રાંચીઃ ઝારખંડના જામતાડા રેલવે સ્ટેશન નજીક સૌથી મોટો રેલ અકસ્માત સર્જાયો હોવાના સમાચાર છે. જામતાડા અને વિદ્યાસાગર સ્ટેશનની વચ્ચેના કાલાઝરિયા રેલવે સ્ટેશન નજીક એક ટ્રેનની નીચે અનેક લોકો આવી ગયાના અહેવાલ છે, જેમાં ડઝનથી વધુ લોકો ટ્રેનની ચપેટમાં આવી ગયા હતા. હાલમાં ચારનાં મૃતદેહ મળ્યા છે, પરંતુ રેલવે પ્રશાસન દ્વારા બચાવ કામગીરી ચાલુ છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
મળતી માહિતી અનુસાર ડાઉન લાઈનમાં બેંગલુરુ-યશવંતપુર એક્સપ્રેસ પસાર થઈ રહી ત્યારે આ અકસ્માત થયો હતો. એ વખતે રેલવે લાઈન નજીક ધૂળની ડમરી ઉડી રહી ત્યારે ડ્રાઈવરે એ ડસ્ટને જોઈને આગ લાગી હોવાનું જણાયું હતું. એને કારણે ટ્રેનને રોકી અને પ્રવાસીઓ પણ ઉતરી ગયા હતા, તેને કારણે અપ લાઈનમાં આવી રહેલી ઈએમયુ ટ્રેનની ટક્કરનો ભોગ ડઝનથી વધુ લોકો બન્યા હતા, જેમાં અમુક લોકોને ઈજા પહોંચી છે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
બીજા એક રેલવે અધિકારીએ કહ્યું હતું કે વિદ્યાસાગર કાસિતારની વચ્ચે પસાર થનારી ટ્રેન (12254) ઈઆરના આસનસોલ ડિવિઝનમાં સાત વાગ્યાના સુમારે રોકી હતી, ત્યારે બે લોકો ટ્રેક પર ચાલી રહ્યા હતા ત્યારે સામેથી અપ લાઈનની મેમૂ ટ્રેનની ટક્કર વાગી હતી. મૃતક પ્રવાસી નહોતા, પરંતુ ટ્રેક પર ચાલી રહ્યા હોવાથી અકસ્માતનો ભોગ બન્યા છે. આ કેસમાં તપાસ સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે.
દરમિયાન આસનસોલના ડીઆરએમે કહ્યું હતું કે ડાઉન લાઈન અંગ એક્સપ્રેસ આવી રહી ત્યારે ધૂળ ઉડી તી અને એની સાથે ચેન પુલિંગ કરવામાં આવ્યું હતું, તેથી અમુક પ્રવાસી નીચે ઊતર્યા હતા. થોડા સમય પછી અપ લાઈનમાં ઈએમયુ ટ્રેન આવી અને અગાઉની ટ્રેનથી લગભગ 500 મીટર આગળ અકસ્માત થયો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.
જામતાડામાં કાલાઝરિયા રેલવે સ્ટેશન પર એક ટ્રેનની ટક્કર વાગી હતી, જેમાં અમુક લોકોના મોત થયા છે. આ અકસ્માત પછી બચાવ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરી છે. અકસ્માતના સ્થળે મેડિકલ ટીમ અને એબ્યુલન્સની ટીમ મારફત ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી પાર પાડવામાં આવી હતી, એમ જામતાડાના ડેપ્યુટી કમિશનરે જણાવ્યું હતું.