સિંહનું નામ ‘અકબર’, સિંહણનું નામ ‘સીતા’ રાખનાર વન વિભાગના અધિકારી સસ્પેન્ડ, ત્રિપુરા સરકારની કાર્યવાહી
ત્રિપુરાઃ તાજેતરમાં જ સિંહને ‘અકબર’ અને સિંહણને ‘સીતા’ નામ આપવાને લઈને નવો વિવાદ ઊભો થયો હતો. હવે આ મામલે ત્રિપુરા સરકારે વરિષ્ઠ વન અધિકારી IPS પ્રવીણ લાલ અગ્રવાલને સસ્પેન્ડ કરી દીધા છે. પ્રવીણ પ્રધાન ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ (PCCF) અને ચીફ વાઈલ્ડલાઈફ વોર્ડન (CWLW) છે અને તેમણે ત્રિપુરાના પ્રાણી સંગ્રહાલયમાં સિંહ અને સિંહણનું નામ આપ્યું હતું.
બાદમાં આ સિંહો અને સિંહણને ત્રિપુરાથી પશ્ચિમ બંગાળ લઈ જવામાં આવ્યા હતા. ત્રિપુરા સરકારના પ્રવીણ લાલ અગ્રવાલને સસ્પેન્ડ કરવાના આદેશમાં, તેમને સસ્પેન્શનના સમયગાળા દરમિયાન અગરતલામાં જ રહેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે અને સક્ષમ અધિકારી પાસેથી પૂર્વ પરવાનગી મેળવ્યા વિના અગરતલામાં તેમનું મુખ્યાલય ન છોડવા માટે કહેવામાં આવ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા કોલકત્તા હાઈકોર્ટમાં કરવામાં આવેલી ફરિયાદ બાદ સરકારે આ નિર્ણય લીધો છે. VHPની આ અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે આ નામોથી ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી છે.
નોંધનીય છે કે આ સિંહ અને સિંહણને તાજેતરમાં ત્રિપુરાના સિપાહીજાલા પ્રાણી સંગ્રહાલયમાંથી પશ્ચિમ બંગાળના સિલિગુડીના બંગાળ સફારી પાર્કમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં થોડા દિવસો પછી નામને લઈને વિવાદ થયો હતો અને વિશ્વ હિન્દુ પરિષદે વિભાગના પગલાનો વિરોધ કર્યો હતો અને કલકત્તા હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો.
રાજ્ય સરકારે કોર્ટને જણાવ્યું હતું કે ત્રિપુરાના પ્રાણી સંગ્રહાલયના અધિકારીઓ દ્વારા બંને સિંહોના નામ વર્ષ 2016 અને 2018માં રાખવામાં આવ્યા હતા. VHPની આ અરજી પર હાઈકોર્ટે પશ્ચિમ બંગાળ સરકારને સિંહ અને સિંહણના નામ બદલવાનો નિર્દેશ આપ્યો હતો.