અજબ ગજબની દુનિયા
હેન્રી શાસ્ત્રી
વડીલોના વાંકે: દાન ધરમની ઉંમરે લૂંટ ધરમ
મહાનતમ સફળતાને વરેલું પ્રભુલાલ દ્વિવેદીનું ‘વડીલોના વાંકે’ સૌપ્રથમ ૧૯૩૮માં ભજવાયું હતું ત્યારબાદ અનેક પરિવારોમાં ભજવાયું. આજની તારીખમાં પણ ભજવાય છે અને ભવિષ્યમાં પણ ભજવાતું રહેશે. ભાંગવાડી થિયેટર અને ઈટલીને કોઈ કનેક્શન નથી, પણ ક્રિસ્ટોફર કોલંબસની ભૂમિ પર એક એવું દિલધડક નાટક ભજવાયું , જેને ‘વડીલોના વાંકે’ની ઉપમા તો જરૂર આપી શકાય. ૬૦ – ૭૦ વર્ષની ઉંમરના સિનિયર સિટિઝનોએ દાન ધરમ કરવાની ઉંમરે લૂંટ ધરમ કરવાનું વિચાર્યું અને અનૈતિક ઈરાદો અમલમાં પણ મૂકી દીધો. ખેતરમાં ખાતર નાખી હળ ચલાવવાને બદલે દેશની રાજધાની રોમની કેટલીક પોસ્ટ ઓફિસોમાં શસ્ત્ર સાથે ખાતર પાડ્યું. ગયા વર્ષે મે મહિનામાં બંદૂકનું નાળચું દેખાડી ૧૯૫૦૦૦ યુરો (આશરે પોણા બે કરોડ રૂપિયા) લૂંટી લીધા હતા. ત્યારબાદ ૩૦ ઓગસ્ટ, ૨૦૨૩ના દિવસે અન્ય એક પોસ્ટ ઓફિસમાં ખાતર પાડવાની યોજના છેલ્લી ઘડીએ મોકૂફ રાખી, કારણ કે એટીએમમાં બહુ નાની રકમ જમા કરવામાં આવી હોવાની જાણકારી મળી હતી. છઠ્ઠી સપ્ટેમ્બરે વધુ એક લૂંટનો પ્લાન કર્યો, પણ શસ્ત્રો સમયસર પહોંચ્યા નહીં એટલે લૂંટ પડતી મૂકવી પડી. આવો ઓર એક પ્લાન પણ ફૂસ થઈ ગયો, કારણ કે ડુપ્લિકેટ ચાવી બનાવવાના નિષ્ણાત વડીલને પ્રોસ્ટેટની તાત્કાલિક સર્જરી કરાવવી પડી. જો કે, છઠ્ઠી નવેમ્બરે સશસ્ત્ર ધાડ પાડી ૧૫૨૦૦૦ યુરો (આશરે ૧ કરોડ ૩૫ લાખ રૂપિયા) લઈ પોબારા ગણી જવાની તૈયારીમાં હતા ત્યારે પોલીસ આવી ચડી અને એમને રંગે હાથ પકડી લીધા. છ જણની ગેંગના ત્રણમાંથી એક વડીલને તો છેક ૧૯૭૧માં સજા ફટકારવામાં આવી હતી અને ત્યારબાદ એમણે ડઝનેક કાળા કરતૂતો કર્યા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. ત્રણ વડીલને ચાર વર્ષની જેલની સજા ફરમાવવામાં આવી છે.
પત્નીની વાત ગુપચુપ સાંભળી, વાત તો છૂટાછેડા સુધી પહોંચી!
પતિ કોની સાથે અને શું વાત કરે છે એ જાણવાનો પત્નીને અબાધિત અધિકાર છે. બંધારણ કે કોઈ પતિએ નથી આપ્યો, પણ દરેક સ્ત્રીનો એ પત્ની જન્મ અધિકાર છે. પણ પતિને એની પત્ની પોતાની મમ્મી કે બહેનપણી સાથે શું ગોસિપ કરે છે એ સાંભળવાના અધિકાર વિશે મતમતાંતર છે. એમાંય વર્ક ફ્રોમ હોમ કરતી પત્નીની વાતચીત સાંભળી શેરબજારમાં લે- વેચ કરવી એ ફ્રોડ ગણાય છે.
