પંકજ ઉધાસ………ઔર ચલ દિયે તો જૈસે ખુલી રાત કી તરહ
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
મખમલી અવાજના ગાયક પંકજ ઉધાસે સોમવારે આપણી વચ્ચેથી વિદાય લીધી એ સાથે એક યુગ પૂરો થઈ ગયો. હિંદી અને ઉર્દૂની ગઝલો-નઝમો સામાન્ય લોકોને ગમે એ રીતે રજૂ કરીને ભારતમાં ગઝલ ગાયકીની પરિભાષા બદલી નાંખનારા પંકજ ઉધાસ પેનક્રિયાસ કેન્સર સામે જંગ લડી રહ્યા હતા. પંકજ ઉધાસ સોમવારને ૨૬ ફેબ્રુઆરીએ સવારે ૧૧ વાગ્યે આ જંગ હારી ગયા ને અંતિમ શ્ર્વાસ લીધા હતા.
પંકજ ઉધાસના નિધન સાથે ગુજરાતીઓએ પોતાનું એક ગૌરવ ગુમાવ્યું કેમ કે ઉધાસ પરિવાર રાજકોટ પાસેના ચરખડી ગામનો છે. પંકજ ઉધાસના બંને મોટા ભાઈ મનહર અને નિર્મલ ઉધાસ પણ ગાયક છે. મનહર અને નિર્મલ ઉધાસે ગુજરાતી ગઝલોને વૈશ્ર્વિક ફલક પર મૂકીને ગુજરાતી ભાષાની બહુ મોટી સેવા કરી છે પણ આજે વાત પંકજ ઉધાસની કરીએ.
પંકજ ઉધાસના નિધન સાથે ભારતીય સંગીતમાં એક યુગ પૂરો થઈ ગયો એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી કેમ કે પંકજ ઉધાસે ભારતમાં ગઝલને લોકપ્રિય બનાવી, સામાન્ય લોકો સુધી પહોંચાડી. પંકજ ઉધાસ એક ટ્રેન્ડ સેટર ગાયક હતા કે જેમણે ગઝલ-નઝમને એક દાયરામાંથી બહાર લાવીને મુક્ત હવાનો અહેસાસ કરાવ્યો. ૧૯૮૦ના દાયકા લગી એવી માન્યતા હતી કે, ગઝલ અને નઝમ મહેફિલમાં ગાવાની ને માણવાની ચીઝ છે ને ગઝલ સાંભળવા માટે પણ એક ક્લાસ જોઈએ. આ માન્યતાના કારણે ગઝલ-નઝમ સાંભળનારો વર્ગ બહુ મર્યાદિત હતો. પંકજ ઉધાસે એ માન્યતાનો ભાંગીને ભુક્કો કરી નાંખ્યો અને ગઝલને બંધ કમરા કે હોલની મહેફિલાંથી બહાર સામાન્ય લોકો સુધી પહોંચાડી.
ભારતમાં ગઝલને લોકપ્રિય બનાવવાનો યશ બે મહાન ગાયકોને આપી શકાય. એક જગજીતસિંહ અને બીજા પંકજ ઉધાસ. ભૂતકાળમાં મોહમ્મદ રફી, તલત મહેમૂદ, મન્નાડે સહિતના મહાન પાર્શ્ર્વગાયકોએ ગઝલો ગાયેલી પણ એ સંગીતકાર નહોતા. ભારતમાં ગઝલ ગાયકીનાં પ્રણેતા બેગમ અખ્તરને ગણી શકાય પણ બેગમ અખ્તર શાસ્ત્રીય રીતે ગઝલો ગાતાં તેથી તેમનો ચાહક એક ક્લાસ હતો, માસ નહીં. જગજીતસિંહે પણ શરૂઆતની ગઝલો ક્લાસ માટે જ ગાઈ પણ પછીનાં વરસોમાં તેમણે સામાન્ય લોકો પણ ડોલી ઊઠે એવી ગઝલોની ધૂન બનાવી અને ગાઈ.
પંકજ ઉધાસ પહેલાંથી માસના ગઝલ ગાયક હતા. સામાન્ય લોકોને ગમે એવી ધૂનો બનાવીને તેમણે ગઝલોને રજૂ કરી અને છવાઈ ગયા. પંકજ ઉધાસ પહેલા એવા ગાયક હતા કે જેમની ગઝલ કે નઝમ હાઈવે પરના ઢાબા પર પણ વાગતી ને સામાન્ય લોકો તેની મજા લેતા. પંકજ ઉધાસની ગઝલો અને નઝમો લગ્નના વરઘોડામાં પણ વાગતી ને લોકો તેના પર ગાંડા બનીને ડાન્સ કરતા. મહેફિલોમાં પણ પંકજ ઉધાસની ગઝલો વાગે ત્યારે લોકો નાચતા. પાકિસ્તાનના મહેંદી હસન અને ગુલામ અલી જેવા મહાન ગણાતા ગઝલ ગાયકો તો ક્લાસના ગાયકો વધારે છે પણ જગજીતસિંહ માસના પણ ગાયક બન્યા. જગજીતસિંહ એ રીતે ગઝલ ગાયકીમાં શિરમોર ગણાય પણ ગઝલને આવી લોકપ્રિયતા જગજીતસિંહે પણ નથી અપાવી.
