ઈન્ટરવલ

વિદ્યાર્થીની તેજસ્વિતા ને પરીક્ષાનામાપદંડને શું લાગે-વળગે…?

વિદ્યાર્થીને પરીક્ષાનો ડર નથી હોતો..એને ડર હોય છે પરીક્ષામાં નાપાસ થવાનો. !

મગજ મંથન -વિઠ્ઠલ વઘાસિયા

પરીક્ષાનો કરતાં વધુ ભય હોય છે એમાં નાપાસ થવાનો.આ નિષ્ફળતાનો ડર વિદ્યાર્થીનો પીછો છોડતો નથી. પરીક્ષામાં સફળતા મળવી જોઈએ અને મેળવવાની જ છે એવી ગાંઠ ઘણા વિદ્યાર્થી પોતાનાં મગજમાં અગોતરી બાંધી લે છે. આપણું પરિણામ પરીક્ષા પહેલા જ નક્કી કરી લઈએ ત્યારે એ જ પરિણામ આપણને શિક્ષણથી દૂર લઈ જાય છે.

પરીક્ષા જિંદગી જીવવા માટેની પૂર્વ શરત નથી.જે માણસે જિંદગીમાં ક્યારેય કોઈ પરીક્ષા નથી આપી અથવા જે માણસ ક્યારેય નિશાળે ગયો જ નથી તેમ છતાં એ માણસ કોઈ પણ જાતના સંકોચ કે શરમ વિના વટથી પોતાનું જીવન પસાર કરી શકે છે.પોતાની જિંદગીને માણી શકે છે ને જોઈતી સિદ્ધિ સુધ્ધાં મેળવી શકે છે !

પરીક્ષામાં પાસ થવું એ જિંદગી જીવવા માટેનું એક માત્ર કારણ ક્યારેય ન હોઈ શકે.એવી જ રીતે પરીક્ષામાં પાસ થઈએ તો જ જિંદગી જીવાય એવી પૂર્વ શરત પણ ક્યારેય ન હોવી જોઈએ માટે પરીક્ષામાં પાસ થવા માટે જ જીવવું કે પરીક્ષામાં પાસ થઈએ તો જ જીવવું એ બન્ને સમજણ ભૂલભરેલી અને સદંતર ખોટી છે.

શિક્ષણ ક્યારેય કોઈ વિદ્યાર્થીનો જીવ લઈ જ ન શકે.મૃત્યુનું કારણ બીજું કોઈ પણ હોય પણ શિક્ષણ તો ન જ હોઈ શકે.પરીક્ષા જેવી ઘટના શિક્ષણ સાથે જોડાયેલી હોવા છતાં પણ પરીક્ષા ડરાવે તો એનો અર્થ એ થયો કે આપણે પરીક્ષાને હજુ બરાબર સમજ્યા નથી.

વિદ્યાર્થીને સતાવતો આ પરીક્ષાનો ડર વાસ્તવમાં તો વિદ્યાર્થીના માતા-પિતા,વાલી કે શિક્ષણ સંલગ્ન લોકો એ જ ઊભો કર્યો છે એવું કહીએ તો વધુ પડતું નથી એટલા માટે કે શિક્ષણ અને પરીક્ષા એ કોઈ નવી વસ્તુ નથી.વરસોથી ચાલતી આવતી પ્રક્રિયા છે.પરીક્ષાઓ તો વરસોથી લેવાય છે તેમ છતાં ભૂતકાળમાં કોઈ પણ વિદ્યાર્થીને પરીક્ષાનો ડર આટલો બધો સતાવતો નહોતો.પરીક્ષાના ભયથી કોઈ વિદ્યાર્થી ડિપ્રેશનમાં આવતો નહોતો.પરીક્ષાનાં પરિણામો નબળાં આવે તો પણ કોઈ વિદ્યાર્થીઓ આપઘાત કરતા નહોતા.