બન્યું એવું કે યુએસના ટેક્સસ શહેરના રહેવાસી ૪૨ વર્ષના ટાયલર લુડના કાને પત્નીની વાતચીત પડી અને એ માહિતીના આધારે પત્નીની કંપનીના ૪૬૦૦૦ શેર ખરીદ્યા. ‘ઇનસાઇડર ઇન્ફર્મેશન’ તરીકે ઓળખાતી આ માહિતીને કારણે ટાયલરને શેર વેચવાથી પોણા બે લાખ ડૉલરનો તગડો નફો થયો. જો કે, મોટા સોદા પર ચાંપતી નજર રાખતા અધિકારીઓની નજરમાં શ્રીમાન ટાયલરનો સોદો આવી ગયો ને કાયદેસર કાર્યવાહીમાં પતિએ ગુનો કબૂલ પણ કરી લીધો. અદાલત તો જે સજા કરવાની હશે એ કરશે, પણ પતિની ‘ચાલાકી’થી ચોંકી ગયેલી પત્ની એવી ભડકી છે કે એણે છૂટાછેડા માટે અરજી કરી દીધી છે. ટૂંકમાં ફોન પર વાતચીત કરતી પત્નીની વાત ગુપચુપ સાંભળતા પહેલા બે વાર વિચાર કરવો.
સગાં દીઠાં મેં શાહ આલમનાં ભીખ માગતાં શેરીએ …
દેખાવ ઘણી વાર છેતરામણો સાબિત થતો હોય છે. પાતળી આવક ધરાવતા લોકો કરકસર કરી જીવતા હોય અને કરોડપતિ મિતવ્યયી હોય એમાં બહુ મોટો ફરક છે. એક સમયે જેના અર્થતંત્રના ગુણગાન વિશ્ર્વભરમાં ગવાઈ રહ્યા હતા એ યુરોપિયન દેશ જર્મનીમાં ૮૦ વર્ષના વડીલ મિસ્ટર હાઈન્ઝ બી. પહેલી નજરે બેઘર અને રાતી પાઈ ખિસ્સામાં ન હોય એવા મુફલિસ મુરબ્બી લાગે, પણ દેખાય એ જ સત્ય હોય એવું નથી. આજની તારીખમાં આ મહાશયના બેંક અકાઉન્ટમાં માત્ર ૧૫ યુરો (આશરે ૧૩૫૦ રૂપિયા) હશે, પણ એનું કારણ એટલું જ છે કે થોડી વાર પહેલા વડીલે ખાતામાંથી સાત લાખ યુરો (આશરે સવા છ કરોડ રૂપિયા) નવું ઘર ખરીદવા ઉપાડી લીધા હતા. મુરબ્બીએ ખરીદેલું આ દસમું ઘર છે. વાત હજી બાકી છે. જંગી રકમ ઉપાડ્યા પછી શ્રીમાન હાઈન્ઝે એક લાખ યુરો (આશરે ૯૦ લાખ રૂપિયા)ની એફડી કરાવી લીધી છે જેનું વ્યાજ મળશે. ગરીબડા દેખાતા આ મહાશય ગર્ભ શ્રીમંત છે અને એમની મિલ્કતમાં કરોડો રૂપિયા છે અને સંપત્તિનો સરવાળો જ નહીં, ગુણાકાર કરવાની આવડત પણ એમને હસ્તગત છે. જો કે, સૌથી મજેદાર વાત એ છે કે કાયમ કરકસર કરી રહ્યા હોવાનો એમનો દાવો છે. વાત એ હદે છે કે ફેંકી દેવાયેલું કે ત્યજી દેવાયેલું અન્ન આરોગી તેમજ લોકોએ ફેંકી દીધેલી વસ્તુઓ ઉપાડી એ જીવન વ્યતીત કરે છે અને એમાં એમને આનંદ પણ આવે છે. હા, ક્યારેક જરૂર પડે તો રાંધવા માટે થોડું તેલ ખરીદી લે છે, પણ મોટાભાગનું ખાવાનું તો એમને સડક પરના સાર્વજનિક ડંપસ્ટર્સ (કચરાપેટી) માંથી મળી આવે છે. મિસ્ટર હાઈન્ઝ નિવૃત્ત ઈલેક્ટ્રિકલ એન્જિનિયર છે અને દર મહિને ૩૭૫૦ યુરો (આશરે ૩,૩૫,૦૦૦ રૂપિયા) પેન્શન આવે છે. વડીલનો માસિક ખર્ચ કેટલો છે? મહિને ૫ યુરો ખાધા ખોરાકી માટે અને બીજા કેટલાક યુરો લેપટોપના ઈન્ટરનેટ કનેક્શન માટે…. વધુ ખર્ચ ન કરવો પડે એ માટે મુરબ્બી મોબાઈલ ફોન રાખતા જ નથી, બોલો. અઢળક સંપત્તિના કોઈ વારસદાર નથી એટલે કોના માટે મૂડી છોડી જવી એ એક સવાલ છે. હા, દૂરના પિતરાઈ છે, પણ આ સંપત્તિ મેળવવા ઈન્હેરિટન્સ ટેક્સ (વારસા કર) ચૂકવવાની એમની હેસિયત નથી. એટલે મિસ્ટર હેઈન્ઝ કેટલીક પ્રોપર્ટી એમના ભાડુઆતોને નામ કરવા વિચારી રહ્યા છે. છેને આ અજબ દુનિયાનો કેવો ગજબ ખેલ…
એક ટામેટા પર એક બટેટું ફ્રી
જમાનો માર્કેટિંગનો છે, ઓફર કરવામાં આવતી સ્કીમનો છે, જે ગ્રાહકોને આકર્ષવામાં લોહચુંબકની ગરજ સારે છે. ‘એક પે એક ફ્રી’ સૌથી જાણીતી અને અત્યંત લોભામણી સ્કીમ છે. માર્કેટમાં અનેક પ્રોડક્ટના વેચાણ માટે વેચાણકારો આ કીમિયો અજમાવતા હોય છે. માનવ સમાજ સાથે તાલ મિલાવવા માગતી હોય એમ પ્રકૃતિ પણ હવે ’એક પે એક ફ્રી સ્કીમ’ માં જોડાઈ ગઈ છે, પણ એમાં ફાયદો માત્ર ગ્રાહકનો છે. તાજેતરમાં સોશિયલ મીડિયામાં થયેલા વીડિયો અનુસાર કૃષિ વિજ્ઞાનની જાણીતી ‘ગ્રાફ્ટિંગ’ની પદ્ધતિથી પોટેટો (બટાકા) અને ટોમેટો (ટામેટા)ના સંકરણથી એક જ ઠેકાણે ટામેટું અને બટેટું ઉગાડી શકાય છે. આ પદ્ધતિનો મુખ્ય લાભ એ છે કે પોતાની જમીન પર ખેડૂત વધુ પાક લઈ શકશે અને વધુ આવક મેળવશે અને દેશના અર્થતંત્રના વિકાસમાં નિમિત્ત બની શકશે. પરંપરા જાળવી રાખવામાં કશું ખોટું નથી, પણ પરંપરા છોડવાથી જો વ્યાપક હિતમાં સુધારો થતો હોય તો છોડવામાં ડહાપણ છે. અલબત્ત, પ્રકૃતિ સાથે છેડછાડ નહીં કરવાની ચેતવણી નિષ્ણાત વર્ગ તરફથી આપવામાં આવી છે, પણ આ પદ્ધતિ અપનાવી જોવામાં કશું ખોટું નથી એવી દલીલમાં ય દમ છે. ટૂંકમાં આ ખેતીવાડીના અનોખા ભાવિનું સેમ્પલ છે, જેમાં વિજ્ઞાન અને પરંપરાનો સંગાથ ખેડૂત અને ખરીદદાર એમ બંને માટે લાભદાયક પુરવાર થઈ શકે છે.
