2 થી વધુ બાળકો ધરાવતા માતા-પિતાને નહીં મળે સરકારી નોકરી, સુપ્રીમ કોર્ટે આપી મંજૂરી
હવે રાજસ્થાનમાં પંચાયતની ચૂંટણી લડતા ઉમેદવારો તેમજ સરકારી નોકરીઓ માટે ‘બે બાળકો’ નીતિ ફરજિયાત કરવામાં આવી છે. તેની મંજૂરી પણ સુપ્રીમ કોર્ટમાંથી મળી ગઈ છે.
બેથી વધુ બાળકો ધરાવતા ઉમેદવારો માટે આ આંચકા સમાન છે જેઓ સરકારી નોકરી શોધી રહ્યા છે. લગભગ 21 વર્ષ પહેલા સુપ્રીમ કોર્ટે પંચાયત ચૂંટણી માટે આ નીતિને ફરજિયાત બનાવી હતી.
જસ્ટિસ સૂર્યકાંત, દીપાંકર દત્તા અને કેવી વિશ્વનાથનની બેન્ચે ભૂતપૂર્વ સૈનિક રામ લાલ જાટ દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલને ફગાવી દીધી હતી. તેઓ 2017 માં સેવામાંથી નિવૃત્ત થયા હતા અને 25 મે 2018 ના રોજ રાજસ્થાન પોલીસમાં કોન્સ્ટેબલની પોસ્ટ માટે અરજી કરી હતી.
રાજસ્થાન પોલીસ સબઓર્ડિનેટ સર્વિસીસ રૂલ્સ, 1989ના નિયમ 24(4) હેઠળ તેમની ઉમેદવારી નકારી કાઢવામાં આવી હતી. રાજસ્થાન વિવિધ સેવાઓ (સુધારા) નિયમો, 2001 હેઠળ જોગવાઈ છે કે જો ઉમેદવારને 1 જૂન, 2002 ના રોજ અથવા તે પછી બે કરતાં વધુ બાળકો હોય, તો તે સરકારી નોકરી માટે પાત્ર રહેશે નહીં. રામ લાલ જાટને બે થી વધુ બાળકો છે. તેણે અગાઉ સરકારના નિર્ણયને રાજસ્થાન હાઈકોર્ટમાં પડકાર્યો હતો. ઓક્ટોબર 2022માં પોતાનો ચુકાદો આપતી વખતે હાઇકોર્ટે આ મામલે હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો હતો.
ન્યાયમૂર્તિ કાંતની આગેવાની હેઠળની બેન્ચે જણાવ્યું હતું કે, “પંચાયતની ચૂંટણી લડવા માટેની લાયકાતની શરત તરીકે સમાન જોગવાઈ રજૂ કરવામાં આવી હતી. જાવેદ અને અન્ય વિરુદ્ધ હરિયાણા રાજ્યના કેસમાં 2003માં આ જ જોગવાઈને સર્વોચ્ચ અદાલતે સમર્થન આપ્યું હતું, જે ઉમેદવારોને બે કરતાં વધુ બાળકો હોય તો સરકારી નોકરી માટે ગેરલાયક ઠેરવે છે. રામ લાલ જાટને બે કરતાં વધુ બાળકો છે. આ જોગવાઈનો હેતુ કુટુંબ નિયોજનને પ્રોત્સાહન આપવાનો હતો.”
બેન્ચે જાટની અપીલને ફગાવી દીધી હતી કે હાઈકોર્ટના નિર્ણયયોગ્ય જ છે અને તેમાં કોઈ દખલગીરીની જરૂર નથી.