બેંગલુરુઃ કર્ણાટકની રાજધાની બેંગ્લોરના કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક યાત્રીની બેગમાંથી 72 વિદેશી સાપ અને 6 કેપ્યુચિન વાંદરાઓ મળી આવ્યા છે. અધિકારીઓએ આ અંગે માહિતી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું કે એરપોર્ટ પર પ્રવાસીની બેગમાંથી 55 અજગર, 17 કિંગ કોબ્રા અને 6 કેપ્યુચિન વાંદરાઓ જપ્ત કરવામાં આવ્યા છે. તેમાંથી, અજગર અને કોબ્રા જીવંત છે જ્યારે વાંદરાઓના મૃત્યુ થયા છે.
બેંગ્લોર કસ્ટમ્સ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, બેંગકોકથી એર એશિયાની ફ્લાઈટમાં એક પેસેન્જર બુધવારે રાત્રે 10:30ની આસપાસ બેંગ્લોર એરપોર્ટ પર આવ્યો હતો. તેની હિલચાલ શંકાસ્પદ જણાતી હતી. કસ્ટમ અધિકારીઓએ તેના સામાનની તપાસ કરી હતી. તેની પાસે રહેલી બેગમાં 78 પ્રાણીઓ હતા. તેમાં વિવિધ રંગોના 55 અજગર અને 17 કિંગ કોબ્રાનો સમાવેશ થતો હતો. આ પ્રાણીઓ જીવંત મળી આવ્યા હતા. પરંતુ 6 કેપ્યુચિન વાંદરાઓ મૃત હાલતમાં મળી આવ્યા હતા.
આ તમામ પ્રાણીઓ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, 1972 હેઠળ સૂચિબદ્ધ છે. કસ્ટમ્સ એક્ટ, 1962ની કલમ 110 હેઠળ પ્રાણીઓને કબજામાં લેવામાં આવે છે. જીવંત પ્રાણીઓને તેમના મૂળ દેશમાં પરત મોકલવામાં આવે છે અને મૃત પ્રાણીઓનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવે છે. હાલ આ મામલે તપાસ ચાલી રહી છે.
આ પહેલા 21 ઓગસ્ટના રોજ કસ્ટમ અધિકારીઓને આ જ એરપોર્ટ પર પેસેન્જરના સામાનમાંથી એક મૃત કાંગારૂ મળી આવ્યું હતું. પેસેન્જરનું નામ સદ્દામ હુસૈન હતું. તે ચેન્નાઈનો વતની હતો. આ ઘટના બાદ એરપોર્ટ પર સનસનાટી મચી ગઈ હતી.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને