લોકસભાની ચૂંટણીમાં બોલિવૂડ કલાકારો પણ ઝુકાવશે
અક્ષયકુમાર ચાંદની ચૌકથી તો કંગના રનૌત રાયબરેલીથી ભાજપના ઉમેદવાર બનશે
નવી દિલ્હી : દરેક લોકો લોકસભા ચૂંટણીની જાહેરાતની રાહ જોઈ રહ્યા છે. તે પહેલા રાજકીય પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે અને કયા મત વિસ્તારમાંથી કોને ઉમેદવારી આપવી તે અંગે મંથન ચાલી રહ્યું છે. આ દરમિયાન દેશની રાજધાની નવી દિલ્હીની 7 લોકસભા સીટો પરથી એક મોટું અપડેટ સામે આવી રહ્યું છે. દિલ્હીની 7 સીટો પર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડવાની છે. તેવી જ રીતે સત્તાધારી ભાજપમાં પણ કોને ઉમેદવારી આપવી તે અંગે ચર્ચા ચાલી રહી છે.
સિનેસ્ટાર અક્ષય કુમાર દિલ્હીના ચાંદની ચોક મતદારક્ષેત્રથી ઉમેદવારી કરે તેવી શક્યતા છે. ભાજપ દિલ્હીની 7માંથી 5 બેઠકો પર નવા ઉમેદવારો ઉભા રાખશે તેવું સમજાય છે. તેમાં બે મહિલાઓનો સમાવેશ થઈ શકે છે, જ્યારે એક કેન્દ્રીય પ્રધાન નોમિનેશન મેળવી શકે છે.
ચાંદની ચોક મતવિસ્તાર માટે અભિનેતા અક્ષય કુમારના નામની ચર્ચા થઈ રહી છે. પાર્ટીના કેટલાક નેતાઓ અક્ષયના સંપર્કમાં છે, પરંતુ હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. અક્ષય કુમારને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નજીકના માનવામાં આવે છે. છેલ્લી વખત તેમણે 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન મોદીનો ઈન્ટરવ્યુ લીધો હતો.
આ મુલાકાતની પણ ખૂબ ચર્ચા થઈ હતી. અક્ષય કુમારની સાથે અન્ય બે નામોની પણ ચર્ચા થઈ રહી છે. જેમાં પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગ અને અભિનેત્રી કંગના રનૌતનો સમાવેશ થાય છે. એમ જાણવા મળ્યું છે કે જો કૉંગ્રેસ યુપીની રાયબરેલી બેઠક પરથી પ્રિયંકા ગાંધીને લોકસભાની ચૂંટણીમાં ઊભા રાખશે તો તેમની સામે ભાજપના ઉમેદવાર તરીકે બોલિવૂડ અભિનેત્રી કગના રનૌતને ઊભી રાખવામાં આવશે.