સ્પોર્ટસ

Hockey India CEOએ રાજીનામું આપીને મોટું નિવેદન આપ્યું

નવી દિલ્હીઃ લાંબા સમય સુધી હૉકી ઇન્ડિયાના સીઇઓ (Hockey India CEO) રહેલા એલેના નોર્મને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. લાંબા સમયથી તેમનો પગાર રોકવામાં આવ્યો હતો અને ફેડરેશનમાં આંતરિક જૂથવાદને કારણે કામ કરવું મુશ્કેલ બની ગયું હતું. ઓસ્ટ્રેલિયાના રહેવાસી એલેના લગભગ 13 વર્ષથી આ પદ પર હતા અને છેલ્લા ત્રણ મહિનાથી તેમને પગાર મળ્યો ન હતો, એવો આરોપ મૂક્યો હતો.

હૉકી ઇન્ડિયાએ એલેનાના પદ છોડવાના સંબંધમાં કોઇ કારણનો ઉલ્લેખ કર્યા વિના નિવેદન જાહેર કર્યા બાદ એલેનાએ કહ્યું હતું કે કેટલાક મુદ્દા (પગાર સંબંધિત) હતા તથા અનેકવાર રજૂઆતો બાદ ગયા સપ્તાહમાં આ મુદ્દાનો ઉકેલ આવ્યો હતો.
એલેનાએ કહ્યું હતું કે હૉકી ઇન્ડિયામાં બે જૂથ છે. એક તરફ હું અને (અધ્યક્ષ) દિલીપ ટિર્કી છીએ તો બીજી તરફ ભોલાનાથ સિંહ (સચિવ), કમાન્ડર આર. કે. શ્રીવાસ્તવ (કાર્યકારી નિયામક), શેખર જે મનોહરન(ખજાનચી) છે. આ બે જૂથ વચ્ચેની લડાઈને કારણે કામ કરવું મુશ્કેલ બની રહ્યું હતું.

એલેનાનું રાજીનામું ભારતીય મહિલા હૉકી ટીમના મુખ્ય કોચ યાનેક સ્કોપમેનના એ નિવેદનના થોડા દિવસ બાદ આવ્યું છે, જેમાં તેમણે દાવો કર્યો હતો કે રાષ્ટ્રીય મહાસંઘ તેમનું મૂલ્ય અને સન્માન કરતું નથી.

હૉકી ઈન્ડિયાના પ્રમુખ અને ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન દિલીપ ટિર્કીએ નોર્મનનું રાજીનામું સ્વીકાર્યું અને તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. ટિર્કીએ નિવેદનમાં કહ્યું હતું કે માત્ર હૉકી ઈન્ડિયાના પ્રમુખ જ નહીં, પરંતુ ભૂતપૂર્વ ખેલાડી અને હૉકી પ્રેમી હોવાને કારણે હું છેલ્લા 12-13 વર્ષોમાં તેમના નોંધપાત્ર યોગદાન માટે તેમનો આભાર વ્યક્ત કરું છું.

તેમના સમર્પણ અને પ્રયત્નોએ હૉકી ઈન્ડિયા અને ભારતીય હૉકીને વર્તમાન સમયમાં મજબૂત સ્થિતિમાં લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. હું તેમને ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવું છું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button