હવે દુબઇ બાંદ્રા કરતાં સસ્તું! ભારતીયો માટે દુબઈમાં રોકાણની શ્રેષ્ઠ તક
મુંબઈ: ડેન્યુબ ગ્રૂપ દ્વારા મુંબઇમાં ચેનલ-પાર્ટનર માટે બેઠક યોજવામાં આવી હતી. એ દરમિયાન યુએઇના ટોચના રિયલ એસ્ટેટ ગ્રૂપ ડેન્યુબ પ્રોપર્ટીઝના ફાઉન્ડર અને ચેરમેન રિઝવાન સાજને પોતાની વન પર્સન્ટ સ્કીમ વિશે સમજાવતા ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે આ સમય ભારતીયો માટે દુબઇમાં પ્રોપર્ટીમાં રોકાણ કરવા માટે શ્રેષ્ઠ સમય છે.
દુબઇમાં ઇન્વેસ્ટ કરીને ઘર ખરીદવા ઉપરાંત ખરીદેલા ઘર ભાડા ઉપર આપી કઇ રીતે ચોક્કસ આવક ઊભી કરી શકાય એ વિષય ઉપર પણ રિઝવાન સાજને પ્રકાશ પાડ્યો હતો. જગતભરમાં વિખ્યાત એવી વન પર્સન્ટ સ્કીમ વિશે તેમણે વિસ્તારપૂર્વક સમજ આપી ભારતીયો માટે કઇ રીતે દુબઇમાં પ્રોપર્ટી ખરીદવું ફાયદેમંદ થઇ શકે તે જણાવ્યું હતું. વર્ષ ૨૦૨૩માં ભારતીયો દુબઇમાં પ્રોપર્ટીમાં રોકાણની બાબતે હવે રશિયાના લોકો કરતાં પણ આગળ વધી ગયા હોવાનું હાલમાં જ બહાર પાડવામાં આવેલા આંકડાઓ ઉપરથી જણાયું હતું.
તેમાં પણ વન પર્સન્ટ સ્કિમના કારણે ભારતીયો માટે ઉત્તમ તક ઉપલબ્ધ થઇ છે. દર મહિને પ્રોપર્ટીની કુલ રકમના ફક્ત એક ટકા રકમ ચુકવીને ભારતીયો હવે દુબઇમાં પોતાનું ઘર ખરીદી શકશે. બિલ્ડિંગ બનીને તૈયાર થઇ જાય ત્યારબાદ બાકીની રકમ ચુકવવાની સુવિધા ડેન્યુબ પ્રોપર્ટીસમાં રોકાણ કરનારાઓ માટે ઉપલબ્ધ છે.
એક સમયે મુંબઈના ઘાટકોપરના સ્લમમાં રહેનારા રિઝવાનભાઇની કંપની ડેન્યુબ આજે ગલ્ફ કો-ઓપરેશન કાઉન્સિલ(જીસીસી)ની સૌથી મોટી કંપની બની ગઇ છે. તેમાં પણ તેમની વન-પર્સન્ટ સ્કીમ જેમાં દર મહિને તમે ખરીદેલા ઘરની કુલ રકમના ફક્ત એક ટકા રકમ ભરીને ઘર-માલિક બનવાની સ્કીમના કારણે તે મિડલ-ઇસ્ટમાં અને ભારતમાં જાણીતા બન્યા છે. ખાસ કરીને નોકરિયાત વર્ગ, મિડલ ક્લાસ વર્ગને આ સ્કીમનો ભરપૂર ફાયદો થયો. ભારતમાં પણ એવા ઘણા લોકો છે જે ઘરનું ઘર ખરીદવા માટે પ્રયત્નો કરી રહ્યા છે અને નોકરિયાત વર્ગ માટે સૌથી મોટી સમસ્યા ડાઉન પેમેન્ટ અને લોન હોય છે અને તેમાં પણ લોન ઉપર લાગતું વ્યાજ તેમના માથાનો દુ:ખાવો બનતું હોય છે. જોકે, નજીકના ભવિષ્યમાં ભારતના રિયલ એસ્ટેટ-પ્રોપર્ટી માર્કેટમાં ડેન્યુબ પ્રવેશ કરશે અને આવી જ યોજના અમલમાં લાવશે, તેવું આશ્ર્વાસન રિઝવાનભાઇ સાજને આપ્યું છે.
આ ઉપરાંત દુબઇમાં રોકાણ કરવા માટે ભારતીયોને પ્રોત્સાહન આપતા તેમણે કહ્યું હતું કે આજે બાંદ્રા જેવા વિસ્તારમાં પ્રોપર્ટીમાં જે ભાવો ચાલી રહ્યા છે, તેનાંથી એક તૃત્યાંશ અથવા અડધી કિંમતમાં તમે દુબઇમાં ડેન્યુબના પ્રોજેક્ટ્સમાં પોતાનું ઘર ખરીદી શકો છો.