આમચી મુંબઈ

સાંતાક્રુઝમાં પોલીસ સબ-ઇન્સ્પેક્ટરે બિલ્ડિંગની ટેરેસ પર ગળાફાંસો ખાધો

થાણેમાં મહિલા કોન્સ્ટેબલના યુવાન પુત્રની આત્મહત્યા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈના સાંતાક્રુઝ અને થાણેમાં મંગળવારે આત્મહત્યાની બે ઘટના પોલીસ ચોપડે નોંધાઇ હતી, જેમાં સાંતાક્રુઝમાં પોલીસ સબ-ઇન્સ્પેક્ટરે બિલ્ડિંગની ટેરેસ પર ગળાફાંસો ખાઇ જીવનનો અંત આણ્યો હતો, જ્યારે થાણેની મ્હાડા કોલોનીમાં મહિલા કોન્સ્ટેબલના યુવાન પુત્રે પોતાના ઘરે આત્મહત્યા કરી હતી.

સાંતાક્રુઝ વિસ્તારમાં ન્યૂ પોલીસ કોલોનીમાં બિલ્ડિંગ નંબર ટી-ફાઇવમાં રહેનારા પોલીસ સબ-ઇન્સ્પેક્ટરે પ્રહ્લાદ મધુકર બનસોડે (42)એ મંગળવારે સાંજે બિલ્ડિંગની ટેરેસ પર જઇ ગળાફાંસો ખાધો હતો. બનાવની જાણ થતાં વાકોલા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને બનસોડને તાત્કાલિક વી.એન. દેસાઇ હોસ્પિટલમાં લઇ જવાયો હતો, જ્યાં ફરજ પર હાજર તબીબોએ તપાસી તેને મૃત જાહેર કર્યો હતો.

બનસોડેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા બાદ વાકોલા પોલીસે એડીઆર દાખલ કર્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ બનસોડેને કેટલાક દિવસ અગાઉ પ્રમોશન અપાયું હતું અને તેની જળગાંવથી મુંબઈ બદલી કરાઇ હતી. આને કારણે તે અમુક દિવસથી ડિપ્રેશનમાં હતો. બનસોડેની નિયુક્તિ બીડીએસ કલિના ખાતે થઇ હતી.

દરમિયાન થાણેના વસંત વિહાર ખાતે આવેલી મ્હાડા કોલોનીમાં રહેનારા 24 વર્ષના બી. ફાર્મના સ્ટુડન્ટે મંગળવારે સાંજના ઘરમાં પંખા સાથે ગળાફાંસો ખાધો હતો. તે મહિલા કોન્સ્ટેબલનો પુત્ર હતો, જે થાણે પોલીસ કમિશનરેટમાં કાર્યરત છે.

પોલીસના જણાવ્યા અનુસાર મંગળવારે સાંજના તે ઘરમાં એકલો હતો ત્યારે તેણે આત્મહત્યા કરી હતી. પરિવારજનો રાતે આઠ વાગ્યે ઘરે પહોંચ્યા બાદ તે ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. ચિતલસર પોલીસે ઘટનાસ્થળે પહોંચીને પંચનામું કર્યું હતું. ‘અમે મૃતકનો મોબાઇલ હજી તપાસ્યો નથી. આ પ્રકરણે તપાસ ચાલી રહી હોઇ તેણે કરેલી આત્મહત્યા પાછળનું કારણ જાણી શકાયું નથી,’એમ અધિકારીએ કહ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button