Rajyasabha Election: હિમાચલમાં ભાજપે કોંગ્રેસની કરી નાખી ‘ગેમ’, દિગ્ગજ નેતા હાર્યા
શિમલા-મંડીઃ હિમાચલ પ્રદેશમાં રાજ્યસભાની એક સીટ માટે મંગળવારે થયેલી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસની ગેમ કરી નાખી હતી, જેમાં ભાજપના ઉમેદવારની રોમાંચક જીત થઈ હતી, જ્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા અભિષેક મનુ સિંઘવી હાર્યા હતા, જ્યારે કોંગ્રેસના અડધો ડઝનથી વધુ વિધાનસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હતું. ચૂંટણીમાં જીતવા માટે 35 વિધાનસભ્યના મત જરુરી હતા.
હિમાચલ પ્રદેશમાં એક રાજ્યસભાની સીટ માટે થયેલી ચૂંટણીમાં કુલ 68 વિધાનસભ્યએ વોટિંગ કર્યું હતું. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને કોંગ્રેસ એમ બંને પાર્ટીના ઉમેદવારોને 34-34 વોટ મળ્યા હતા. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હર્ષ મહાજનનો વિજય થયો હતો, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર અભિષેક મનુ સિંઘવીને હારનો સામનો કરવાની નોબત આવી હતી.
ત્રણ રાજ્યની 15 રાજ્યસભાની બેઠક માટે મંગળવારે ચૂંટણી થઈ હતી. આ રાજ્યમાં ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને હિમાચલ પ્રદેશનો સમાવેશ થાય છે. ઉત્તર પ્રદેશની દસ, કર્ણાટકની ચાર અને હિમાચલ પ્રદેશની એક રાજ્યસભાની બેઠક પર મતદાન થયું હતું. આમાં સૌથી મોટો અપસેટ હિમાચલ પ્રદેશમાં થયો હતો, જ્યાં 40 વિધાનસભ્યવાળી કોંગ્રેસને 34 મત મળ્યા હતા, જેને કારણે એક પાર્ટીને હારનો સામનો કરવાની નોબત આવી હતી, જ્યારે ભાજપના એક ઉમેદવારનો વિજય થયો હતો.
હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસના છ વિધાનસભ્યએ ક્રોસ વોટિંગ કર્યું હતું. કુલ નવ વિધાનસભ્યોએ ક્રોસ વોટિંગ કરીને ભાજપને મત આપ્યા હતા, જ્યારે બીજી બાજુ કોંગ્રેસનો એક વોટ રદ્દ કરવા માટે ચૂંટણી પંચને મોકલવામાં આવ્યો હતો. ભાજપ પોલિંગ એજન્ટ હેલિકોપ્ટર મારફત વોટિંગ કરવા માટે બીમાર કોંગ્રેસના વિધાનસભ્ય સુદર્શન બબલુના વોટને આચાર સંહિતાનું ઉલ્લંઘન કરીને વોટ રદ કરવાની માગણીને વળગી રહ્યા હતા.
આ મુદ્દો ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયાને મોકલવામાં આવ્યો છે. ચૂંટણી પંચ તરફથી નિયમ અનુસાર સ્થિતિ ક્લિયર થયા પછી નિર્ણય લેવામાં આવશે. દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર મનુ સિંઘવીએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે કોંગ્રેસની લીડરશિપનો આભાર માનું છું. મને ઉમેદવાર બનાવ્યો તથા એ તમામ નવ વિધાનસભ્યનો પણ આભાર માનું છે, જે ગઈકાલે મારી સાથે બેઠા હતા. એમાંથી સવારે ત્રણ જણ મારી સાથે બેઠા હતા. વાસ્તવામાં આ ચૂંટણીમાંથી મને શીખવા મળ્યું છે. હું હર્ષ મહાજનનો પણ આભાર માનું છું.