મહારાષ્ટ્ર વિધાનસભાના વિશેષ સત્રમાં વિપક્ષે ‘આગવું પ્રદર્શન’ કરીને સરકારને ઘેરી
મુંબઈ: મહારાષ્ટ્રમાં વધતાં ગુનાઓ અને અપરાધો તરફ રાજ્ય સરકારનું ધ્યાન દોરવા માટે મહાવિકાસ આઘાડી (શિવસેના-ઉદ્ધવ ઠાકરે જૂથ, એનસીપી શરદ પવાર જૂથ, કૉંગ્રેસ)ના નેતાઓએ વિધાનભવનની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધ પ્રદર્શન દરમિયાન વિધાનસભા અધિવેશનના બીજા દિવસે વિપક્ષના નેતાઓ દ્વારા એક બનાવટી રિવોલ્વર (પિસ્તોલ) સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ સાથે ‘ગુંડાઓની સરકાર છે’ હોવાનું કહી સરકાર વિરોધ સૂત્રોચ્ચાર પણ કર્યાં હતા.
મહાવિકાસ આઘાડી (એમવીએ)ના નેતાઓ દ્વારા બનાવટી પિસ્તોલ સાથે વિરોધ પ્રદર્શન કરવાનો વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. છેલ્લા અનેક દિવસથી વિધાનસભામાં વિપક્ષના નેતા વિજય વડેટ્ટીવાર, કૉંગ્રેસના વિધાનસભ્ય બાળાસાહેબ થોરાત અને બીજા નેતાઓએ વિધાનસભાની સીડીમાં હાથમાં બૅનર લઈને એકનાથ શિંદેની સરકાર વિરોધ આંદોલન કરી રહ્યા છે. આ દરમિયાન તેમણે મરાઠા આરક્ષણ બાબતે પણ મરાઠા અને ઓબીસી સમાજને સરકાર ગેરમાર્ગે દોરી રહ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો.
થોડા દિવસો પહેલા ઉલ્હાસનગરના એક પોલીસ સ્ટેશનમાં શિંદે જૂથ અને ભાજપના એક વિધાનસભ્યની વચ્ચે ગોળીબાર થયો હતો. આ ઘટનાને લઈને વિપક્ષના નાતેઓ દ્વારા સરકારની ટીકા કરવામાં આવી રહી છે.
મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષના નેતા વિજય વડેટ્ટીવાર દ્વારા રાજ્ય નાસિક, જળગાંવ, ચંદ્રપુર અને વર્ધા સાથે મહારાષ્ટ્રના અનેક વિસ્તારમાં પૂર અને દુકાળને લીધે ખેતીને થયેલા નુકસાન મુદ્દે ગંભીર સવાલો કરવામાં આવ્યા હતા અને પાકપાણીમાં નુકસાનગ્રસ્ત ખેડૂતોને વળતર આપવાની પણ માગણી સરકાર સમક્ષ કરી હતી