બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપ અને નિકલ સિવાયની અમુક ધાતુમાં નરમાઈ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત અન્ડરટોન રહ્યો હોવાથી લંડન મેટલ એક્સચેન્જ ખાતે આજે કોપર સહિતની ચોક્કસ ધાતુઓના ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હોવાના નિર્દેશો સાથે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ માત્ર નિકલમાં સ્ટોકિસ્ટોની લેવાલીને ટેકે ભાવમાં આવેલા કિલોદીઠ રૂ. ૧૦ના અને વપરાશકાર ઉદ્યોગની માગને ટેકે બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપમાં જોવા મળેલા કિલોદીઠ રૂ. બેના સુધારાને બાદ કરતાં ટીન, ઝિન્ક સ્લેબ, લીડ ઈન્ગોટ્સ, બ્રાસ શીટ કટિંગ્સ અને કોપરની અમુક વેરાઈટીઓમાં સ્ટોકિસ્ટોની વેચવાલી અને નિરસ માગે ભાવમાં કિલોદીઠ રૂ. એકથી ૨૪ સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે અન્ય ધાતુઓમાં ટકેલું વલણ રહ્યું હતું. આજે મુખ્યત્વે ટીન અને ઝિન્ક સ્લેબમાં સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલી અને સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૨૪ ઘટીને રૂ. ૨૩૬૧ અને રૂ. ચાર ઘટીને રૂ. ૨૧૪ના મથાળે રહ્યા હતા. આ સિવાય અન્ય ધાતુઓ જેમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની માગ નિરસ રહેતાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો તેમાં કોપર વાયરબાર અને લીડ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. ત્રણ ઘટીને અનુક્રમે રૂ. ૭૫૨ અને રૂ. ૧૮૦ તથા કોપર કેબલ સ્ક્રેપ, કોપર આર્મિચર અને બ્રાસ શીટ કટિંગ્સના ભાવ કિલોદીઠ રૂ. એક ઘટીને અનુક્રમે રૂ. ૭૨૩, રૂ. ૭૦૭ અને રૂ. ૫૧૩ના મથાળે રહ્યા હતા. જોકે, આજે માત્ર નિકલ અને બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપમાં સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત સાર્વત્રિક સ્તરેથી માગનો ટેકો મળતાં ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૧૦ વધીને રૂ. ૧૪૫૮ અને રૂ. બે વધીને રૂ. ૨૧૪ના મથાળે રહ્યા હતા.