યાદ કરો એ સમય કે જ્યારે શિક્ષણની સુવિધા અને વ્યવસ્થા આટલી બધી વિકસિત પણ નહોતી.દરરોજ બે વિષયની પરીક્ષા લેવામાં આવતી હતી.વિદ્યાર્થીને દરરોજ છ કલાક સતત લખવાનું અને એ પછી બીજા દિવસે બીજા બે વિષયની પરીક્ષા આપવાની થાય.બે દિવસ વચ્ચે કોઈ રજા કે બ્રેકની વ્યવસ્થા નહોતી.લગભગ ચારે’ક દિવસમાં પરીક્ષા આટોપાઈ જતી. વળી,પરીક્ષા આપવા માટેના પરીક્ષા કેન્દ્ર પણ વિદ્યાર્થીના ઘરથી ઘણા દૂરના અંતરે પણ હોય…સમજો કે મોટે ભાગે જિલ્લા દીઠ એક જ પરીક્ષા કેન્દ્ર રહેતું.તેમ છતાં એ સમયના બધા જ વિદ્યાર્થી પરીક્ષાઓ આપી છે.સફળ થયા છે અને કારકિર્દી પણ બનાવી છે.આવા વાતાવરણ વચ્ચે એ સમયના વિદ્યાર્થીઓએ પ્રેસરમાં રહ્યા વગર સહજ રીતે પરીક્ષા આપી છે તો પછી અત્યારના વિદ્યાર્થીઓમાં આ ભય ઊભો થયો ક્યાંથી?
આ વાત એ આત્મખોજ કરવા જેવી છે. વર્તમાનમાં પરીક્ષાની આખે આખી સિસ્ટમ જ બદલાઈ ગઈ છે.વિદ્યાર્થી ખૂબ જ હળવાશથી પરીક્ષા આપી શકે તેવું સરળ માળખું ગોઠવવામાં આવ્યું છે.એટલું જ નહીં, કોઈ વિદ્યાર્થી એક કે બે વિષયમાં નાપાસ થાય તો એમને પૂરક પરીક્ષા આપવાની તક પણ મળે છે.ઉત્તરવહી ચકાસણીમાં પણ પરીક્ષક ખૂબ જ ઉદાર રીતે મૂલ્યાંકન કરે તેવી સૂચના પણ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં જ આપવામાં આવેલી છે.

પરીક્ષાઓ જેમ જેમ નજીક આવતી જશે તેમ તેમ વિદ્યાર્થીઓને સલાહ આપવાનો ધોધ વરસશે. માતા- પિતા અને સગા- સંબંધીઓનાં સલાહ- સૂચન તો સતત
ચાલુ જ હોય છે તેમ છતાં,ચારે બાજુ મોટિવેશનલ સ્પિકર અને કાઉન્સેલિંગ કરનારાઓનો રાફડો ફાટી નીકળશે.જ્ઞાતિ મંડળો- સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ- શાળા કોલેજના સંચાલકો વગેરે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવાના કાર્યક્રમોનું આયોજન કરતા થઈ જશે. શિક્ષણ અધિકારીની
કચેરી દ્વારા કાઉન્સેલિંગ માટે સંપર્ક નંબર જાહેર કરવામાં આવશે….
આવો સર્જાયેલો માહોલ જોઈને આપણને એવું નથી લાગતું કે વિદ્યાર્થીઓ માટે આ ‘ઓવર ડોઝ’ થઈ રહ્યો છે ?! વિદ્યાર્થીના અભ્યાસકાળ દરમિયાન વર્ષ પર્યંત વર્ગખંડમાં શિક્ષક દ્વારા,આચાર્ય દ્વારા કે અન્ય તજજ્ઞ મુલાકાતીઓ દ્વારા વિદ્યાર્થીઓને વખતો વખત સંબોધવામાં આવે ત્યારે હંમેશાં એમને આપવામાં આવતી સલાહ પરીક્ષા અને પરિણામલક્ષી જ હોય છે. આમ છતાં કોણ જાણે કેમ પરીક્ષા નજીક આવે ત્યારે તો આ સલાહ – સૂચનાઓ બેવડી ઝ્ઝપે વધવા માંડે છે..