પંકજ ઉધાસ એ રીતે પણ ટ્રેન્જ સેટર છે કે બહુ ઓછા જાણીતા અથવા બિલકુલ અજાણ્યા શાયરોની રચનાઓ તેમણે ગાઈ. ગુજરાતી શેખાદમ આબુવાલાથી માંડીને એસ. રાકેશ જેવા શાયરોની રચનાઓ પણ ગાઈ. પંકજ ઉધાસે ગાયેલી ગઝલ-નઝમોમાં ચાંદી જૈસા રંગ હૈ તેરા સોને જૈસે બાલ, નિકલો ના બેનકાબ જમાના ખરાબ હૈ, મહેંગી બહોત હુઈ હૈ શરાબ થોડી થોડી પિયા કરો, ઇશ્ક નચાયે જિસ કો યાર વો ફિર નાચે બિચ બજાર, એ ગમે જીંદગી મુઝ કો દે મશવરા એક તરફ ઉન કા ઘર ઈક તરફ મયકદા, ઘૂંઘરુ તૂટ ગયે વગેરેને જબરદસ્ત લોકપ્રિયતા મળી. પંકજ ઉધાસે પચાસ કરતાં વધારે ગઝલ આલ્બમ બહાર પાડ્યાં છે ને મોટા ભાગનાં આલ્બમ જબરદસ્ત હિટ થયાં હતાં. ખાલી તેમણે ગાયેલી ગઝલોનાં મુખડાં લખો તો પણ એક લેખ નાનો પડે એટલી ગઝલ-નઝમો તેમણે ગાઈ છે. ૧૯૮૦ના દાયકામાં કેસેટ્સ નવી નવી આવેલી ત્યારે પંકજ ઉધાસની ગઝલોની કેસેટ્સ લાખોમાં ખપતી ને પાનના ગલ્લે પણ વાગતી.
પંકજ ઉધાસે તેમના મોટા ભાઈ મનહર ઉધાસની સરખામણીમાં ઓછાં ફિલ્મી ગીતો ગાયાં પણ જે ગાયાં એ યાદગાર ગાયાં. નામનું ચિઠ્ઠી આયી હૈ, વતન સે ચિઠ્ઠી આયી હૈ ગીત તો પંકજ ઉધાસની ઓળખ બની ગયું. આનંદ બક્સીએ દિલ રેડીને લખેલા ગીતની લક્ષ્મીકાન્ત પ્યારેલાલે યાદગાર ધૂન બનાવી અને પંકજ ઉધાસે જીવ રેડીને ગાયેલા ગીતે ઈતિહાસ રચી દીધેલો. આ ગીત સાંભળીને લોકો ધ્રૂસકે ધ્રૂસકે રડતા.
પંકજ ઉધાસે બીજાં ઘણાં ફિદા થઈ જવાય એવાં ફિલ્મી ગીતો ગાયાં છે. આજ ફિર તુમ પે પ્યાર આયા હૈ (દયાવાન), ના કજરે કી ધાર ના મોતીઓં કે હાર (મોહરા), ખુદા કરે મોહબ્બત મેં યે મકામ આયે ( સનમ), જીએં તો જીએં કૈસે બિન આપ કે (સાજન, એક-એક હો જાયે ફિર ઘર ચલે જાના (ગંગા જમુના સરસ્વતી), તુમ ને રખ તો લી તસવીર હમારી (લાલ દુપટ્ટા મલમલ કા ), માહિયા તેરી કસમ, જીના નહીં જીના હાય તેરે બિના (ઘાયલ) દિલ દેતા હૈ રો રો દુહાઈ (ફિર તેરી કહાની યાદ આયી) વગેરે ગીતો આજેય ખુશ કરી નાંખે છે. પંકજ ઉધાસના અવાજની તાકાત અથવા મુલાયમતા જે કહો એ આ ગીતમાં અનુભવાશે.
આ તો થોડાંક ઉદાહરણો આપ્યાં પણ પંકજ ઉધાસે બીજાં પણ ઘણાં ગીતો ગાયાં છે. બધાં ગીતોને ચિઠ્ઠી આયી હૈ, વતન સે ચિઠ્ઠી આયી હૈ જેવી ધાંય ધાંય સફળતા ના મળી પણ એ ગીતોમાં પણ પંકજના અલગ અવાજની અસર તો વર્તાય જ છે.
કલાને શબ્દોમાં વર્ણવી ના શકાય. તેનો અહેસાસ જ કરવો પડે તેથી પંકજ ઉધાસના અવાજને વર્ણવવા માટે કોઈ પણ શબ્દો ઓછા પૂરતા નથી. તેમનાં ગીતો સાંભળો તો જ તેની મુલાયમતાનો અહેસાસ થાય, મખમલી અવાજ કોને કહેવાય તેનો અનુભવ થાય.
પંકજ ઉધાસનાં ગીતો સાંભળીશું ત્યારે ત્યારે એ અહેસાસ થશે જ કેમ કે પંકજ ઉધાસ એકમેવ છે, ન ભૂતો ન ભવિષ્યતિ. તેમના જેવો વિશિષ્ટ અવાજ ધરાવનારો બીજો ગાયક નહીં આવે.
પોતાના અવાજથી કરોડો લોકોના દિલને રાહત, શાંતિ આપનારા પંકજભાઈના આત્માને પ્રભુ શાંતિ આપશે જ છતાં કહી દઈએ કે, પ્રભુ તેમના આત્માને શાંતિ આપે.