ટોપ ન્યૂઝનેશનલ

ISRO Gaganyaan: PM Modiએ ગગનયાનના અવકાશ યાત્રીઓના નામ જાહેર કર્યા, તૈયારીઓનું નિરીક્ષણ કર્યું

તિરુવનંતપુરમ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કેરળના તિરુવનંતપુરમ પહોંચ્યા છે. આ દરમિયાન તેમણે વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (VSSC) ની મુલાકાત લીધી. તેમણે ગગનયાન મિશન માટેના અવકાશયાત્રીઓના નામ જાહેર કર્યા હતા. આ પ્રસંગે મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયન, રાજ્ય પ્રધાન મુરલીધરન અને ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથ પણ હાજર હતા.

પ્રશાંત બાલકૃષ્ણન નાયર, અંગદ પ્રતાપ, અજીત કૃષ્ણન અને શુભાંશુ શુક્લાને અવકાશમાં ભારતના પ્રથમ સમાનવ મિશન પર અવકાશયાત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તેઓ બધા ભારતીય વાયુસેના (IAF) માં વિંગ કમાન્ડર અથવા ગ્રૂપ કેપ્ટન છે. તેઓ ટેસ્ટ પાઇલટ તરીકે કામ કરવાનો બહોળો અનુભવ ધરાવે છે.


આ ચાર અવકાશયાત્રીઓ બેંગલુરુમાં ISROની અવકાશયાત્રી તાલીમ સુવિધામાં તાલીમ લઈ રહ્યા છે. અવકાશયાત્રીઓની પસંદગી IAFના ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરોસ્પેસ મેડિસિન ખાતે થઈ હતી. ISRO અને Glavkosmos (રશિયન સ્પેસ એજન્સી રોસકોસમોસની પેટાકંપની) એ જૂન 2019 માં ચાર અવકાશયાત્રીઓની તાલીમ માટે સમજૂતીના મેમોરેન્ડમ પર હસ્તાક્ષર કર્યા હતા.


ચાર અવકાશયાત્રીઓએ ફેબ્રુઆરી 2020 માં રશિયાના યુરી ગાગરીન કોસ્મોનૉટ ટ્રેનિંગ સેન્ટરમાં માર્ચ 2021 સુધી તાલીમ લીધી હતી. અમેરિકન સ્પેસ એજન્સી NASA પણ 2024ના અંત સુધીમાં ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનના મિશન માટે ભારતીય અવકાશયાત્રીને તાલીમ આપશે.


વડા પ્રધાન મોદી અહીં અવકાશ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે ત્રણ મહત્વપૂર્ણ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. તેઓ સતીશ ધવન સ્પેસ સેન્ટર શ્રીહરિકોટા ખાતે PSLV એકીકરણ સુવિધા, મહેન્દ્રગિરી ખાતે ISRO પ્રોપલ્શન કોમ્પ્લેક્સમાં નવી ‘સેમી-ક્રાયોજેનિક્સ ઈન્ટિગ્રેટેડ એન્જિન અને સ્ટેજ ટેસ્ટ ફેસિલિટી’ અને VSSC તિરુવનંતપુરમ ખાતે ‘ટ્રિસોનિક વિન્ડ ટનલ’નું ઉદ્ઘાટન કરશે. આ માટે લગભગ 1800 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.


વડા પ્રધાને કહ્યું કે, ‘આજે આપણે બધા એક ઐતિહાસિક યાત્રાના સાક્ષી છીએ. થોડા સમય પહેલા દેશ તેના ચાર ગગનયાન યાત્રીઓ સાથે પ્રથમ વખત પરિચિત થયો. આ માત્ર ચાર નામ અને ચાર માણસો નથી, આ 140 કરોડ આકાંક્ષાઓને અવકાશમાં લઈ જવા વાળી શક્તિ છે. 40 વર્ષ પછી કોઈ ભારતીય અવકાશમાં જશે, પણ આ વખતે સમય આપણો છે, ગણતરી પણ આપણી છે અને રોકેટ પણ આપણું છે.’

તેમણે વધુમાં કહ્યું, ‘મને એ જાણીને ખૂબ જ આનંદ થયો કે ગગનયાનમાં ઉપયોગમાં લેવાતા મોટાભાગના ઉપકરણો ‘મેડ ઇન ઇન્ડિયા’ છે. આ કેટલો મોટો સંયોગ છે કે જ્યારે ભારત વિશ્વની ટોચની ત્રીજી અર્થવ્યવસ્થા બનવા માટે ટેકઓફ કરી રહ્યું છે, તે જ સમયે ભારતનું ગગનયાન પણ આપણા અવકાશ ક્ષેત્રને એક નવી ઊંચાઈ પર લઈ જઈ રહ્યું છે.’

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button