સોનામાં રૂ. ૧૪૭નો અને ચાંદીમાં રૂ. ૧૮૬નો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકા ખાતે આજે મોડી સાંજે જાહેર થનારા ફુગાવાના ડેટા પર રોકાણકારોની નજર હોવાથી સાવચેતીના અભિગમ વચ્ચે આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના હાજર ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું, જ્યારે વાયદામાં ધીમો સુધારો જોવા મળ્યો હતો. જોકે, વર્તમાન ફેબ્રુઆરી મહિનામાં અત્યાર સુધીમાં સોનાના ભાવમાં ૧.૨ ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો. તેમ જ ચાંદીના ભાવમાં ૦.૩ ટકા જેટલો સુધારો આવ્યો હતો. આમ વૈશ્ર્વિક મિશ્ર અહેવાલો વચ્ચે સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન બન્ને કિંમતી ધાતુઓમાં ઘટ્યા મથાળેથી છૂટીછવાઈ માગને ટેકે ભાવમાં ધીમો સુધારો આવ્યો હતો, જેમાં સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૪૭ અને ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. ૧૮૬ વધી આવ્યા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન .૯૯૯ ટચ ચાંદીમાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંતઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧૮૬ વધીને રૂ. ૬૯,૫૨૯ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં ઘટ્યા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની ખપપૂરતી માગને ટેકે ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૪૭ વધીને ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૬૨,૦૩૩ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૬૨,૨૮૨ના મથાળે રહ્યા હતા.
અમેરિકી ફેડરલ રિઝર્વે બે ટકા ફુગાવાનો લક્ષ્યાંક રાખ્યો છે અને આ લક્ષ્યાંક હાંસલ થતાં નાણાનીતિ હળવી થવાની શક્યતા બળવત્તર બને છે. આથી રોકાણકારોની નજર આજે મોડી સાંજે જાહેર થનારા અમેરિકાના ફુગાવાના ડેટા પર સ્થિર હોવાથી લંડન ખાતે સત્રના આરંભે સાવચેતીના અભિગમ વચ્ચે હાજરમાં સોનાના ભાવ સાંકડી વધઘટે અથડાઈને ઔંસદીઠ ૨૦૩૬.૪૨ ડૉલર આસપાસ ટકેલા રહ્યા હતા અને વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૧ ટકા વધીને ૨૦૪૫ ડૉલર તથા હાજરમાં ચાંદીના ભાવ ૦.૩ ટકા વધીને ઔંસદીઠ ૨૨.૫૩ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
તાજેતરમાં ફેડરલના અમુક અધિકારીઓએ જણાવ્યું હતું કે લક્ષ્યાંકિત ફુગાવો હાંસલ કરવામાં હજુ થોડો સમય લાગશે, પરંતુ વર્ષના અંત સુધીમાં વ્યાજદરમાં ઘટાડો થવાની શક્યતા નકારી ન શકાય. નોંધનીય બાબત એ છે કે અગાઉ ટ્રેડરો વર્ષ ૨૦૨૪માં ફેડરલ રિઝર્વ પાંચ વખત વ્યાજદરમાં કાપ મૂકે તેવી ધારણા મૂકી રહ્યા હતા, તેની સામે હવે માત્ર ત્રણ વખત ઘટાડાનો અંદાજ મૂકી રહ્યા છે. તે જ પ્રમાણે અગાઉ મે મહિનાથી વ્યાજદરમાં કપાત શરૂ થવાની ધારણા સામે હવે જૂન મહિનાથી કપાત શરૂ થવાની ધારણા મૂકી રહ્યા છે.