સોનામાં રૂ. ૨૦નો ઘસરકો, ચાંદીમાં રૂ. ૪૬૬ની પીછેહઠ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:વૈશ્ર્વિક બજારમાં આજે અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં ઘટાડાતરફી વલણ રહ્યું હતું, પરંતુ તેની સામે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત અન્ડરટોન રહેતાં લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવમાં ટકેલું વલણ અને વાયદામાં ઘટાડો આવ્યો હતો. જોકે, ચાંદીના ભાવમાં વધુ ૦.૧ ટકા જેટલો ઘટાડો આવ્યો હતો. આમ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્યસત્ર દરમિયાન ચાંદીમાં સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલીનું દબાણ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૪૬૬ ઘટી આવ્યા હતા. તેમ જ સોનામાં પાંખાં કામકાજો વચ્ચે ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૦નો સાધારણ ઘસરકો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીનું દબાણ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની લેવાલી ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૪૬૬ના ઘટાડા સાથે રૂ. ૬૯,૪૩૬ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે મધ્યસત્ર દરમિયાન સોનામાં પણ સ્ટોકિસ્ટો, રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો તેમ જ રિટેલ સ્તરની માગ પણ અત્યંત પાંખા રહેતાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૦ના સાધારણ ઘસરકા સાથે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૬૨,૦૦૨ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૬૨,૨૫૧ના મથાળે રહ્યા હતા.
આજે વિશ્ર્વ બજારમાં અમેરિકી ૧૦ વર્ષીય ટ્રેઝરીની યિલ્ડ ગઈકાલના ૪.૩૧૫૦ ટકા સામે ઘટીને ૪.૨૮૫૫ ટકાની સપાટીએ રહી હતી, પરંતુ ડૉલર ઈન્ડેક્સમાં ૦.૨ ટકાનો સુધારો આવ્યો હોવાથી લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ સાંકડી વધઘટે અથડાઈને ઔંસદીઠ ૨૦૩૦.૧૨ ડૉલર આસપાસ ટકેલા રહ્યા હતા અને વાયદામાં ભાવ ૦.૨ ટકા ઘટીને ૨૦૩૯.૪૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ૦.૧ ટકા ઘટીને ઔંસદીઠ ૨૨.૪૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
આજે મોડી સાંજે જાહેર થનારા અમેરિકાના પ્રાઈસ ક્ધઝ્યુમર ઈન્ડેક્સ અને જીડીપીના ડેટાની બજાર પર અસર થવાની શક્યતા વ્યક્ત કરતાં એસીવાય સિક્યોરિટીઝનાં વિશ્લેષક લ્યુકા સેન્ટોસે જણાવતાં ઉમેર્યું હતું કે ગઈકાલે જાન્યુઆરી મહિનાના અમેરિકાના ડ્યુરેબલ ગૂડ્સ ઓર્ડરમાં ચાર વર્ષનો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો હતો અને ફેબ્રુઆરી મહિનામાં અમેરિકી ક્ધઝ્યુમર કૉન્ફિડૅન્સ ઈન્ડેક્સમાં પણ ઘટાડો થયો હતો. હવે રોકાણકારોની નજર અમેરિકાના ચોથા ત્રિમાસિકગાળાના જીડીપીના ડેટાની જાહેરાત પર છે. જોકે, આગામી ટૂંકા સમયગાળા દરમિયાન સોનાના વૈશ્ર્વિક ભાવ ઔંસદીઠ ૨૦૨૦થી ૨૦૫૦ ડૉલર આસપાસની રેન્જમાં અથડાતા રહે તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી હતી.