સચિનની બેબી નહીં, સચિન બેબી
સેલિબ્રિટીનાં નામ પરથી બાળકોનાં નામ રાખવાની પ્રથા ક્રિકેટરોમાં પણ છે. સુનીલ ગાવસકરને વેસ્ટ ઈન્ડિયન ક્રિકેટર રોહન ક્ધહાઇ માટે અત્યંત આદર હોવાથી પોતાના પુત્રનું નામ રોહન પાડ્યું હતું. થોડા સમય પહેલા રમાયેલી અંડર – ૧૯ વર્લ્ડ કપ સ્પર્ધામાં સચિન ધાસનું નામ ખાસ્સું ગાજ્યું હતું. વિશ્ર્વ કપ સ્પર્ધાના ગીત વધારે
ગવાય એ સ્વાભાવિક છે અને એમાં
સચિન બેબીનું નામ ગાજ્યા વિના દબાઈ ગયું. એક મિનિટ, આપણે સારા તેંડુલકરની વાત નથી કરતા, પણ ગયા અઠવાડિયે રણજી ટ્રોફી સ્પર્ધાની લીગ મેચમાં કેરળની ટીમ વતી શાનદાર સેન્ચુરી ફટકારી
ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરનારા સચિન બેબી નામના ક્રિકેટરની વાત છે. ૧૧ ડિસેમ્બર, ૧૯૮૮ના દિવસે ૧૫ વર્ષના સચિન તેંડુલકરે વાનખેડે સ્ટેડિયમ
પર પોતાની પ્રથમ ફર્સ્ટ ક્લાસ મેચમાં સેન્ચુરી ફટકારી હતી. બરાબર અઠવાડિયા પછી ૧૮ ડિસેમ્બરે કેરળમાં ક્રિકેટઘેલા શ્રીમાન પી. સી. બેબીને ત્યાં પુત્રનો જન્મ થયો અને એમણે દીકરાનું નામ પાડ્યું ‘સચિન’ અને અટક ‘બેબી’ હોવાથી એ ‘સચિન બેબી’ તરીકે ઓળખાયો. જો કે, સચિન બેબી ડાબોડી બેટ્સમેન છે ૨૦૦૯થી સતત કેરળ રણજી ટીમમાં એ રમ્યો છે અને કેપ્ટનપદ સુધી મજલ એણે કરી છે. આઈપીએલમાં પણ સચિન બેબીને રમવાની તક મળી છે. જો કે, સરખામણી નામ સુધી જ સીમિત રહી. ક્રિકેટની રમતમાં નજરે ન પડી.
લ્યો કરો વાત!
ખોટું કામ – ખોટી પ્રવૃત્તિ કરવા એ ખોટું કામ તો છે જ, પણ ખોટું કર્યા પછી ખરું કામ કરવું એ ઘણી સારી અને સાચી વાત છે.
ઈંગ્લેન્ડમાં એક કાર ચાલકે પાપ કર્યા પછી તરત પ્રાયશ્ર્ચિત કરતા પોલીસ સુધ્ધાં ચોંકી ગઈ હતી. કાન અને આંખ સરવા રાખી ફરજ બજાવતી યુકેની પોલીસને એ પિયક્કડ ડ્રાઈવરનો ફોન આવ્યો કે ‘પોલીસ ભાઈ પોલીસ ભાઈ, મેં જરા વધુ પડતું ઢીંચી લીધું છે. મને ખબર નથી પડી રહી કે હું શું કરી રહ્યો છું.’ પોલીસ તરત ઘટના સ્થળે પહોંચી અને જોયું તો મિસ્ટર પિયક્કડ સ્ટિયરિંગ વ્હિલ પર માથું ટેકવી કશુંક બડબડી રહ્યા હતા. તરત એની બ્રેથ ટેસ્ટ લેવામાં આવી, જેમાં લિમિટ બહાર લીધાનું સાબિત થયું. શરાબનું સેવન કરી કાર હંકારવાના ગુનાસર એની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. સામે ચાલી ધરપકડ વહોરી લે આવો આ કેસ વિરલ જ કહેવાય.