ઈન્ટરવલ

ગઝલ ગાયકીની આગવી ચીઠ્ઠી હવે ક્યારેય પરત નહીં આવે…

સ્મૃતિ વિશેષ -અંકિત દેસાઈ

આ વર્ષ શરૂઆતથી જ ભારતીય ગાયકોને અને ગાયકી માટે થોડું કપરું રહ્યું છે. વર્ષની શરૂઆતમાં ઉસ્તાદ રશીદ ખાન ગયા. એમની પાછળ પ્રભા અત્રે ગયાં અને હવે પંકજ ઉધાસ….
આ ત્રણેય ગાયક માત્ર ગાયક નહોતાં, પરંતુ શાસ્ત્રીય સંગીત કે ગઝલ પરંપરાના એવા મશાલચીઓ હતાં, જેમણે કોઈ પણ સંજોગમાં પોતાની ગાયકીના પ્રકાર સાથે બાંધછોડ કરી નથી કે નથી તો એ લોકપ્રિયતાનાં ઘોડાપૂરમાં તણાઈ ગયાં. પકંજ ઉધાસે તો ત્યાં સુધી કહ્યું છે કે ગઝલ સિવાય મને કોઈ બીજી ગાયકીમાં ગોઠતું જ નથી… ગઝલમાં મને જે કમ્ફર્ટ લાગે એ કમ્ફર્ટ બીજા કોઈ પ્રકારમાં નથી લાગતી. ફિલ્મી ગીતોમાં પણ નહીં!

પરંતુ આપણને સૌને સવાલ એ થાય કે રાજકોટમાં ઉછરેલો એક ગુજરાતી છોકરો ઉર્દૂનો દબદબો ધરાવતી ગઝલ ગાયકી તરફ કઈ રીતે વળ્યો? પોતે ડાયરા પણ કરી શક્યા હોત! પોતાથી આઠ વર્ષ મોટાભાઈ મનહર ઉધાસની જેમ બોલીવૂડમાં પણ ગાઈ શક્યા હોત કે પછી એ સમયે ખૂબ ચાલતી ગુજરાતી ફિલ્મોમાં પણ પોતાનો આગવો સ્વર ઉધાર પણ આપી શક્યા હોત… એ સમયે લતા મંગેશકર કે મન્ના ડે જેવાં ગાયકોએ પણ ગુજરાતી ફિલ્મોમાં ગાયું હતું. તો શું આવા સુંદર કંઠ ધરાવતા, ભાવનગરના દીવાનને ત્યાંનો દીકરો એ બધામાં નહીં ને ઉર્દૂનો પ્રભાવ ધરાવતી ગઝલ ગાયકી તરફ જ કેમ વળ્યો?

આ વિશે પંકજ ઉધાસ જ સુંદર જવાબ આપ્યો હતો. એ કહે છે કે મારા પિતાને કારણે ઘરમાં સંગીતનો માહોલ તો હતો, પરંતુ મારે હંમેશાંથી ડોક્ટર બનવું હતું. મેં મારા પિતાને એ વિશે કહ્યું પણ હતું, પરંતુ મારા પિતાએ ત્યારે મને સમજાવેલો કે તારે ડોક્ટર બનવું હોય તો ભલે બનજે, પરંતુ સંગીત સાથેનો નાતો તોડતો નહીં. તારો રિયાઝ ચાલું રાખજે!

જો કે પિતાના એ પ્રોત્સાહનમાં પણ ગઝલ ગાયકીના મૂળ તો નહોતા જ નંખાયા. ગઝલ ગાયકીના મૂળ નંખાયા મુંબઈમાં, જ્યાં પંકજ ઉધાસ ભણવા માટે આવ્યા હતા.

થયેલું એવું કે મનહર ઉધાસ એ સમયે બોલીવૂડમાં ગાતા થઈ ગયા હતા. પંકજની ઉંમર ત્યારે સત્તર અઢાર વર્ષ કે એથીય ઓછી હતી. એ મોટાભાઈ સાથે મુંબઈમાં રહેતા હતા. ત્યાં મનહરભાઈએ એમના ઉર્દૂ ઉચ્ચારને સુધારવા માટે એક ઉર્દૂ શિક્ષક રાખ્યા હતા. એ ઉર્દૂ શિક્ષકને એક વાર પંકજ ઉધાસે વિનંતી કરી આપ મને પણ ઉર્દૂ શીખવશો તો હું આપનો આભારી રહીશ…. અને બસ, ત્યારથી શરૂ થઈ એક આગવી શરૂઆત, જે શરૂઆત પછી તો ગઝલ ગાયકીના ક્ષેત્રમાં આખેઆખી યાત્રા બની!