આવી સ્થિતિ -પરિસ્થિતિમાં મારું તો સ્પષ્ટ માનવું છે કે પરીક્ષા નજીક આવે ત્યારે વિદ્યાર્થી પર આવી સલાહ -સૂચનોનો ત્રાસ ઘટાડીએ વિદ્યાર્થીને સ્વસ્થ મને પરીક્ષા આપવાની મોકળાશ કરી આપીએ.

આજની પરીક્ષા પદ્ધતિમાં કમ્પેરિઝન વધુ અને કોમ્પિટિશન એટલે કે સરખામણી વધુ ને સ્પર્ધા ઓછી જોવા મળે છે.મોટાભાગનાં મા- બાપ અને વાલીમાં પોતાનાં બે બાળક કે પછી બે વિદ્યાર્થી વચ્ચે કાયમને માટે સરખામણી જ કરતા રહેવાની માનસિકતા રહી છે.વિશ્ર્વની આઠ અબજ જેટલી વસતિમાં કોઈ પણ બે વ્યક્તિના ફિંગર પ્રિન્ટ પણ એક સરખા જોવા નથી મળતી તો પછી બે વ્યક્તિ- બે વિદ્યાર્થી કે બે બાળક એક સરખા કઈ રીતે હોઈ શકે બે બાળકોની પ્રગતિ એકસરખી કઈ રીતે હોઈ શકે ?

કોઈ વિદ્યાર્થી ગણિતના દાખલા સમજવામાં કે વિજ્ઞાનનાં સૂત્રો પાકા કરવામાં નબળું છે,જયારે રમતનાં મેદાનમાં ગેમ્સમાં એ અવ્વલ નંબર મેળવે છે તો વળી,કોઈ વિદ્યાર્થી રમતનાં મેદાનમાં નિષ્ફળ નીવડે,પણ એ ગણિત- વિજ્ઞાન જેવા અટપટા વિષયમાં અવ્વલ પણ ઠરે..!.આવું તો બનતું રહેવાનું છે.

ક્યારેય પણ બાળકની સરખામણી કરીને એની તેજસ્વિતા માપવાની ભૂલ ન કરીએ. વિદ્યાર્થીની તેજસ્વિતાનું માપદંડ પરીક્ષા ક્યારેય ન હોઈ શકે.ખિસકોલી પાણીમાં ન તરી શકે અને કાચબો ઝાડ ઉપર ચડી ન શકે,તે આપણે જાણીએ જ છીએ.

એવરેજ સ્ટુડન્ટ પણ અસાધારણ પ્રગતિ કરી શકે છે.ભૂતકાળમાં અસુવિધા અને અગવડની વચ્ચે ભણેલા લોકોએ પણ નામ રોશન કર્યા જ છે. રિયલ વર્લ્ડમાં માર્ક્સના બદલે પરફોર્મન્સનું મહત્ત્વ વધી ગયું છે.આજે માણસનું મૂલ્યાંકન અક્કલ- આવડત ને અનુભવના આધારે કરવામાં આવે છે એ વાત આપણે ક્યારેય ભૂલવી ન જોઈએ.

છેલ્લાં વીસ વર્ષના રેકોર્ડ તપાસો.અવ્વલ નંબર મેળવેલા અને છાપાની અંદર ચમકેલા તેજસ્વી તારલાઓમાંથી વિશ્ર્વ વિખ્યાત બન્યા એવા કેટલા ? એ તેજસ્વી તારલામાંથી અંબાણી -અદાણી કે આઈન્સ્ટાઈનની કક્ષાએ પહોંચ્યા હોય એવા કેટલા ?

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશન(ઈઇજઊ)ના ભૂતપૂર્વ ચેરમેન અશોક ગાંગુલીએ કબૂલ કર્યું છે કે ભારતની ભાવિ પેઢીને વૈશ્ર્વિક સ્પર્ધા સામે ઝીંક ઝીલવા તૈયાર કરવી હોય તો માર્ક્સને બદલે ગ્રેડેશનની સિસ્ટમ જ અમલમાં મૂકવી પડશે.થોડાક માર્ક્સની વધઘટ એ માનવીય ભૂલ છે, પણ એને લીધે અનેક વિદ્યાર્થીઓની આશા- સપનાં કે પ્રતિભા સાથે કાયમી અન્યાય થઈ જાય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત