ટોપ ન્યૂઝનેશનલ

દિલ્હીમાં BJP કાર્યકરની હત્યા, બંધ દુકાનમાંથી લાશ મળી

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીના નરેલામાં એક મહિલા ભાજપ કાર્યકરની લાશ મળી આવી છે. 28 વર્ષની મહિલા વર્ષા પવાર છેલ્લા ચાર દિવસથી ગુમ હતી અને તેના પિતાએ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવી હતી. મળતી માહિતી મુજબ, યુવતીની હત્યા તેના પ્રેમીએ કરી હતી જેણે બાદમાં આત્મહત્યા પણ કરી લીધી હતી.

વર્ષાનો મૃતદેહ તે જ્યાં કામ કરતી હતી તે ખાનગી શાળાની બંધ દુકાનમાંથી મળી આવ્યો હતો. હાલ નરેલા પોલીસે તપાસ શરૂ કરી છે. ફોરેન્સિક ટીમને પણ ઘટનાસ્થળે બોલાવવામાં આવી છે. મળતી માહિતી મુજબ સ્વતંત્ર નગરથી બાંકનેર જતા માર્ગ પર નરેલામાં આ ખાનગી શાળા આવેલી છે.


વર્ષા આ ખાનગી શાળામાં નોકરી કરતી હતી. વર્ષા 24મી ફેબ્રુઆરીથી ગુમ હતી. વર્ષાના પિતાએ તેના ગુમ થવાની ફરિયાદ પણ નોંધાવી હતી. આ શાળાની અંદર એક સ્ટેશનરીની દુકાન પણ છે જે છેલ્લા 4 દિવસથી બંધ હતી. તેને બહારથી તાળું મારેલું હતું. વર્ષાના પિતાને તે જ દુકાન પર શંકા ગઈ હતી અને બુધવારે બપોરે જ્યારે દુકાનનું તાળું તૂટ્યું હતું ત્યારે અંદરથી વર્ષાની લાશ મળી આવી હતી. વર્ષાનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

મૃતક યુવતી ભાજપની સક્રિય કાર્યકર હતી. તેના ફોટા પણ ભાજપના નેતાઓ સાથે જોઈ શકાય છે. હાલ પોલીસે મૃતક યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને તપાસ શરૂ કરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button