Congressને ફરી મળશે ઝટકોઃ ગુજરાતના મોટા નેતા પંજો છોડી કમળ હાથમાં પકડશે?
![former-union-minister-of-state-naran-bhai-rathwa-may-join-bjp](/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-27-at-10.00.04-AM-780x470.jpeg)
અમદાવાદઃ કૉંગ્રેસ માટે ઝટકો શબ્દ હવે સામાન્ય થઈ ગયો છે. લગભગ દેશના દરેક રાજ્યમાંથી કોઈને કોઈ મોટા નેતા લોકસભા (Loksabha)ની ચૂંટણી પહેલા પક્ષનો સાથ છોડી રહ્યો છે અને અન્ય પક્ષમાં ને મોટે ભાગે ભાજપમાં જોડાઈ રહ્યો છે. મહારાષ્ટ્ર, ઝારખંડમાંથી આવા સમાચાર આવ્યા બાદ હવે ગુજરાત (Gujarat)માંથી પણ આવા સમાચાર ફરી આવે તેમ મીડિયા અહેવાલ જણાવી રહ્યું છે.
લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગે તેવી સંભાવના છે. કહેવામાં આવી રહ્યું છે કે પૂર્વ કેન્દ્રીય રાજ્ય પ્રધાન નારણભાઈ રાઠવા (Naranbhai Rathwa) ભાજપમાં જોડાઈ શકે છે. મળતી માહિતી મુજબ, રાઠવા ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની હાજરીમાં તેઓ આજકાલમાં ભાજપમાં જોડાશે.
કોંગ્રેસ માટે આ એક મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે કારણ કે રાઠવાની ગણતરી મોટા નેતાઓમાં થાય છે. રાઠવા યુપીએ સરકારમાં રેલ્વે રાજ્ય મંત્રી હતા. તેમનો રાજ્યસભાનો કાર્યકાળ તાજેતરમાં પૂરો થયો છે.
67 વર્ષના નારણભાઈ રાઠવાએ કોંગ્રેસમાંથી જ રાજકારણની શરૂઆત કરી હતી. તેઓ પાંચ વખત લોકસભાના સાંસદ હતા. રાઠવા 1989માં લોકસભા ચૂંટણી જીતીને પહેલીવાર સંસદમાં પહોંચ્યા હતા. આ પછી તેઓ 1991, 1996, 1998 અને 2004માં પણ ચૂંટણી જીત્યા હતા. તેઓ છોટા ઉદેપુરના સાંસદ હતા. તેઓ 2004 થી 2009 વચ્ચે યુપીએ-1માં રેલ્વે રાજ્ય મંત્રી હતા.
2009ની લોકસભા ચૂંટણીમાં રાઠવા ભાજપના રામસિંહ રાઠવા સામે ચૂંટણી હારી ગયા હતા. આ પછી, તેમણે લગભગ 10 વર્ષ સુધી કોઈ પદ સંભાળ્યું ન હતું. 2018માં કોંગ્રેસે તેમને રાજ્યસભામાં મોકલ્યા. તાજેતરમાં જ તેમનો રાજ્યસભાનો કાર્યકાળ પૂરો થયો છે.
લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને અનેક મોટા આંચકા મળી જ રહ્યા છે. અગાઉ મહારાષ્ટ્રમાંથી ત્રણ મોટા નેતાઓ પક્ષ છોડી ચાલ્યા ગયા. સોમવારે જ ઝારખંડના પાર્ટીના એકમાત્ર સાંસદ ગીતા કોડા પણ બીજેપીમાં જોડાયા હતા. 2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે ઝારખંડની 14 બેઠકોમાંથી એક બેઠક પર જીત મેળવી હતી. હવે અહીં કૉંગ્રેસનું કોઈ પ્રતિનિધિત્વ રહ્યું નથી. ગુજરાતના લોકસભામાં કૉંગ્રેસ દસ વર્ષથી એક પણ સાંસદપદ મેળવી શકી નથી. રાજ્યસભામાં પણ હવે માત્ર એક જ સાંસદ રહ્યા છે. ગુજરાત વિધાનસભામાં પણ કૉંગ્રેસ પાસે માત્ર 15 જ સભ્ય છે.