રોકાણકારોની સંપત્તિમાંથી છ લાખ કરોડ રૂપિયાનું ધોવાણ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શેરબજારમાં તીવ્ર ધોવાણ જોવા મળ્યું છે. નિફ્ટીએ ૨૨,૦૦૦ પોઇન્ટથી નીચે સરક્યો છે. જ્યારે સેન્સેક્સ લગભગ ૮૦૦ પોઈન્ટ અથવા એક ટકાના કડાકા સાથે ૭૨,૩૦૦ની નીચી સપાટીએ ગબડી ગયો છે. બીએસઇમાં લિસ્ટેડ ઇક્વિટીઝમાં નોંધાયેલા આ કડાકા સાથે રોકાણકારોની સંપત્તિમાંથી છ લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થઇ ગયું છે.
મુખ્ય બેન્ચમાર્ક સેન્સેકસમાં ૭૯૦ પોઇન્ટનો કડાકો પડતા, બીએસઇનું માર્કેટ કેપિટલ રૂ. ૬,૦૨,૩૩૮.૫૬ કરોડના ધોવાણ સાથે રૂ. ૩,૮૫,૯૭,૨૯૮.૪૯ કરોડ અથવા તો ૪.૭૧ ટ્રિલિયન ડોલરની સપાટીએ પહોંચી ગયું છે.
વ્યાપક બજારમાં વેચવાલી વધુ તીવ્ર રહી હતી, જ્યાં મિડકેપ્સ, સ્મોલકેપ અને માઇક્રોકેપ શેરઆંકોમાં લગભગ બે ટકા જેટલો કડાકો જોવા મળ્યો હતો. બુધવારના સત્રમાં સાર્વત્રિક વેચવાલીનો માહોલ જોવા મળ્યો હતો. બીએસઇ ખાતે કુલ ટ્રેડેડ શેરોમાંથી લગભગ ૬૬૪ શેર વધ્યા હતા અને ૨૬૨૭ શેર નીચી સપાટીએ ગબડ્યા હતા, જ્યારે ૬૫ શેર મૂળ સપાટીએ પાછા ફર્યા હતા.
નિફ્ટીમાં સૌથી વધુ ઘટનારા શેરોમાં પાવર ગ્રીડ કોર્પોરેશન, એપોલો હોસ્પિટલ્સ, આઈશર મોટર્સ, મારુતિ સુઝુકીનો સમાવેશ હતો, જ્યારે સૌથી વધુ વધનારા શેરોમાં હિંદુસ્તાન યુનિલીવર, ઈન્ફોસિસ, ટીસીએસ અને ભારતી એરટેલનો સમાવેશ હતો.
ઓટો, ઓઇલ એન્ડ ગૅસ, પાવર અને રિયલ્ટી પ્રત્યેક બે ટકા જેટલા ઘટાડા સાથે તમામ ક્ષેત્રીય ઇન્ડાઇસિસ રેડ ઝોનમાં ગબડ્યા હતા. બીએસઇ મિડકેપ અને સ્મોલકેપ શેરઆંકોમાં પણ બે ટકા જેવા કડાકા જોવા મળ્યા હતા.
નિષ્ણાતો માને છે કે ટૂંક સમયગાળા સુધી આ ખેલ ચાલુ રહી શકે છે! એશિયાના બજારોના મિશ્ર સંકેત વચ્ચે સેન્ટિમેન્ટ ઢીલું પડતા ભારતીય શેરબજારના સેન્ટિમેન્ટ પર તેની નકારાત્મક અસર જોવા મળી હતી. પ્રારંભિક સત્રમાં જ રિયલ્ટી અને મીડિયા શેરોમાં જોરદાર ધોવાણ જોવા મળ્યું હતું.
સેન્સેક્સ નેગેટિવ અને પોઝિટિવ ઝોનમાં અથડાતો રહ્યો હતો, પરંતુ ઇન્ડેક્સ હેવીવેઇટ શેરોમાં નવેસરની લેવાલીનો ટેકો મળતાં સેન્સેકસ ફરી પોઝિટિવ ઝોનમાં આગળ વધ્યો પરંતુ ટકી ના શક્યો અને રેડ ઝોનમાં સરકી ગયો હતો. ખુલતા સત્રમાં લાર્સન એન્ડ ટુબ્રો અને એશિયન પેઇન્ટ્સમાં સૌથી વધુ ધોવાણ જોવા મળ્યું હતું. જોકે રિયલ્ટી અને હેલ્થકેર સિવાયના મોટા ભાગના સેક્ટર ગ્રીનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. અંતે આખું ચિત્ર બદલાઇ ગયું હતું.