ઉર્દૂ શીખવાને કારણે પંકજભાઈને બેગમ અખતરની ગાયકીમાં રસ પડ્યો. એ કહે કે સત્તર અઢાર વર્ષની ઉંમરે મેં બેગમ અખતરની લગભગ તમામ ગઝલો સાંભળી કાઢી હતી. ત્યાર પછી મેં મહેંદી હસનને સાંભળવાનું શરૂ કર્યું. અને આ બંને ગઝલ ગાયકને સાંભળીને મેં નક્કી કર્યું કે હું ગાઈશ તો માત્ર ગઝલો જ! કારણ કે ગઝલ સાંભળતી વખતે કે ગઝલ ગાતી વખતે મને જે સુકૂન મળે છે એ ગાયકીના બીજા કોઈ પ્રકારમાં નથી મળતું!

જો કે એવું નથી કે પંકજ ઉધાસ ગઝલ ગાવાનું શરૂ કરે છે અને એમની કરિઅર સડસડાટ આગળ વધી જાય છે. બલકે એ સમય એવો હતો જ્યારે મુકેશ, કિશોર કુમાર અને મહોમ્મદ રફીનું સામ્રાજ્ય હતું, જેને કારણે ગઝલ ગાયકીના કોન્સર્ટ્સ-પ્રોગ્રામ ઓછા થતાં. અને ફિલ્મોમાં પણ ગઝલોને સ્થાન ઓછું મળતું એટલે થોડો સમયે પંકજ ઉધાસે અત્યંત સ્ટ્રગલ કરી, પરંતુ ગુજરાતી માણસને ખ્યાલ આવ્યો કે અહીં માથા ફોડવામાં ઝાઝી મજા નથી. એટલે એ અમેરિકા-કેનેડાની વાટે ગયા અને ત્યાં એમણે સાવ જૂદા પ્રકારનું કામ શરૂ કર્યું. જો કે ગઝલ ગાયકીનો શોખ કંઈ એમનાથી છૂટે એવો નહોતો એટલે વિદેશમાં અત્યંત ઓછાં ઑડિયન્સ વચ્ચે ગઝલના કોન્સર્ટ્સનાં આયોજન કર્યાં. ત્યાંના શ્રોતાઓ તો અત્યંત પ્રભાવિત થયાં અને ત્યાંના લોકોએ એમને કહ્યું : ‘તમે અહીં શું કરો છો? તમારે તો ભારત હોવું જોઈએ!’

વર્ષ ૧૯૭૭માં પંકજ ઉધાસ ફરી અનેક આશા સાથે ભારત આવ્યા. જો કે આ વખતે એમને માટે કશુંક જૂદું લખાયું હતું. નિયતિ એ નક્કી કરીને બેઠી હતી કે પંકજ ઉધાસ માત્ર જાણીતા ગઝલ ગાયક જ નહીં બને, પરંતુ એ ગઝલ ગાયકીનો પર્યાય પણ બને! એટલે એમની બીજી પારીમાં એમણે અત્યંત સમૃદ્ધ ગઝલ ગાયકી કરી ને એક સમયે એક ચોક્કસ વર્ગનું જ મનોરંજન કહેવાતી એ ગઝલોને એમણે સામાન્ય લોકો પહોંચાડીને અનન્ય ચાહના પણ મેળવી. પછી તો એમનું સમગ્ર જીવન ગઝલમય બની ગયું પછી એ કોન્સર્ટ્સ હોય કે ફિલ્મો હોય, પકંજ ઉધાસને કોઈએ ગઝલ સિવાય ભાળ્યા નથી.

આવા સંપૂણ ગઝલ ગાયક કલાકાર અહીંથી વિદાય લે ત્યારે સહેજ ચચરાટ જરૂર થાય, પરંતુ કલાકારોને હંમેશાં એક વરદાન હોય છે કે એમના ગયા પછીય એમની કળા એમને જીવંત રાખે છે!
હવેથી આપણે જ્યારેય ગઝલો સાંભળીશું ત્યારે આપણા સ્મરણોમાં પંકજ ઉધાસ જ વિશેષરૂપે જીવંત થશે…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button