ગૅન્ગસ્ટર છોટા રાજનનો સાગરીત પિસ્તોલ સાથે વરલીમાં ઝડપાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: હત્યા, હત્યાનો પ્રયાસ, લૂંટ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા ગૅન્ગસ્ટર છોટા રાજનના શાર્પ શૂટરની પોલીસે પિસ્તોલ અને કારતૂસ સાથે વરલી વિસ્તારમાંથી ધરપકડ કરી હતી.
ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-3ના અધિકારીઓએ પકડી પાડેલા આરોપીની ઓળખ શામ પાંડુરંગ તાંબે ઉર્ફે સેવિયો રોડ્રિક્સ (42) તરીકે થઈ હતી. તેની પાસેથી પિસ્તોલ આને ત્રણ કારતૂસ જપ્ત કરવામાં આવી હતી.
કુખ્યાત ગૅન્ગસ્ટર રોડ્રિક્સ વરલી પરિસરમાં ઘાતક શસ્ત્રો સાથે આવવાનો હોવાની માહિતી પોલીસને મળી હતી. માહિતીને આધારે પોલીસે વરલીના જિજામાતા નગર સ્થિત એક હોટેલ બહાર છટકું ગોઠવી સોમવારે રોડ્રિક્સને તાબામાં લીધો હતો. પૂછપરછ દરમિયાન રોડ્રિક્સે તેના જીવને જોખમ હોવાથી સુરક્ષાનાં કારણોસર પિસ્તોલ સાથે રાખી હોવાનો દાવો કર્યો હતો. જોકે તે કયા ઇરાદે પિસ્તોલ સાથે વરલીમાં આવ્યો હતો તેની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે.
આ પ્રકરણે રોડ્રિક્સ વિરુદ્ધ વરલી પોલીસ સ્ટેશનમાં આર્મ્સ ઍક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ધરપકડ કરાયેલા આરોપીને કોર્ટે 29 ફેબ્રુઆરી સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી.
રોડ્રિક્સ ગૅન્ગસ્ટર છોટા રાજનનો શાર્પ શૂટર હતો અને વી. પી. રોડ, ગામદેવી અને વરલી પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ હત્યાના ચાર ગુના નોંધાયેલા છે. 2004માં ગિરગામમાં વેપારી પર ગોળીબાર કરી હત્યા કરવાના કેસમાં તેની સામે એમસીઓસીએ પણ લગાવવામાં આવ્યો હતો. તાજેતરમાં રોડ્રિક્સ જામીન પર છૂટ્યો હોવાનું પોલીસનું કહેવું છે.