નેશનલ

દિલ્હી સરકારને મોટો ઝટકો, એલજીએ સોલર પોલિસી પર પ્રતિબંધ મૂક્યો

નવી દિલ્હીઃ દિલ્હી સરકાર અને લેફ્ટનન્ટ ગવર્નર બીકે સક્સેના વચ્ચેનો સંઘર્ષ અટકતો જણાતો નથી. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ LGએ દિલ્હી સરકારની સોલર પોલિસી પર રોક લગાવી દીધી છે. સીએમ કેજરીવાલે થોડા દિવસો પહેલા પ્રેસ કોન્ફરન્સમાં સોલર પોલિસીની જાહેરાત કરી હતી. કેજરીવાલ સરકારનો દાવો છે કે આ સોલાર પોલિસીના અમલથી દિલ્હીમાં વીજળીનું બિલ લગભગ શૂન્ય થઈ જશે. પરંતુ એલજીએ આ પોલિસી પર પ્રતિબંધ મૂકી દીધો છે.

કેજરીવાલ સરકારે જાન્યુઆરીમાં એક પ્રેસ કોન્ફરન્સમાં નવી સોલર પોલિસી લાગુ કરવાની જાહેરાત કરી હતી. આ અંતર્ગત બધા લોકોને તેમના ઘરની છત પર સોલાર પેનલ લગાવવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા અને જે લોકો પોતાના ઘરની છત પર સોલાર પેનલ લગાવે તેમને મફત વીજળી આપવાની તૈયારી હતી. સોલાર પેનલ લગાવવા માટે કેજરીવાલ સરકાર સબસિડી પણ આપવાની હતી.


હાલમાં દિલ્હીમાં 200 યુનિટ સુધીની વીજળી મફત છે. 400 યુનિટ સુધી વીજળીનો વપરાશ કરનારાઓ પાસેથી અડધો વીજ બિલ વસૂલવામાં આવે છે અને જેઓ 400 યુનિટથી વધુ વીજળીનો વપરાશ કરે છે તેમના પાસેથી સંપૂર્ણ વીજળીનું બિલ વસૂલવામાં આવે છે. કેજરીવાલ સરકાર દ્વારા તેમની દિલ્હી સોલર પોલિસીને લઇને ઘણા મોટા મોટા દાવા કરવામાં આવ્યા હતા. સૌથી મોટો દાવો તો એવો કરવામાં આવ્યો હતો કે આ યોજના અંતર્ગત ગરીબ અને અમીર બધાના જ વીજળીના બિલ શૂન્ય થઇ જશે અને કમર્શિયલ વપરાશ માટેનું વીજળીનું બિલ પણ અડધું થઇ જશે. આ ઉપરાંત લોકોને પોતાની સૌર ઉર્જા વેચીને કમાણી કરવાનો મોકો પણ મળશે. સોલાર પેનલ લગાવ્યા બાદ ગ્રાહકોને 25 વર્ષ સુધી મફત વીજળી મળશે. સોલાર પેનલ લગાવવા માટે લાગતો ખર્ચ પણ ચાર વર્ષમાં વસૂલ થઇ જશે.


જોકે, હવે એલજી વિનય કુમાર સક્સેનાએ દિલ્હી સરકારની સોલર પોલિસી પર પ્રતિબંધ મૂકી દેતા આગામી દિવસોમાં દિલ્હી સરકાર અને લેફ્ટનન્ટ ગવર્નર વચ્ચેનો સંઘર્ષ વધુ ઘેરો બનશે એ નક્કી જ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button