ટોપ ન્યૂઝનેશનલ

‘છોકરીઓ શું પહેરવા ઈચ્છે છે, તેઓ પોતે નક્કી કરે અન્ય કોઈએ નહીં…’, રાહુલ ગાંધીએ હિજાબ મુદ્દે ખુલીને વાત કરી

પ્રયાગરાજ: રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા હાલ ઉત્તર પ્રદેશમાં છે. આ દરમિયાન રાહુલ ગાંધી અલીગઢ યુનિવર્સિટી પહોંચ્યા હતાં અને તેમણે અહીંની વિદ્યાર્થિનીઓ સાથે મુલાકાત કરી. આ દરમિયાન તેમણે શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ સાથે શિક્ષણ, અધિકારો અને મહિલાઓના અભિવ્યક્તિ જેવા મુદ્દાઓ પર વાત કરી હતી.

આ દરમિયાન જ્યારે એક વિદ્યાર્થીનીએ રાહુલ ગાંધીને પૂછ્યું કે જો તેઓ ભવિષ્યમાં દેશના વડાપ્રધાન બનશે તો હિજાબ પહેરતી મહિલાઓ વિશે તેમનો શું અભિપ્રાય છે? આના પર રાહુલ ગાંધીએ કહ્યું કે હું માનું છું કે મહિલાઓને જે પહેરવું હોય તે પહેરવાનો અધિકાર છે. તે સંપૂર્ણપણે સ્ત્રીઓ પર નિર્ભર કરે છે કે તેઓ શું પહેરવા માંગે છે.


રાહુલ ગાંધીએ કહ્યું કે મારું મંતવ્ય છે કે મહિલાઓ શું પહેરે છે તે તેમની જવાબદારી છે. તેમને શું પહેરવું કે શું ન પહેરવું એ તેમનો નિર્ણય છે. મને નથી લાગતું કે તમે શું પહેરશો તે બીજા કોઈએ નક્કી કરવું જોઈએ. આ દરમિયાન જ્યારે તેમને રાજકારણમાં મહિલાઓની ભાગીદારી વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, રાજકારણ અને બિઝનેસમાં મહિલાઓનું પુરતું પ્રતિનિધિત્વ નથી. આ માટે તમામ રાજકીય પક્ષોએ વિચારવું પડશે કે તેમણે મહિલા ઉમેદવારોને વધુમાં વધુ તક આપવી જોઈએ. પક્ષોએ મહિલાઓને પ્રોત્સાહિત કરવી જોઈએ. આપણા દેશના રાજકીય માળખામાં મહિલાઓને સામેલ કરવી પડશે.

રાહુલ ગાંધીએ કહ્યું કે આપણે જોયું છે કે સ્થાનિક સ્તરે રાજકારણમાં હજુ પણ મહિલાઓની હાજરી જોવા મળે છે, તેઓ ગ્રામપ્રધાન કે કાઉન્સિલર સુધી પહોંચે છે, પરંતુ તેનાથી ઉપર જ્યારે વાત વિધાનસભ્ય કે સાંસદની આવે છે ત્યારે મહિલાઓ ભાગ્યે જ જોવા મળે છે. આવી સ્થિતિમાં મહિલાઓને પ્રોત્સાહન આપવું પડશે.

અલીગઢ યુનિવર્સિટીના એક વિદ્યાર્થીએ રાહુલ ગાંધીને આસામમાં NRC વિશે પણ પૂછ્યું. આના પર રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપ દેશના કાયદાઓને હથિયાર બનાવીને તેનો અયોગ્ય ઉપયોગ કરી રહી છે. તે ભેદભાવની રાજનીતિ કરી રહી છે અને તેનાથી કોઈને ફાયદો નથી થઈ રહ્યો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button