુર અને જયપુરથી આખરે ટ્રેન પકડીને બધા દિલ્હી પહોંચ્યાં હતાં.

દિલ્હીમાં હરી ફરી લીધા બાદ પાછા ક્યાં જવું એની મૂંઝવણ સતાવી રહી હતી. ભાગી ગયેલાં એક બાળકમાંથી એક બાળકના મામા બિહારના છપરાના મકેરમાં કામ કરતો હોઈ પાંચે જણે છેલ્લે બિહાર જવાનું નક્કી કર્યું હતું. દિલ્હીથી તેઓ બિહાર સંપર્ક ક્રાતિ એક્સપ્રેસમાં બેસી મુઝફ્ફરપુર રેલવે સ્ટેશને આવ્યાં હતાં. અહીંથી તેમણે છપરાની ટ્રેન પકડી હતી પરંતુ તેમની સાથે રહેલી એક બાળકી વિખૂટી પડી જતાં ટ્રેન ચૂકી ગઈ હતી. મકેરમાં જે શખ્સના ઘરેથી આ બાળકોનો પત્તો મેળવ્યો તે શખસની પણ રેલવે પોલીસ પૂછપરછ કરી રહી છે. મુંદ્રા પોલીસે લાપતા બાળકોને શોધવા અમદાવાદ, દિલ્હી, ઉત્તર પ્રદેશ સહિતનાં સ્થળોએ ખૂબ શોધખોળ કરી હતી. મુઝફ્ફરપુર પહોંચેલી મુંદ્રા પોલીસને રેલવે પોલીસે પાંચ બાળકો સહી-સલામત સોંપી દીધા હતા અને આ બાળકોને લઈ પોલીસ ત્યાંથી મુંદ્રા પાછા આવવા રવાના થઈ ગઈ હોવાની માહિતી સામે આવી રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button